ચીનની બેધારી નીતિઓથી ભારતે સાવધ થઇ જવાની જરૂર

Wednesday 08th July 2026 06:03 EDT
 

ચીન ભલે ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધોનું ગાણું ગાતો હોય પરંતુ ભારતના પાડોશી દેશોમાં તેની કૂટનીતિક હિલચાલ નવી દિલ્હી માટે લાલબત્તી સમાન છે. ભારતીય ઉપખંડમાં ભારતના પરંપરાગત પ્રભાવને નબળો પાડવાની દિશામાં આગળ વધેલા ચીને મહદ્દ અંશે સફળતા પણ હાંસલ કરી લીધી છે તે એક મોટી ચિંતાનો વિષય છે. ભારતનો પરંપરાગત દુશ્મન એવો પાકિસ્તાન પહેલેથી ચીનના ખોળામાં બેઠો છે. નેપાળ અને શ્રીલંકા પણ ચીની પ્રભાવથી અછૂતા નથી ત્યારે હવે બાંગ્લાદેશ અને મ્યાનમારને પણ ચીની કૂટનીતિએ સકંજામાં લઇ ભારતની ઘેરાબંદી વધુ મજબૂત બનાવી છે.
બાંગ્લાદેશમાં શેખ હસીનાના પતન બાદ નવા સત્તાધીશોનો ચીન સાથે ઘરોબો વધ્યો છે. મ્યાનમાર-બાંગ્લાદેશ ઇકોનોમિક કોરિડોર અને તિસ્તા પ્રોજેક્ટના બહાને ચીન એવા ક્ષેત્રોમાં પગપેસારો કરી રહ્યો છે જે નવી દિલ્હી માટે અત્યંત સંવેદનશીલ ગણાય છે. બાંગ્લાદેશની સરકારે ભારત સાથેના કરારનો ભંગ કરીને મોંગલા બંદરની 110 એકર જમીન ઇકોનોમિક ઝોનના નામે ચીનની સરકારી કંપનીને સોંપી દીધી છે. તે ઉપરાંત ચટગાંવ બંદર પણ ચીનને સોંપી દેવાયું છે. સ્પષ્ટ છે કે ચીન આ બંને બંદરનો ઉપયોગ ફક્ત વ્યાપારી હેતૂઓ માટે તો નહીં જ કરે. બાંગ્લાદેશમાં પગદંડો જમાવી ચીન બંગાળની ખાડી પર ચાંપતી નજર રાખી શકશે. બાંગ્લાદેશમાં બેઠા બેઠા ભારતીય સેનાના સિગ્નલો આંતરીને સરળતાથી જાસૂસી કરી શકશે.
ચીન અને બાંગ્લાદેશ વચ્ચેની મિલીભગતથી ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને પૂર્વ તથા ઉત્તરપૂર્વ ભારતની સુરક્ષાના ચક્રવ્યૂહને મોટો ફટકો પડી શકે છે. એવી પણ માહિતી છે કે મોંગલા અને ચટગાંવ ખાતે ચીન રડાર અને સોનાર સિગ્નલ સિસ્ટમ પણ સ્થાપિત કરી રહ્યો છે. તેનો અર્થ એ થયો કે ચીન હવે કોલકાતાથી માંડીને હલ્દિયા સુધી સરળતાથી ભારત પર જાસૂસી કરી શકશે. ભારતીય નૌકાસેનાની તમામ ગતિવિધિઓને ટ્રેસ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોંગલા પોર્ટ કોલકાતાથી ફક્ત 80 કિમીના અંતરે આવેલું છે. આટલું ઓછું હોય તેમ ચીન તિસ્તા નદી પર વિશાળ બંધનું નિર્માણ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. તિસ્તા નદીનું પાણી ભારત માટે અત્યંત જરૂરી છે તે ચીન સારી રીતે જાણે છે અને પાણીનો પ્રવાહ અવરોધીને ભારતનું નાક દબાવવાનો કારસો કરી રહ્યો છે.
આવી સ્થિતિમાં ભારતે ફરી એકવાર સાર્ક સંગઠનને પુનર્જિવિત કરવાની પહેલ કરવી જોઇએ કારણ કે સાર્ક સંગઠનને તાળા વાગી ગયા બાદ ભારતના પાડોશી દેશોમાં ચીનનો દબદબો અનેક ગણો વધી ગયો છે. સાર્ક સંગઠનના કારણે ભારતીય ઉપખંડના પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો પર ભારતનો પ્રભાવ વર્તાતો હતો અને તેના માધ્યમથી ચીનની આગેકૂચ અટકાવવામાં સફળતા મળતી હતી પરંતુ સાર્કને દફનાવી દેવાયા બાદ ભારતીય ઉપખંડના હિતો માટેની સહિયારી કૂટનીતિનો પણ અંત આવી ગયો છે.
ચીનને તેની વેપાર અને લશ્કરી સુવિધાઓ માટે અરબી અને હિન્દ મહાસાગરમાં પેઠ વધારવી હતી. આ માટે તેણે પહેલા પાકિસ્તાનમાં ઇકોનોમિક કોરિડોરના નામે છેક ગ્વાદર સુધી પોતાનો પંજો પસાર્યો પરંતુ બલૂચિસ્તાન અને પીઓકેમાં અસ્થિરતાના કારણે તેના ઇરાદા સફળ થઇ શક્તાં નથી. હિન્દ મહાસાગરમાં ચીને છેક આંદામાન-નિકોબારનું ચક્કર કાપવું પડતું હતું પરંતુ હવે બાંગ્લાદેશી બંદરો પર કબજો જમાવ્યા બાદ તે સીધો જ બંગાળની ખાડીમાં થઇને હિન્દ મહાસાગરમાં પ્રવેશી શકશે. ભારત સરકારે તાકિદે આ બાબતોને ગંભીરતાથી લઇ બાંગ્લાદેશમાં વધતી ચીનની વગને અટકાવવાના પ્રયાસો કરવા પડશે નહીંતર ઘણું મોડું થઇ જશે અને ભારતના હિતોને પારાવાર નુકસાન થશે.


    comments powered by Disqus