ઈસ્લામાબાદઃ પોતાની માગણીઓ તેમજ આઝાદી માટે છેલ્લા કેટલાક મહિનાઓથી PoKમાં ચાલી રહેલા જન આંદોલનમાં પરિસ્થિતિ વકરી છે અને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાક. સેના ત્યાં દેખાવકારો અને જનતા પર અત્યાચાર અને દમનનાં કોરડા વીંઝી રહી છે. ત્યાં સુધી કે રાવલકોટમાં અબ્બાસપુરના સરદાર ગુલામ હુસૈન ખાન સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં શાંતિપૂર્ણ પ્રદર્શન માટે એકઠા થયેલા આશરે 40 હજાર લોકો પર સેના દ્વારા ફાયરિંગ પણ કરાયું હતું.
પાક. સેનાની ક્રૂરતા અને બેરહમીથી તંગ આવી ગયેલા લોકોએ પાક. સરકાર સામે બગાવત પોકારી છે. આ પછી પાક.ની શાહબાઝ શરીફ સરકાર દ્વારા નાગરિકોના સમૂહ JAACને આતંકી સંગઠન જાહેર કરાયું છે. આ પછી સંગઠનનાં નેતા સરદાર અમન ખાન દ્વારા ભારતના કાશ્મીરીઓની મદદ માગવામાં આવી છે. એક વીડિયો જાહેર કરીને સરદાર અમન ખાને કહ્યું છે કે, અમે જુલ્મ સહન કરી રહ્યા છીએ. અમારું ખાવા-પીવાનું રોકવામાં આવ્યું છે. તેમણે શ્રીનગર, લદાખ, જમ્મુ અને અન્ય સ્થળોના લોકોને તેમના આંદોલનને ટેકો જાહેર કરવા અપીલ કરી છે.
મુઝફફરાબાદ તરફ કૂચની તૈયારી
રવિવારે ફાયરિંગ અને ધરપકડ બાદ જમ્મુ-કાશ્મીર જોઇન્ટ અવામી એક્શન કમિટીએ પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સંગઠને માગ કરી કે તેના પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં આવે અને કસ્ટડીમાં લેવાયેલા કાર્યકરોને મુક્ત કરવામાં આવે. એવી પણ ચેતવણી અપાઈ છે કે જો માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 9 જુલાઈએ કાર્યકરો મુઝફ્ફરાબાદ તરફ માર્ચ કરશે.
ભારત પાસે મદદની અપીલ કરી
પીઓકેના નેતા સરદાર અમન કાશ્મીરીએ ભારતને એલઓસી પર અવરજવર સરળ બનાવવાની અપીલ કરી છે. વર્તમાન સ્થિતિને કારણે સામાન્ય લોકોનું જનજીવન ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ રહ્યું છે, ત્યારે પીઓકેના સ્થાનિકોએ ભારત પાસે મદદ માગી છે. ઇસ્લામાબાદના ગુપ્તચર તંત્ર સાથે જોડાયેલા અધિકારીએ દાવો કર્યો કે પીઓકેની વર્તમાન સ્થિતિ પાછળ ભારતનું ‘સિંદૂર 2.0’ અભિયાન જવાબદાર છે. અધિકારીએ કહ્યું, ‘અમારા સૌથી અનુભવી અધિકારીઓ પીઓકેમાં સ્થિતિ સંભાળી રહ્યા છે. બલુચિસ્તાનમાં પણ અમે આવી સ્થિતિનો સામનો કર્યો છે. અહીં પણ સામનો કરી લઈશું.
પાકિસ્તાન સરકારે આંદોલનને દબાવવા પીઓકેના સ્થાનિકોના રાશન, પાણી અને સ્વાસ્થ્ય સેવાઓ રોકી દીધાં છે. એવામાં ગુસ્સે ભરાયેલા પીઓકેના નાગરિકોએ તેમજ સ્થાનિક નેતાઓએ ભારત પાસે મદદ માગી છે.

