વર્તમાન સમયમાં હોર્મુઝની ખાડી વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રના કેન્દ્રમાં આવી ચૂકી છે. ઇરાનમાં સત્તા પરિવર્તનના લક્ષ્યાંક સાથે યુદ્ધ શરૂ કરનાર અમેરિકા, ઇઝરાયેલ અને મીડલ ઇસ્ટના આરબ દેશો માટે હવે હોર્મુઝની ખાડી જ પ્રાથમિકતા બની રહી છે. એક રીતે જોવા જઇએ તો ઇરાનની ચાર દાયકા કરતાં જૂની ઇસ્લામિક સરકારને નેસ્તોનાબૂદ કરવાના અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ઇઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહૂના અરમાનો પર હોર્મુઝની ખાડીની વ્યૂહાત્મક સ્થિતિએ પાણી ફેરવી દીધું છે. આ વિસ્તારમાં સર્જાયેલું વેપાર જળમાર્ગનું સંકટ વૈશ્વિક આર્થિક સ્થિરતા માટે અત્યંત જોખમી પૂરવાર થઇ રહ્યું છે. જો વહેલી તકે યુદ્ધવિરામ નહીં થાય અથવા તો યુદ્ધનો અંત નહીં આવે તો વૈશ્વિક અર્થતંત્ર પર હજુ વધુ ગંભીર અસરો પડશે.
હોર્મુઝની ખાડી વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ ઓઈલ ચોકપોઈન્ટ છે. વિશ્વના કુલ ક્રુડ પુરવઠાનો આશરે ૨૦% થી ૩૦% હિસ્સો આ સાંકડી ખાડીમાંથી પસાર થાય છે. ઇરાને આ જળમાર્ગ પર કબજો જમાવી નાક દબાવવાનું શરૂ કરતાં વિશ્વભરમાં પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસની અછત સર્જાઇ છે. તેની સીધી અસર મેન્યુફેક્ચરિંગ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી રહી છે. તેમાંથી યુકે અને ભારત પણ બાકાત રહી શક્યાં નથી. યુકેમાં ઇંધણોની કિંમત માઝા મૂકી રહી છે તો ભારત સરકારે જનતાને રાહત આપતાં કિંમતોમાં વધારો કરવાને સ્થાને તેના કરવેરામાં કાપ મૂક્યો છે.
ઇરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી વિશ્વભરના શેરબજારોમાં પણ રોજબરોજ કડાકા જોવા મળી રહ્યાં છે. ક્રુડની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી જતાં રોકાણકારોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં હાહાકારના મૂળમાં ક્રુડની આગઝરતી કિંમતો અને પૂરવઠામાં સર્જાયેલો અવરોધ છે.
આમ તો અમેરિકી પ્રમુખ ટ્રમ્પ તેમના નાટોના સાથીઓને હોર્મુઝની ખાડી ખોલવામાં મદદ કરવા અપીલો કરી ચૂક્યાં છે પરંતુ યુકે સહિતના નાટો દેશો, જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ તેમને ડિંગો બતાવી ચૂક્યાં છે. એવું નથી કે આ દેશો પર યુદ્ધની કોઇ અસર પડી રહી નથી પરંતુ કદાચને તેઓ ટ્રમ્પની આડોડાઇને સણસણતો જવાબ આપવા માગે છે. તેમના અર્થતંત્રો ખોરવાઇ રહ્યાં છે તેમ છતાં તેઓ ટ્રમ્પના આંધળુકિયામાં સામેલ થવા માગતા નથી. તાજેતરમાં યુકેએ આગેવાની લેતાં હોર્મુઝ સમિટનું આયોજન કર્યું જેમાં 40 કરતાં વધુ દેશના પ્રતિનિધિઓ વર્ચ્યુઅલી સામેલ થયાં હતાં. તમામે એક જ સૂરમાં આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત પગલાં લેવાની હિમાયત કરી હતી.
જે રીતે યુદ્ધ લંબાઇ રહ્યું છે તે જોતાં તો હોર્મુઝની ખાડીનો જળમાર્ગ ખુલ્લો થાય તેવી સંભાવના હાલપુરતી તો દેખાઇ રહી નથી. ઇરાને સ્પષ્ટ જણાવી દીધું છે કે આ જળમાર્ગ હવે અગાઉની જેમ કાર્યરત નહીં રહે. તેમાંથી પસાર થતા જહાજો પાસેથી ટેક્સ ઉઘરાવવાનો અમલ તો ઇરાન કરી જ ચૂક્યો છે.
આમ હોર્મુઝ સંકટ ન કેવળ અમેરિકા, યુરોપ સહિતના વિશ્વના તમામ દેશોને ધુણાવી રહ્યું છે સાથે સાથે મીડલ ઇસ્ટની ક્રુડ આધારિત અર્થવ્યવસ્થાનો પણ કચ્ચરઘાણ કાઢી રહ્યું છે. ઇરાનના સસ્તા શસ્ત્રો ન કેવળ અમેરિકા અને ઇઝરાયેલને મોંઘા પડી રહ્યાં છે પરંતુ આરબ દેશોમાં પણ હાહાકાર મચાવી રહ્યાં છે. ટ્રમ્પ છેલ્લા કેટલાંક સપ્તાહથી ઇરાનને હોર્મુઝની ખાડી ખુલ્લી મૂકવા ધમકીઓ અને ચેતવણી આપી રહ્યાં છે અને છેલ્લે તો ગાળાગાળી પર ઉતરી આવ્યા છે પરંતુ ઇરાન તેમની સામે નમતું જોખવા તૈયાર નથી.
આમ આ સંકટ વૈશ્વિક અર્થવ્યવસ્થાને જે રીતે બરબાદ કરી રહ્યું છે. મોંઘવારી, ભૂખમરો સહિતની સમસ્યાઓ વિકરાળ બની રહી છે ત્યારે એમ લાગે છે કે આ નુકસાનીમાંથી કળ વળતાં ઘણા વર્ષો લાગી જશે.
