નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી ભારત સરકારે સિંધુ જળસંધિને ખતમ કરી દીધી છે. પાકિસ્તાન તરફથી આ મુદ્દે સતત ભારતને ધમકી મળી રહી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે આ ધમકીઓનો જવાબ આપતાં ભારત સરકાર તરફથી તેના વલણની સ્પષ્ટતા કરી હતી. પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘પાકિસ્તાનનું વલણ હંમેશાં એક જેવું જ રહ્યું છે. પાકિસ્તાન તરફથી ચાલતા સરહદ પારના આતંકવાદને કારણે જ સંધિ અટકી છે. સિંધુ જળસંધિ મુદ્દે ભારતનું વલણ સ્થિર અને સ્પષ્ટ છે. પાકિસ્તાન સતત સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું હોવાથી સિંધુ જળસંધિ અટકેલી છે. પાકિસ્તાને આતંકવાદને તેના તરફથી આપવામાં આવતું સમર્થન વિશ્વસનીય રીતે છોડવું પડશે.’
