મોસ્કોઃ દુનિયા આખીની નજર અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર મંડાયેલી છે, ત્યારે બીજી તરફ યુરોપની ધરતી પર રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 4 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલું યુદ્ધ પણ ખતરનાક બની રહ્યું છે. રશિયાએ યુક્રેનના લુહાન્સ્ક ક્ષેત્ર પર કબજો જમાવ્યાનો દાવો કર્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જાહેર કર્યું છે કે, રશિયન દળોએ પૂર્વ યુક્રેનમાં લુહાન્સ્ક ક્ષેત્ર પર સંપૂર્ણપણે કબજો જમાવી લીધો છે. આ એ જ ક્ષેત્ર છે કે જેના પર 2022માં યુદ્ધની શરૂઆત બાદથી જ રશિયાની નજર હતી, પણ તેને હાંસલ કરી શક્યું નહોતું. રશિયાનું કહેવું છે કે તેનાં દળોએ લુહાન્સ્કને સંપૂર્ણપણે મુક્ત કરાવી લીધું છે. જો કે યુક્રેને આ દાવાની કોઈ પુષ્ટિ કરી નથી, જેના કારણે સ્થળ પરની વાસ્તવિક સ્થિતિને લઈને શંકા છે. રશિયાએ લુહાન્સ્ક ઉપરાંત ખારકીવ ક્ષેત્રના અને ઝેપોરિજિયાના એક-એક ગામ પર કબજો કર્યાનો પણ દાવો કર્યો છે. લુહાન્સ્ક અને દોનેક મળીને ડોનબાસ ક્ષેત્ર બને છે, જે આ યુદ્ધનું સૌથી મોટું રણક્ષેત્ર છે. લુહાન્સ્કનો લગભગ 99 ટકા હિસ્સો પહેલેથી રશિયાના કબજામાં હતો. રશિયાએ કહ્યું હતું કે યુક્રેને પોતાનાં દળો તત્કાળ હટાવી લેવાં જોઈએ.

