ઈરાનઃ 100 દેશના નેતા આવ્યા, કરબલા સહિત 5 શહેરોમાંથી પસાર થશે જનાજો

Wednesday 08th July 2026 06:50 EDT
 
 

તહેરાનઃ શુક્રવારે તહેરાનમાં ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનેઇના જનાજા સાથેની અંતિમ સફર શરૂ થઈ છે. તેમનો જનાજો કરબલા સહિત 5 શહેરથી પસાર થશે, જેમાં 100 દેશોના નેતા અને પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. 86 વર્ષના ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ તહેરાનમાં ઇઝરાયલના હુમલામાં મોત થયું હતું. શુક્રવારે તેહરાનની ઈમામ ખોમેનેઇ મસ્જિદ ખાતે ખામેનેઈ, તેમની 14 મહિનાની દોહિત્રી અને પરિવારના અન્ય સભ્યોના જનાજા મૂકવામાં આવ્યા હતા.
આ નિમિત્તે ઈરાનના રાષ્ટ્રપતિ ૫જેશ્કિયાન, સંસદના અધ્યક્ષ ગાલિબાફ અને વિદેશી પ્રતિનિધિઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતથી રાજ્યપાલ અતા હસનૈન, કેન્દ્રીય મંત્રી પાબિત્રા માર્ગેરીટા, કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ અને પીડીપીના મહેબૂબા મુફ્તીએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય ખામનેઇના કોફિન સમક્ષ ભારત સહિત અન્ય દેશના ધર્મગુરુઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. અલી ખામનેઇના જનાજા અને સુપુર્દ-એ-ખાકની વિધિઓનો તેમના નિધનના મહિનાઓ બાદ પ્રારંભ થયો છે, જેમાં તહેરાનથી માંડીને ઇરાકના નજફ અને કરબલા સુધીનાં આયોજનો થઇ રહ્યાં છે. 9 જુલાઇએ તેમને ઉત્તર-પૂર્વ ઇરાનના મશહદ શહેરમાં ઇમાર રજાના રોઝામાં દફનાવવામાં આવશે.
સૌથી ખર્ચાળ અંતિમવિધિ
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની 6 દિવસની રાજકીય અને ધાર્મિક વિધિઓ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહી છે. તેમાં અંદાજે 2 કરોડ લોકોના ભાગ લેવાની સંભાવના દર્શાવાઈ છે. આમ લાખો લોકોની હાજરી, હજારો સુરક્ષાકર્મીઓ, અનેક શહેરોમાં શોકયાત્રા, નિઃશુલ્ક ભોજન, પરિવહન અને વિશાળ સુરક્ષા વ્યવસ્થાને કારણે આ અંતિમવિધિ વિશ્વની સૌથી ખર્ચાળ સાબિત થઈ છે. જો કે આ ખર્ચ અંગે સરકાર મૌન છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા અંદાજ મુજબ કુલ ખર્ચ રૂ. 10,000 કરોડથી રૂ. 25,000 કરોડ સુધી પહોંચી શકે છે. જો આ અંદાજ સાચો સાબિત થાય તો તે અત્યાર સુધીની સૌથી મોંઘી રાજકીય અંતિમવિધિ ગણાશે.


comments powered by Disqus