લેસ્ટરઃ ઈંગ્લેન્ડના હાર્દ સમાન વિસ્તાર લેસ્ટરમાં રવિવાર 28 જૂન 2026ના દિવસે રથયાત્રાનો ઉત્સવ સમર્પણની ભાવના, સંગીત અને ઉજવણીના માહોલમાં ધામધૂમ સાથે ઉજવાયો હતો. મિડલેન્ડ્સમાં સૌથી શાનદાર શોભાયાત્રાઓમાં એક રથયાત્રા ઉત્સવનો આરંભ ગ્રાનબી સ્ટ્રીટ પર આવેલા ઈસ્કોન (ISKCON)ના રાધા માધવ મંદિરની બહાર, લેસ્ટરના સિટી સેન્ટરથી કરાયો હતો. રથયાત્રામાં ભવ્ય પહાન્દિ સ્વાગત સમારોહમાં ભગવાન જગન્નાથ, મોટાભાઈ બળદેવ અને બહેન સુભદ્રાની મૂર્તિઓ રથમાં વિરાજમાન કરાઈ હતી.
લેસ્ટર ગર્લ્સ મહેર રાસ ગ્રૂપ દ્વારા પરંપરાગત નૃત્ય પરફોર્મન્સ સાથે ઉત્સવની શરૂઆત થઈ હતી. આ પછી, શિવાની રાજા MP અને અવન્તિ સ્કૂલ્સ ટ્રસ્ટના CEO ડો. જેમ્સ બિડુલ્ફ સહિતના વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિમાં મંદિરના પ્રેસિડેન્ટ પ્રદ્યુમન દાસ દ્વારા સ્વાગત સંબોધન કરાયું હતું.
ઉલ્લાસપૂર્ણ ભવ્ય રથયાત્રાનો આઈરંભ સિટી સેન્ટરમાં થયો અને લેસ્ટરના ગોલ્ડન માઈલના માર્ગે થઈને કોસિંગ્ટન પાર્ક આવી પહોંચી હતી. અહીં હજારો મુલાકાતીઓ અને ભક્તોએ સાંસ્કૃતિક પરફોર્મન્સીસ, મંત્રોચ્ચાર સાથે ધ્યાન, બાળકો માટે આનંદપ્રમોદ ઉપરાંત, પારિવારિક આનંદની પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો. ઉત્સવમાં 800થી વધુ સ્વયંસેવકો કાર્યરત રહ્યા હતા અને સહુને પ્રસાદની 10,000થી વધુ પ્લેટ્સનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું.
ISKCON લેસ્ટરના પ્રેસિડેન્ટ પ્રદ્યુમન દાસે જણાવ્યું હતું કે, ‘ રથયાત્રાનો ઉત્સવ એક જ સ્થળે અને સમયે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના શ્રેષ્ઠ તત્વોનું સંમિશ્રણ દર્શાવે છે. આ વર્ષનો ઉત્સવ વિશેષતઃ મહત્ત્વપૂર્ણ છે કારણકે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સિયસનેસ (ISKCON)ની સ્થાપના 1966માં કરવામાં આવી તેના છ દાયકા થવા નિમિત્તે 601મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે. અમે ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ જેમણે પશ્ચિમ વિશ્વને પ્રાચીન ભારતના આધ્યાત્મિક વારસાની ભેટ આપી છે અને સમગ્ર વિશ્વમાં ભગવાન જગન્નાથની પૂજાને લોકપ્રિય અને સુલભ બનાવી છે.’

