ઉનાળાના આગમન સાથે જ શુષ્ક અને ફાટેલી ત્વચાની સમસ્યા ભલે દૂર થઇ જાય, પણ સૂરજના ધોમધખતા તાપ સાથે ત્વચા પર બળતરા થઇ જાય છે તેનું શું? આ ઓછું હોય તેમ પરસેવાને કારણે ત્વચા ચીકણી લાગે. જ્યારે ઓઇલી સ્કીન ધરાવતી માનુનીઓનું મોઢું તો ખરેખરું તેલ ચોપડયું હોય એવું થઇ જાય. નિષ્ણાતો ગ્રીષ્મમાં ત્વચાની કાળજી લેવા અંગે સલાહ આપતાં કહે છે કે આ સિઝનમાં સનસ્ક્રીન લોશન અચૂક લગાવો. ઘરથી બહાર નીકળવાના હો તેનાથી પંદરેક મિનિટ પહેલાં સનસ્ક્રીન લોશન લગાવી લો. એટલું જ નહીં, ઘરમાં હો ત્યારે પણ સનસ્ક્રીન લોશન લગાવી રાખો જેથી ગરમ હવાને કારણે તમારી ત્વચાને નુકસાન ન પહોંચે. આ ઋતુમાં દિવસમાં ત્રણથી ચાર વખત સનસ્ક્રીન લોશન એપ્લાય કરો.
મેકઅપ કરતી વખતે ત્વચા પર સૌથી પહેલા મોઇશ્ચરાઇઝર લગાવો. ત્યાર બાદ સનસ્ક્રીન લોશન લગાવીને પછી મેકઅપ કરો. ઉનાળામાં પરસેવો થવાથી ત્વચા પર ગંદકી જલ્દી જામી જાય છે. વળી આ દિવસોમાં ત્વચા તૈલીય થઇ જતી હોવાથી ખીલ થવાનો ભય પણ રહે છે. આ સમસ્યા ન સર્જાય એટલા માટે પહેલેથી જ યોગ્ય ક્લિન્ઝિંગનો ઉપયોગ કરો. રોજ રાત્રે સુતી વખતે ચહેરાને ક્લિન્ઝિંગ મિલ્કથી સ્વચ્છ કરીને પછી મોઇશ્ચરાઇઝર લગાવી દો. ચામડીને ટોન કરવા ગુલાબજળ લગાવો. સ્કીન કેર માટે ગુલાબજળ ઉત્તમ છે.
ત્વચાને સ્વચ્છ રાખવા માટે તમે બદામના પાવડર, જવનો લોટ અને ગુલાબજળ મિશ્રિત પેસ્ટનો ઉપયોગ પણ કરી શકાય. ચહેરો દિવસમાં ત્રણેક વખત સોફ્ટ ફેસવોશથી ધુઓ. તેનાથી ત્વચા શુષ્ક નહીં બને. હા, ચહેરો ધોવા સાબુનો ઉપયોગ બિલકુલ ન કરો.
આ જ રીતે ત્વચાને સુંવાળી બનાવી રાખવા માટે હર્બલ મોઇશ્ચરાઇઝર ફાયદાકારક પુરવાર થાય છે. એલોવેરા, આમળા, હળદરયુક્ત મોઇશ્ચરાઇઝર આ સિઝન માટે ઉપયુક્ત ગણાશે.
રાત્રે સુતાં પહેલાં ત્વચા પર આલ્મંડ ઓઇલ અને મધ ધરાવતું નાઇટક્રીમ લગાવવાથી ત્વચા સુંદર બને છે. આ સિવાય તમે અઠવાડિયામાં એક વખત સ્ક્રબ કરશો તો ચામડી પરના ડેડ સેલ દૂર થઇ જતાં ચહેરો સ્વચ્છ બને છે. રાત્રે સુતી વખતે હોઠ પર આલ્મંડ ઓઇલ લગાવશો તો તે એકદમ નરમ - મુલાયમ રહેશે અને તેની કાળાશ પણ દૂર થઇ જશે.
ઉનાળામાં વારંવાર પરસેવો થતો હોવાથી ચહેરા પર પાણીની છાલક મારતા રહેશો તો ઘણી રાહત વર્તાશે. આનાથી પરસેવાની ચીકાશ દૂર થશે અને તાજગી વર્તાશે. વળી, ચીકાશ દૂર થવાથી ત્વચાને પૂરતો ઓક્સિજન મળી રહેતાં નિખાર જળવાશે. આ સિવાય ત્વચાને તરોતાજા રાખવા માટે ફ્રૂટ ફેશિયલ બેસ્ટ ગણાશે. ચામડીને ઠંડક આપે એવા કાકડી, ગુલાબજળ, ચંદન, મુલતાની માટી, કપૂર, લીમડાના પાનના ફેસ પેક પણ લગાવી શકાય.
સ્નાન કરતી વખતે પાણીમાં એકાદ ચમચી લીંબુનો રસ અથવા ગુલાબની પાંખડીઓ નાંખો. સ્નાન બાદ એકદમ તાજગી અનુભવાશે અને તે લાંબા સમય સુધી ટકી રહેશે.
ઘરમાંથી બહાર નીકળતી વખતે ચહેરા અને હાથ પર સનસ્ક્રીન લોશન લગાવો છો તેવી જ રીતે ડિઓનો ઉપયોગ પણ કરો. તેનાથી તાજગી અનુભવાશે અને પરસેવાની ગંધ પણ નહીં આવે. આ ઉપરાંત તડકાથી આંખોને સુરક્ષા આપવા ગોગલ્સ પહેરવાનું ન ભૂલો. ગરમી અને તાપને કારણે આંખો બળતી હોય તો આંખો પર ફ્રીઝનું ઠંડુ પાણી છાંટો. આ સિવાય રૂના પુમડાંને ગુલાબજળમાં બોળીને તેને નેણ પર દસેક મિનિટ મુકવાથી પણ ઘણી રાહત થાય છે.
જો તડકાને લીધે ત્વચા કાળી પડી ગઇ હોય (સનટેન) તો કાકડીના રસમાં એટલો જ લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાવો. વીસ-પચીસ મિનિટ પછી ચહેરો ઠંડા પાણીથી ધોઇ લો. તેવી જ રીતે હાથ અને ગરદનનું સનટેન દૂર કરવા માટે દહીંમાં એક ચપટી હળદર નાખીને તેનું મિશ્રણ લગાવો. અડધા કલાક પછી ધોઇ નાખો. આ સિવાય સૂર્યમુખીના તેલમાં લીંબુનો રસ અને સાકર નાખી તેનું મિશ્રણ હાથ પર લગાવવાથી પણ સનટેન દૂર થાય છે. જ્યારે પગની તડકાથી કાળી પડી ગયેલી ત્વચાને સામાન્ય બનાવવા માટે પાણીમાં લીંબુ નાખો અને પગને તેમાં થોડીવાર બોળી રાખો. આ પ્રયોગથી માત્ર સનટેન જ દૂર નહીં થાય, પરંતુ થાક પણ ઉતરી જશે.
ઉનાળાના દિવસોમાં વાળની સંભાળ રાખવી બહુ જરૂરી છે. હેર એક્સપર્ટ્સ કહે છે કે વાળને એકાંતરે શેમ્પૂ કરીને કંડિશનર લગાવો. આ દિવસોમાં ગરમીને કારણે પરસેવો થવાથી માથું ચીકણું લાગે છે, તોય વાળમાં તેલ લગાવવાનું બંધ ન કરો. સ્નાન કરવાથી અડધોથી એક કલાક પહેલા નાળિયેર અથવા જૈતુનના હુંફાળા તેલથી મસાજ કર્યા પછી શેમ્પૂ કરો. જો વાળમાં ખોડો હોય તો લીંબુનો રસ લગાવવાથી ખોડામાંથી છૂટકારો મળશે અને કેશ કંડિશન થશે તે છોગામાં.
ઉનાળામાં વાળમાં મહેંદી લગાવવાથી માથાને ટાઢક મળે છે અને કેશ સુંવાળા થાય છે. આ જ રીતે હેર સિરમનો ઉપયોગ કરવાથી વાળમાં ચમક આવે છે. આ દિવસોમાં કેશ ખુલ્લા રાખવાને બદલે પોની બાંધી દો અથવા એકદમ શોર્ટ હેરકટ કરાવો. તડકામાં બહાર જતી વખતે માથા પર સ્કાર્ફ બાંધો. આનાથી વાળની ચમક જળવાઇ રહેશે.

