4 જુલાઇના રોજ અમેરિકાએ તેની આઝાદીની 250મી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવી. 1776માં સ્વતંત્રતાના જાહેરનામા પર 56 વ્યક્તિના હસ્તાક્ષરને 250 વર્ષ બાદ વિશ્વની મહાન લોકશાહી ગણાતો અમેરિકા તેની વૈશ્વિક મહાસત્તાની ઓળખ પર તોળાઇ રહેલા ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. દાયકાઓ સુધી આર્થિક શક્તિ, લશ્કરી વર્ચસ્વ અને લોકશાહીના આદર્શોના પ્રભાવ દ્વારા વૈશ્વિક વ્યવસ્થાનું સંચાલન કરતો અમેરિકા આજે ટ્રમ્પના નેતૃત્વમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. સવાલ એ છે કે શું સમયનું ચક્ર ફરી એકવાર એક મહાસત્તાનું પતન લાવી રહ્યું છે?
અત્યાર સુધી વૈશ્વિક મહાસત્તાઓનું પતન બાહ્ય વિસ્તરણ અથવા તો આર્થિક નબળાઇઓના કારણે થયું હતું. સ્પેન, પોર્ટુગલ, બ્રિટન, જર્મની અને છેલ્લે સોવિયેત સંઘનું પતન વિશ્વ જોઇ ચૂક્યું છે. આઝાદીના 250મા વર્ષમાં અમેરિકા સામે પણ વૈશ્વિક અને આંતરિક પડકારો સર્જાયા છે જે તેના વૈશ્વિક મહાસત્તાના મોભાને ભયમાં મૂકી રહ્યાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર પ્રમુખપદે બિરાજમાન થયા ત્યારપછી તેમણે અપનાવેલી નીતિઓએ ન કેવળ ઘરઆંગણે પરંતુ વૈશ્વિક મોરચે પણ અમેરિકાને લાચાર સ્થિતિમાં લાવીને મૂકી દીધો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના મામલે ટ્રમ્પે અપનાવેલી નાટો વિરોધી નીતિએ અમેરિકાને એકલો પાડી દીધો છે. રશિયા પ્રત્યેના કૂણા વલણ અને નાટો દેશો પર લશ્કરી ફાળવણી વધારવાના દબાણે ટ્રમ્પને અળખામણા બનાવી દીધાં છે અને તેનું સીધુ નુકસાન અમેરિકાને થઇ રહ્યું છે. એકસમયે પરસ્પર સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાતા નાટો દેશોનો સાથ છોડીને ટ્રમ્પે અમેરિકાના હિતોને જ પ્રાધાન્ય આપવાનું શરૂ કરતાં ઇરાન સામેના યુદ્ધમાં અમેરિકાને સાથ આપવા યુરોપનો એકપણ દેશ આગળ આવ્યો નહોતો. ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ ભલે સ્થાનિક હિતોને પ્રાથમિકતા આપતી હોય પરંતુ ટીકાકારો તેને વૈશ્વિક નેતૃત્વમાંથી અમેરિકાની પીછેહઠ માની રહ્યાં છે. વૈશ્વિક પર્યાવરણ સંધિ હોય કે વિશ્વ આરોગ્ય સંસ્થા, ટ્રમ્પે મહત્વના વૈશ્વિક સંગઠનો સાથે છેડો ફાડી નાખ્યો છે. આ પ્રકારની પીછેહઠના કારણે વિશ્વમાં ભૂરાજકીય શૂન્યાવકાશ સર્જાયો છે. અમેરિકાના પરંપરાગત સાથી દેશો પણ હવે વિશ્વનીય ભાગીદારી અને મિત્રતા માટે અન્યત્ર નજર દોડાવી રહ્યાં છે અને આ શૂન્યાવકાશનો લાભ લેવા માટે ચીન અને રશિયા જેવી મહત્વાકાંક્ષી સત્તાઓ તલપાપડ બની રહી છે. એક રીતે કહીએ તતો લગભગ એક સદીથી અમેરિકન વર્ચસ્વને ટકાવી રાખનારું વ્યૂહાત્મક માળખુ ધરાશાયી થઇ રહ્યું છે. જો કે આ સ્થિતિને અમેરિકાના પતન તરીકે સ્વીકારી લેવી કદાચ ઉતાવળ ગણાશે. આર્થિક મોરચે જોઇએ તો અમેરિકા આજે પણ ઇનોવેશનનું અજોડ એન્જિન છે. ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફાઇનાન્સમાં હજુ પણ અમેરિકાનો દબદબો છે. વિશેષ અમેરિકા પોતાની ભૂલો સ્વીકારી સુધારવા અને વૈશ્વિક વિચારધારાને આકાર આપી પુનરુત્થાન માટે જાણીતો છે. 250 વર્ષમાં અમેરિકાએ ઘણા ભયાનક આંતરવિગ્રહ, ગંભીર આર્થિક મંદી અને સામાજિક ઉથલપાથલનો સામનો કરીને અમેરિકા નવા હેતૂ સાથે મજબૂત બનીને બહાર આવ્યો છે. એમ પણ કહી શકાય કે અમેરિકા એક પરિવર્તનમાંથી પસાર થઇ રહ્યો છે. પરિવર્તનની આ પ્રક્રિયામાં અમેરિકા કેટલો સફળ રહેશે તે તો ભવિષ્ય જ બતાવશે.
