કાઠમંડુઃ નેપાળમાં આવેલા પૂરના 13 દિવસ પછી મંગળવારની સ્થિતિ મુજબ રાહત અને બચાવ અભિયાન ચાલુ છે. બચાવ ટુકડીઓ અલગ-અલગ 7 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા કર્મચારીઓની શોધ કરી રહી છે. અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે, જ્યારે 4894 લોકો હજુ પણ ગુમ છે. તેમાં 587 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. પહાડી વિસ્તારો, તૂટેલા રસ્તાઓ અને ભારે કાટમાળના કારણે બચાવ અભિયાનમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 1356 લોકોનાં મોત થયાં છે. જ્યારે તિબેટમાં 43 લોકોનાં મોત થયાં છે અને 519 લોકો ગુમ છે.
ચિલિમે હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં 6 લોકો ફસાયા
નેપાળના ચિલિમે હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં 6 લોકો ફસાયા છે. તેમને બચાવવા ભારતીય સેનાની 35 સભ્યોની ટીમ, નેપાળ સેના અને અન્ય બચાવ ટીમો અભિયાન ચલાવી રહી છે. લગભગ 250 મીટર લાંબી ટનલમાં ટીમ 130 મીટર સુધી પહોંચી ગઈ છે. પ્રોજેક્ટમાં હાજર 71 લોકો સુરક્ષિત બહાર નીકળી ગયા છે. બચાવ કામગીરી પૂરી થવામાં હજુ સમય લાગી શકે છે.
નેપાળે 2 કરોડ ડોલરનું વળતર માગ્યું
નેપાળે પૂરથી થયેલા નુકસાન માટે 2 કરોડ ડોલર (લગભગ 189 કરોડ રૂપિયા)નું વળતર માગ્યું છે. નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલે બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જે દેશોના ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનથી આબોહવા પરિવર્તન વધી રહ્યું છે, તેમને હવે મદદ માટે આગળ આવવું જોઈએ.
નેપાળનું કહેવું છે કે તે વિશ્વના કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 0.1% થી પણ ઓછું યોગદાન આપે છે, છતાં આબોહવા પરિવર્તનની અસર તેના પર ઘણી વધારે પડી રહી છે. અહીં તાપમાન વિશ્વના સરેરાશ તાપમાન કરતાં લગભગ 50 ટકા વધુ ઝડપથી વધી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના 2023ના અહેવાલ મુજબ 30 વર્ષમાં નેપાળના પર્વતોએ લગભગ એક તૃતિયાંશ બરફ ગુમાવી દીધો છે.
ગુમ થયેલા ભારતીયોના DNA સેમ્પલ મગાવાયાં
તિબેટ-નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા પૂર અને ભૂસ્ખલન બાદ કેટલાક ભારતીય નાગરિકો હજુ પણ ગુમ છે. બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસે આ ગુમ થયેલા લોકોના પરિવારોને DNA સેમ્પલ જમા કરાવવા જણાવ્યું છે, જેથી ચીની અધિકારીઓ મળેલા મૃતદેહોની ઓળખ કરી શકે.

