‘શ્રી રામ - ધ પ્રિન્સ ઓફ અયોધ્યા’ને પ્રેક્ષકોએ વધાવ્યું

Tuesday 07th April 2026 08:58 EDT
 
 

શ્રુતિ આર્ટ્સ દ્વારા નિર્માણ "શ્રી રામ - ધ પ્રિન્સ ઓફ અયોધ્યા"એ 21 માર્ચે ક્રોયડનના ફેરફિલ્ડ હોલ અને 22 માર્ચે હેયસના બેક થિયેટરમાં ભારે લોક આવકાર મેળવ્યો. જેમાં ભગવાન રામની રાજકુમારથી રાજા સુધીની મહાકાવ્ય યાત્રાને જીવંત રૂપે રજૂ કરવામાં આવી જેને ઉત્સાહી પ્રેક્ષકોએ ખૂબ વધાવી. સંગીતમય નૃત્ય નાટકમાં અભિવ્યક્ત અભિનય, ગતિશીલ નૃત્ય અને ખાસ કરીને દ્રશ્ય અનુરૂપ ગીતો, રામાયણના દરેક અધ્યાયનું અંગ્રેજી વર્ણન શ્રુતિ આર્ટસના યોગેશભાઇ જોશીએ ખૂબ સુંદર રીતે કર્યું છે. દરેક પ્રસંગની રજૂઆત સાથે આલાપ દેસાઇ અને અન્ય ગાયકોના વૃંદગાન સાથે રામચરિત માનસની ચોપાઈને સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે, જેથી નૃત્યનાટિકાની સ્પષ્ટ વાર્તા સૌ કોઇ સમજી શકે, એનું ભાવનાત્મક ઊંડાણ અને સાંસ્કૃતિક વારસો સમજી શકે એવી કુશળતાથી રજૂ થયેલ "શ્રી રામ-પ્રિન્સ ઓફ અયોધ્યા" પ્રેક્ષકો દ્વારા પ્રશંસા પામ્યું.નોંધનીય છે કે, બધા કલાકારો - ગાયકો, નર્તકો અને કલાકારો - યુકે સ્થિત હતા, જે સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહિત અને પ્રદર્શિત કરવા માટે શ્રુતિ આર્ટ્સને ફાળે યશ જાય છે.
આ સંગીતમય નૃત્ય નાટિકા નિહાળવા નાના બાળકો, યુવાનો અને કેટલાક ઇંગ્લીશ પ્રેક્ષકો પણ આવ્યા હતા પણ શ્રુતિ આર્ટ્સના યોગેશ જોશી દ્વારા લેખિત હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં સ્ટેજ પરથી એટલું સરસ રીતે વર્ણન કરાયું હતું જેથી કોઇપણ નૃત્ય-દ્રશ્ય રજૂ થાય એ જોનારને સહેલાઇથી સમજાય જાય. આલાપ દેસાઈ દ્વારા દિગ્દર્શિત સંગીત, ડાન્સ કોરિયોગ્રાફી પગરવ ડાન્સના ઉર્જા દેસાઈ ઠાકોર દ્વારા અને સ્ટેજ ડાયરેકશન સુભાષ 'વિમાન' ગોરાણી દ્વારા સુંદર રીતે કરાયું હતું. "શ્રીરામ પ્રિન્સ ઓફ અયોધ્યા"ના નિર્માણમાં ભાવનાત્મક વાર્તા કહેવા અને કલાત્મક ભવ્યતાનું શક્તિશાળી મિશ્રણ રજૂ કરવામાં આવ્યું હતું જે ભારતીય પરિવારો અને બહુસાંસ્કૃતિક પ્રેક્ષકોને આકર્ષિત કરતું હતું, જેથી ઘણા લોકોએ આ નૃત્યનાટિકા પ્રસ્તુત પ્રેમ, બલિદાન અને ધર્મના ઉત્થાનકારી ચિત્રણની પ્રશંસા કરી હતી. શ્રુતિ આર્ટ્સના શ્રી રામ - ધ પ્રિન્સ ઓફ અયોધ્યા - ની પ્રસ્તુતિએ યુકેના સ્ટેજ પર ઉચ્ચ-ગુણવત્તાવાળા સાઉથએશિયન થિયેટર માટે તેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવી.
Photos courtesy of Bhupendrabhai Jethwa


comments powered by Disqus