મોટા ભાગે ‘કોચિંગ’ અને ‘ટ્રેનિંગ’ તેમજ ‘મેન્ટોરિંગ’ શબ્દોનો ઉપયોગ આડેધડ થતો રહે છે. ડિક્શનેરીની વ્યાખ્યાઓ જોઈએ તો (1) કોચિંગ ધ્યેયલક્ષી છે અને વ્યક્તિના પરફોર્મન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.(2) ટ્રેનિંગ વ્યક્તિઓ અથવા સમૂહને માળખાગત, ચોક્કસ જ્ઞાન અને કૌશલ્ય આપે છે અને (3) મેન્ટોરિંગ તાલીમાર્થીઓની જરૂરિયાતો પર અંગત રીતે અપાતું કેન્દ્રિત ધ્યાન છે. અનુભવી વ્યક્તિ ઓછાં અનુભવી સહકર્મીને તાલીમ આપે છે.
યુનિવર્સિટી ડીગ્રી અને વર્ક પ્લેસમેન્ટને સમાવી લેતા એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ કોર્સીસ અને સેન્ડવિચ કોર્સીસ ટ્રેનિંગ અને મેન્ટોરશિપનું સંમિશ્રણ છે. જે રીતે નિયમિત સર્વિસ કરાતી ન હોય તેવું એરોપ્લેન કામ કરતું નથી તેમ તાલીમબદ્ધ સ્ટાફ વિના તમારી પેઢી ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતા ગુમાવી દેશે અને નિષ્ફળતાના રનવે પર આવી જશે. તમારી પેઢી બંધ થઈ જશે અને તમે રોકાણ કરેલી મૂડી પણ ગુમાવશો.
મેન્ટોરિંગ અથવા તો પરામર્શન કે માર્ગદર્શન ઓન-ધ-જોબ ટ્રેનિંગ માટે આદર્શ છે.(1) તે જોબ પરફોર્મન્સ વધારે છે. કર્મચારીઓ તેમના કામ માટે વધુ આત્મવિશ્વાસી અને પરિપક્વ બને છે. (2) તેનાથી સમસ્યા નિરાકરણની તેમની ક્ષમતાઓ વિકસે છે. (3) મેળવેલું જ્ઞાન અને અનુભવ કર્મચારીઓની સુઝબુઝ વધારે છે.
મેન્ટોરિંગથી મળતી મદદઃ (1) કર્મચારીઓને નવી ભૂમિકા માટે તૈયાર કરે છે. (2) વાર્ષિક અને માંદગીની રજાઓથી સર્જાતી ખાઈ પૂરે છે (3) ગ્રાહકસેવા અને ફરિયાદોના સંચાલનની ફરજો બજાવવા માટે ડહાપણ અને પરિપક્વતા વિકસાવે છે. (4) ઉચ્ચ ક્ષમતા હોવાની ઓળખ કરાઈ હોય તેમજ ગતિશીલ વિકાસથી લાભ થઈ શકે તેવા સ્ટાફને તાલીમ (5) સંસ્થામાં સર્જાયેલી કોઈ પણ જરૂરિયાતને પહોંચી વળવા વ્યક્તિગત અથવા સામૂહિક ધોરણે કર્મચારીઓને તાલીમ તેમજ (6) સમાન ગ્રેડના સહકર્મીને તાલીમ મળે જેનાથી તાલીમાર્થી જે તે પ્રકારનું કામ કરવા સાથે જ શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખી શકે છે.
સ્ટાફને ટ્રેનિંગ આપવાથી નિયમિતતા, સ્થિતિસ્થાપકતા, પાયાના શિષ્ટાચાર, આંતરિક કોમ્યુનિકેશનમાં વિનમ્રતા તેમજ ટેલિફોન મેનર્સ, કામ કરવાની સંગઠિત શૈલી, કામને પ્રાથમિકતા, ટીમવર્કના મૂલ્યાંકન, સહકારનું વિસ્તરણ, દેખરેખ વિના જ નિર્ધારિત કાર્યને પૂર્ણ કરવું તેમજ સલાહકારી ઈનિશિયેટિવ લેવા સહિતના લક્ષણો વિકસે છે જે લાંબા ગાળે કાર્યક્ષમ સંસ્થાના સર્જનમાં મદદ કરે છે.
આપણે ટેકનોલોજીના વિશ્વમાં રહીએ છીએ. મેન્ટોરિંગ કે પરામર્શકનો ઉપયોગ કર્મચારીઓને કોમ્પ્યુટર એપ્લિકેશન્સ, વીડિયો કોન્ફરન્સિંગ તેમજ તત્કાળ, અનૌપચારિક અને રૂબરુ આયોજિત કોમ્યુનિકેશન માટે મોબાઈલ ફોન્સ અને ટેબ્લેટ્સ જેવા હાથ પર રખાતા ઉપકરણોનાં ઉપયોગની તાલીમ આપવા કરી શકાય છે. આવી ટેકનોલોજીના કારણે મીટિંગના સ્થળે પહોંચવામાં લાગતા જરૂરી પ્રવાસના સમયનો અંત આવી ગયો છે.
મેં જ્યારે મારી બેન્કિંગ કારકિર્દીની શરૂઆત કરી ત્યારે ટ્રેઈની કર્મચારી તરીકે ગણાવાનું સદનસીબ પ્રાપ્ત થયું હતું. આના પરિણામે, હું બધા ડિપાર્ટમેન્ટ્સ સાથે કામ કરી શક્યો અને સાત વર્ષની અંદર જ ડિપાર્ટમેન્ટનો વડો પણ બની શક્યો. આ ઉપરાંત, મેં સાંજના ક્લાસીસ દરમિયાન ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કર્સ કોર્સનો અભ્યાસ કર્યો હતા. આથી, મારી ટ્રેનિંગ સેન્ડવિચ કોર્સ સમાન રહી હતી. આ પછી, ટેક્નિકલ જ્ઞાન અને પ્રેક્ટિકલ અનુભવથી સજ્જ થઈ હું બ્રાન્ચ મેનેજર તરીકે મારી બ્રાન્ચમાં વિવિધ પ્રકારની સેવા ઓફર કરી શકતો હતો. આના થકી મારા એમ્પ્લોયરના બિઝનેસ વિકાસ અને વૃદ્ધિને ભારે ગતિ સાંપડી હતી. આ ઉપરાંત, પ્રાપ્ત થયેલા અનુભવોથી મારી બેન્કના કન્ટ્રી રિપ્રેઝન્ટેટિવ તરીકે વિદેશમાં મારી આગામી નોકરી દરમિયાન, વધુ આત્મવિશ્વાસ સાથે આંતરરાષ્ટ્રીય બિઝનેસ કોમ્યુનિકેશન્સ હાથ ધરવામાં મને મદદ મળી હતી.
ફર્મ કે પેઢીની સફળતા માટે કસ્ટમર સર્વીસીસનું કામકાજ કરતા સ્ટાફની ગુણવત્તા ભારે મહત્ત્વ ધરાવે છે. તાજેતરમાં પ્રખ્યાત ઓપ્ટિશિયન્સના આઉટલેટમાં એક યુવતીએ મને સેવા આપી હતી. તેણે કહ્યું હતું કે મારા નવા પ્રીસ્ક્રાઈબ કરાયેલાં લેન્સીસ માટે મારી હાલની હાફ-ફ્રેમને ઉપયોગમાં લઈ શકું છું. તેણે કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટને નવા લેન્સીસ તૈયાર કરવાના ઓર્ડર સાથે ચાલુ ફ્રેમને મોકલી આપી હતી. હું એક પખવાડિયા પછી આ કામમાં કેવી પ્રગતિ થઈ છે તે તપાસવા શોપ પર ગયો હતો. અન્ય હાજર રિસેપ્શનિસ્ટે કહ્યું,‘તમારા નવા લેન્સીસ આવી ગયા છે, પરંતુ લેન્સીસ જાડા હોવાથી જૂની હાફ-ફ્રેમમાં તે બરાબર ફીટ થઈ શકતા નથી.’ હું નવી ફૂલ ફ્રેમ પસંદ કરવા સંમત થયો, પરંતુ નવા લેન્સીસ તે નવી ફ્રેમમાં પણ ફીટ થઈ શક્યા નહિ. આથી, મેં કહ્યું તમારે નવા લેન્સીસ બનાવવા પડશે. રિસેપ્શનિસ્ટે કહ્યું, ‘સાહેબ, લેન્સીસના બીજા સેટ માટે તમારે ચૂકવણી કરવી પડશે.’ મેં કહ્યું, ‘જો ફીટિંગની સમસ્યા હોય તો તમારા સાથી કર્મચારીને હું અગાઉ મળ્યો તેમણે મને જણાવવું જોઈતું હતું કે નવી ફ્રેમ પસંદ કર્યા પછી જ નવા લેન્સીસનો ઓર્ડર આપવો બહેતર છે.’ રિસેપ્શનિસ્ટે કહ્યું, ‘સાહેબ, તમે નવો કોઈ પણ ઓર્ડર આપો તેના માટે ચૂકવણી કરવી પડશે. અમે જે લેન્સીસ તૈયાર કર્યા છે તે વિશે કશું કરી શકાય તેમ નથી.’ હું ભારે નિરાશ થયો અને તેમના મેનેજરને મળવા માગણી કરી. મેનેજરે નવા લેન્સીસનું માપ લીધું અને પછી જણાવ્યું કે,‘સાહેબ, કોઈ પ્રોબ્લેમ નથી. તમે પસંદ કરેલી નવી ફ્રેમમાં ફીટ થાય તે રીતે આ લેન્સીસમાં ફેરફાર કરી શકીશું!’ તેણે એમ પણ ખુલાસો કર્યો કે હું મળ્યો હતો તે બંને યુવતી નવી હતી અને તેઓ લેન્સીસમાં ફેરફાર કરી શકાય તેના વિશે જાણતી ન હતી.
જો બંને યુવતીઓને સંપૂર્ણ તાલીમ અપાઈ હોત તો આ મગજમારી નિવારી શકાઈ હોત અને ફર્મની પ્રતિષ્ઠાને બચાવી શકાઈ હોત. બિઝનેસની વૃદ્ધિ અને અસ્તિત્વ જાળવવા માટે આવી કાળજી લેવી મહત્ત્વની છે.
કર્મચારીઓ ગુલાબના છોડની માફક હોવાં જોઈએ, જેમને નિયમિત પાણી અને ખાતર (સતત તાલીમ) અપાતા રહે, તો જ તેઓ ભરાવદાર- ગુચ્છાદાર રહે અને ઈચ્છિત સુવાસ (સેવા) આપે.
પ્રિય વાચકો, કારકિર્દી શ્રેણીમાં આ મારો અંતિમ લેખ છે. આ લેખોમાં રસ દર્શાવવા બદલ હું આપ સહુનો આભાર વ્યક્ત કરું છું અને શ્રેષ્ઠતા માટે શુભેચ્છા પાઠવું છું.

