સાઉથ લંડનના સટન-સરેમાં એક પ્રોફેશ્નલ દંપતિ રહે છે. પત્ની રમા એકાઉન્ટન્ટ છે અને પતિ રમેશ બેન્કર. બે દિકરીઓ સીતા અને ગીતા. ભણવામાં ખૂબ જ હોશિયાર દિકરીઓ. બ્રિટનમાં જન્મેલ બન્ને દિકરીઓમાં મા-બાપે સંસ્કારનું સિંચન ખૂબ સારું કર્યું હતું. ભારત નાટ્યમ્, સંગીતના વર્ગો કરે. પોતાની માતૃભાષા અને
પિતૃભાષા (ગુજરાતી અને હિન્દી) તથા પોતાની જન્મે ભાષા અંગ્રેજી. માતૃ-પિતૃ ભાષાઓ ભાંગી તૂટી બોલવાનો પ્રયાસ પણ કરે. જન્મની ભાષા તો પ્રથમ. એમાં જોવાનું ના હોય! સામાન્ય રીતે આ દેશમાં જન્મેલા બાળકો આપણી ભાષા બોલવામાં સંકોચ અનુભવે. ત્યારે
આ દિકરીઓમાં ભારતીય સંસ્કાર. એ જોઇ ગૌરવ ઉપજે. દિકરીઓને પોતાના રૂટ માટે માન. સંસ્કૃતિ માટે ગૌરવ. આવું ગણ્યા ગાંઠ્યા કુટુંબોમાં
જોવા મળે.
જ્યાં દાદા-દાદી કે નાના-નાની જેવા વડીલો હોય અને એમના દિકરા-દિકરી કે વહુ જમાઇ સન્માન આપતાં હોય. સંસ્કાર આપવાના પાઠ નથી હોતા. સામાન્ય રીતે બાળકો ઘરમાં વડિલોના વર્તન જોતા હોય તેનો અમલ સ્વાભાવિક રીતે કરતા હોય છે. તમે નાહી ધોઇને ભગવાનના દર્શન કરતા હોય, વડિલોને પગે લાગતા હોય-માન આપતા હોય, એમની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરતા હોય, માતૃભાષા બોલાતી હોય, ભારતીય ભોજન ખવાતા હોય, જે દેશમાં રહીએ એના પણ સારા સંસ્કાર અમલમાં મૂકતા હોઇએ..... તો તે જોઇને બાળકો શીખે છે સંસ્કાર.
આ દિકરીઓને ભારતીય ભજનો હોય કે બોલીવુડના ગીતો કે પછી ઇંગ્લીશ સોંગ્સ એ બધામાં રૂચિ. ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથક હોય કે બેલે ડાન્સ બેયમાં એમનું બેલેન્સ.
આ બધી વાતો જાણ્યા પછી થાય કે આવા સમજુ-સુખી-શિક્ષિત પરિવારમાં તો મતભેદ નહિ થતાં હોય! તો આપણી એ મોટી ભૂલ થાય છે. ˘
બે વાસણ હોય તો ખખડયા વિના રહે ખરા? મતભેદો તો રહેવાના જ! મનભેદ ના થાય ત્યાં સુધી ઠીક છે. વિદેશમાં પત્નીએ ડબલ ડયુટી કરવાની ગૃહિણી તરીકેની ફરજ સાથે બાળકોના ઉછેરની, વડીલો ઘરમાં હોય તો એમને સાચવવાના આજના સ્પર્ધાત્મક જગતમાં તાલ મિલાવવા બાળકોને વિવિધ ક્લાસોમાં લઇ જવાના, એમના શિક્ષણ અને જાતજાતની પ્રવૃત્તિઓ સાથે ઓફિસની જવાબદારી કે ધંધામાં ભાગીદારી નોંધાવવાની. સ્ત્રી માટે બે વચ્ચે બેલેન્સ કરવું લોઢાના ચણા ચાવવા જેવું કઠિન થઇ જાય. ભગવાને સ્ત્રીને ઘડી ત્યારથી જ ફુલ જેવી કોમળતા અને વજ્ર જેવી કઠોરતા આપી. મમતા અને વાત્સલ્ય સહ સહનશીલતાની મૂર્તિ બનાવી. ભગવાને જરૂર ફૂરસદની પળોમાં ખૂબ જ વિચાર પૂર્વક એનું સર્જન કરેલ. જેથી કોઇપણ સંજોગોનો સામનો કરવા એ સજ્જ રહે.
આજના પતિઓની વાત કરીએ તો મહદ્ અંશે તેઓ પત્નીને સહકાર આપે એવા સમજુ હોય છે. શક્ય હોય ત્યાં સુધી મદદ કરતા હોય છે. પહેલાના જેવું નહીં કે, સાસુમાનો વટ હોય. એમના દિકરાને વહુ કામ સોંપે તો માના ભવાં ચડી જાય! વહુ સમસમી બેસી જાય. આજે તો સામો જવાબ મળી જાય.
ખેર બધાં દિવસો એકસરખા જતા નથી. ક્યારેક તો દબાયેલી સ્પ્રીંગ ઉછળે એવી ઘટનાઓ પણ બનતી જ હોય છે. એક વખતની આ વાત છે.. પતિ ગાર્ડનમાં કામ કરી રહ્યા હતા. ઘાસ કાપતા કાપતાં વચમાં વીડ બહુ ઉગી નીકળેલ. એ માટે વીડ કીલર લાવી વગર વિચારે, ઉતાવળીયો નિર્ણય લઇ ઘાસ પર નાંખ્યું. કામ સરળ કરવા જતાં ફિયાસ્કો થયો. પરિણામે લીલા ઘાસમાં ફંગસ આવી હોય એવા મોટા મોટા પેચ થઇ ગયા.
ગાર્ડનની બ્યુટી બગડી અને પત્ની ભડકી એ નફામાં! અરે આ શું કર્યું તે? જરા વિચાર કે, ઇન્સ્ટ્રકશન તો વાંચ અને એને ફોલો કર. પુરુષ જાત એટલે અહમ્ તો ખરો જ!
પોતાનાથી ભૂલ થઇ હોય તો એનો સ્વીકાર પુરૂષ જાત જલ્દી ના કરે! સોરી બોલે તો નાના બાપના થઇ જવાય! પાવર અજમાવે. તારે શું? બોલવું છે. ટીકા કરવી છે. કામ કરો તો ખબર પડે કે કેટલા વીસે સો થાય? ચાલ હવે ગાર્ડન તું કરજે. હું હું નહિ નહિ કરું.. કરું.. પત્ની કહે, ચાલ તું ઘરકામ કર, કપડાંની ઇસ્ત્રી કર. રસોઇ કર. છોકરાઓની સંભાળ રાખ. પછી ખબર પડશે!
આવી ચડભડમાં એકબીજા પર આક્ષેપબાજી શરૂ થઇ. મારૂં કામ બધું તમે કરો અને હું તમારૂં કામ કરું. અદલ-બદલ કરી જોઇએ કે કોનું કામ હાર્ડ છે? એકબીજા સાથે બન્નેના મો ચડેલા. અહંકારનો ટકરાવ ને ટંકાર.
હમ કીસીસે કમ નહિ જેવો માહોલ. બોલો આખરે કોને ઝૂકવું પડયું હશે?

