એર સુવિધા 2.0 નિયમો તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ફરજિયાત

Wednesday 08th July 2026 06:22 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતે ઈબોલા રોગચાળાના કારણે તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એર સુવિધા 2.0 નિયમો ફરજિયાત બનાવ્યા છે. તમારે હવાઈ પ્રવાસ કરતા પહેલા આ નિયમો વિશે જાણી લેવું હિતાવહ છે. આ ફરજિયાત ઓનલાઈન પોર્ટલ ભારતીય સત્તાવાળાઓને જોખમ ધરાવતા પ્રવાસીઓને આગમન પહેલા જ ઓળખવામાં મદદરુપ બનશે. પ્રવાસીઓએ વિમાનમાં બેસવાના 24 કલાક પહેલા જ સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે.
ઈબોલા વાઈરસનો ફેલાવો અટકાવવા ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા 25 જૂન 2026ના રોજ અપગ્રેડેડ અને કોન્ટેક્ટલેસ પેસેન્જર હેલ્થ સેલ્ફ-ડેક્લેરેશન પોર્ટલ Air Suvidha 2.0 લોન્ચ કરાયું હતું. વર્તમાન ઈબોલા રોગચાળાના પ્રતિસાદરુપે આ ઈનિશિયેટિવ ભારતના એન્ટ્રી પોઈન્ટ્સ પર હેલ્થ સ્ક્રીનિંગને વધારશે.
એર સુવિધા 2.0 ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સહયોગથી વિકસાવાયું છે. ઓનલાઈન પોર્ટલ ભારત આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ફરજિયાત ઓનલાઈન હેલ્થ સેલ્ફ-ડેક્લેરેશન ફોર્મ રજૂ કરવા જણાવે છે. જેમાં ઈમિગ્રેશન ક્લીઅરન્સ અગાઉ 21 દિવસના પ્રવાસ ઈતિહાસ, વાઈરસ લાગવાના સંભવિત ઈતિહાસ અને સંબંધિત લક્ષણો હોય તો, જણાવવાનું રહેશે. આ પોર્ટલ એરપોર્ટ હેલ્થ ઓફિસર, બ્યૂરો ઓફ ઈમિગ્રેશન, IDSP, અને સ્ટેટ સર્વેલન્સ ઓફિસર્સને રીઅલ-ટાઈમ ડેટા પુરો પાડશે. જેના પરિણામે, આગમન સમયે કોઈ ફીઝિકલ ફોર્મ્સ ભરવાના રહેશે નહિ અને જોખમ ધરાવતા પ્રવાસીઓની ઝડપી ઓળખ શક્ય બનશે.
આંતરરાષ્ટ્રીય સ્થળોએથી ભારતનો પ્રવાસ કરી રહેલા પેસેન્જર્સ વેબ ચેક-ઈન દરમિયાન, ફ્લાઈટમાં બેસવાના 24 કલાકની અંદર એર સુવિધા 2.0 સેલ્ફ-ડેક્લેરેશન ફોર્મ પૂર્ણ કરી શકશે. ભારત આવતા તેઓ ઈન્ટરનેશનલ ટ્રાવેલ હેલ્થ ડેસ્ક અથવા ઈમિગ્રેશન કાઉન્ટર પર સેલ્ફ-ડેક્લેરેશન ફોર્મ બતાવી શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઈબોલા વાઈરસનો રોગચાળો ફાટી નીકળ્યા પછી તેને 17 મે 2026થી ઈન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ 2005અન્વયે પબ્લિક હેલ્થ ઈમર્જન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન (PHEIC) જાહેર કર્યાના પગલે આ પોર્ટલ લોન્ચ કરાયું છે.
વધુ માહિતી અથવા ફોર્મ ભરવા માટે Air Suvidha 2.0ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.


comments powered by Disqus