યુકેમાં શોપ લિફ્ટિંગનું દુષણ છેલ્લા કેટલાંક વર્ષોથી હાઇ સ્ટ્રીટ પરના રિટેલ બિઝનેસોને હેરાન પરેશાન કરી રહ્યું છે. સજાના અભાવે શોપ લિફ્ટર્સ હવે પહેલાં કરતાં વધુ આક્રમક બન્યાં છે. હવે તો ખુલ્લેઆમ શોપ લિફ્ટિંગ ગેંગો લંડન સહિતના શહેરોના રિટેલર્સને ત્રાહિમામ પોકારાવી રહ્યાં છે.
કોરોના મહામારી બાદ શોપ લિફ્ટિંગમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ, બેરોજગારીનો ઊંચો દર અને માનસિક બીમારીઓથી પરેશાન લોકો ગુજરાન માટે કે પછી કામ ધંધો ન કરવો પડે તે માટે પણ શોપ લિફ્ટિંગ કરતા ખચકાતાં નથી. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આ દુષણે માઝા મૂકતાં રિટેલર્સ મોટા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યાં છે. રિટેલ કંપનીઓને હવે પોતાના કર્મચારીઓ અને માલની સુરક્ષા માટે દર વર્ષે ઘણો મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે તેના કારણે રિટેલર્સ જ નહીં પરંતુ ગ્રાહકો પણ નાહકના દંડાઇ રહ્યાં છે કારણ કે ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો કરવો પડી રહ્યો છે.
હાઇ સ્ટ્રીટ પરના રિટેલર્સની ફરિયાદ છે કે શોપ લિફ્ટિંગની ઘટનાઓમાં પોલીસનો પ્રતિભાવ નિરાશાજનક રહે છે. ઘણા કિસ્સામાં તો ફરિયાદ થવા છતાં પોલીસ પહોંચતી જ નથી. તેથી તપાસનો તો સવાલ જ પેદા થતો નથી. પોલીસ દાવો કરી રહી છે કે હવે કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ કેસ જ ન નોંધાય તો સંખ્યા ઘટવાની જ છે,
હવે આ દુષણમાં ગેંગો પણ સામેલ થઇ ગઇ છે. તેમના દ્વારા શોપ્સના તાળા તોડીને છડેચોક લૂટ અને તોડફોડ કરાય છે. તાજેતરમાં જ લંડનમાં ભારતીયોના બિઝનેસોને નિશાન બનાવીને ગેંગો દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. તાજેતરમાં લંડનમાં 100 જેટલા સગીરો દ્વારા એક દુકાન પર હુમલો કરાયો હતો. આ પ્રકારના કેસોમાં સજાની જોગવાઇ પણ ઓછી હોવાના કારણે અસામાજિક તત્વો બેફામ બની રહ્યાં છે.
સરકાર નવા કાયદા દ્વારા રિટેલર્સને મદદ કરવાના દાવા કરી રહી છે પરંતુ આ દિશામાં વધુ કડક અભિગમની તાતી જરૂર છે. પોલીસ દરેક ફરિયાદને ગંભીરતાથી નહીં લે ત્યાં સુધી આ દુષણ અટકવાનું નથી. પોલીસે નાનામાં નાની ચોરીને પણ અવગણવી જોઇએ નહીં. આ
દુષણ રિટેલર્સની સાથે સાથે લોકોમાં પણ ભય અને અસુરક્ષા પેદા કરે છે અને સમાજમાં વિશ્વાસ ઘટાડે છે.
