સોનેરી સંગતનો અધ્યાય-87 શ્રીકૃષ્ણની લીલાઓથી તરબોળ બન્યો

Wednesday 09th September 2026 07:32 EDT
 
 

શ્રીકૃષ્ણ દ્વારા ગીતાના જ્ઞાનથી જીવન જીવવાનો સાચો રસ્તો દર્શાવવામાં આવ્યો, બસ તેનું જ અનુકરણ કરતાં ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતનો અધ્યાય-87 પણ રહ્યો. શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવ નિમિત્તે સોનેરી સંગતમાં ખાસ ચર્ચા કરવામાં આવી, જેમાં ભગવાન દ્વારા કરવામાં આવેલી લીલાઓ અને તેના ઉદ્દેશ્યોની ઊંડી ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમની શરૂઆતમાં ભારતીબહેન પંકજ વોરા દ્વારા મુખ્ય વક્તા તરીકે ડો. અમીબહેન ઉપાધ્યાય, રમેશભાઈ શાહ, મમતાબહેન ટોલિયા, કિરીટભાઈ બાટવિયા, જશવંતભાઈ દોશી અને માયાબહેન દીપકની ઓળખ કરાવવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન કરતાં જ્યોત્સનાબહેન શાહ કાર્યક્રમની શરૂઆતમાં મહાન સંગીતકાર ગૌરાંગ વ્યાસની ચીરશાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળ્યું હતું. જે બાદ તેમણે શ્રીકૃષ્ણના પ્રાગટ્ય સમયના વાતાવરણનું આબેહૂબ વર્ણન કરતાં સૌ વિચારોના વૃંદાવનમાં જાણે કે ખોવાઈ જ ગયા હતા. આ પાવન વાતાવરણમાં જ્યોત્સનાબહેને માયાબહેન દીપકને તેમના સુંદર કંઠે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે હાલરડું ગાવા આહવાન કર્યું. જેને માન આપી માયાબહેન દીપક દ્વારા ‘ગોપાલ મારો પારણિયે ઝૂલે રે...’ હાલરડું ભાવસભર રીતે પ્રસ્તુત કર્યું હતું. જ્યોત્સનાબહેન દ્વારા શબ્દોના સથવારે બાંધવામાં આવેલા કૃષ્ણના જન્મના વાતાવરણને માયાબહેનના કૃષ્ણભક્તિથી લીન સ્પંદનોએ જાણે પ્રત્યક્ષરૂપે કૃષ્ણ જન્મોત્સવનું ચિત્ર ખડું કર્યું હતું.
આ સુંદર ભક્તિસભર વાતાવરણ ઊભું કર્યા બાદ જ્યોત્સનાબહેન દ્વારા અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં વાઇસ ચેરમેન ડો. અમીબહેન ઉપાધ્યાયને આમંત્રણ આપતાં ભગવાન કૃષ્ણ અને જીવન વચ્ચેની સંવાદિતા સાધતી દૃષ્ટિ પાડવા આગ્રહ કર્યો.
અમીબહેનઃ કથ્થક નૃત્યની નૃત્યાંગના તરીકે કૃષ્ણ અમારો પ્રથમ પ્રેમ છે. કથ્થક નૃત્યના મૂળમાં નટવર અને નટરાજ છે. નટરાજને અમે આરાધ્ય કહીએ છીએ અને નટવર સાથે પ્રેમ થાય તો જ નૃત્ય જન્મે. ભરતનાટ્યમ્ શાસ્ત્રમાં નાયકોના ચાર પ્રકાર છે, જે પૈકી કૃષ્ણ કલા સાથે જોડાયેલું ધીરલલિત પાત્ર છે. કૃષ્ણનું પાત્ર એવું છે કે, જેને જીવન જીવતાં આવડે તેને કૃષ્ણ સમજાય અને કૃષ્ણ સમજાય તો જીવન જીવતાં આવડે. ઇશ્વર કહે છે કે તમે મને પ્રેમ કરો તો સવાયા ઇશ્વર થઈ શકો છો. રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, જેની સામે કૃષ્ણમાં માનવસહજ સારા-નરસા તમામ ગુણનાં દર્શન થાય છે, છતાં તે પૂર્ણપુરુષોત્તમ છે, કારણ કે તેઓ માનવતાની નિકટ છે.
કૃષ્ણ જન્મની વાત કરીએ તો તે તેમના અસ્તિત્વના ઉત્સવનો જન્મ છે, જેની પાસેથી આપણે અસ્તિત્વ ઓગાળતાં શીખીએ છીએ, ભગવાન અનાસક્તિ પણ શીખવે છે. આ અનાસક્તિના ઉદાહરણરૂપે અમીબહેને અભિમન્યુના મૃત્યુના પ્રસંગની સુંદર વાત કરી. આ સાથે તેમણે કહ્યું કે, ધર્મ સત્ય અને અસત્યથી પર છે, જેના ઉદાહરણરૂપે તેમણે શિશુપાલ, દુર્યોધન અને કર્ણ વધની વાત કહી. ભગવાને એ શીખવ્યું છે કે, ધર્મ સત્યથી ઉપર છે, ધર્મથી સંચિત અસત્ય સત્યથી પણ ઊચું સ્થાન ધરાવે છે. દ્રૌપદી વસ્ત્રાહરણનું ઉદાહરણ આપતાં કહ્યું કે, કૃષ્ણ પાસેથી સ્થિતપ્રજ્ઞતા (અવિચલિતપણું) શીખવા જેવી છે. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જ કાળને પોતાના કાબૂમાં રાખી શકે છે. કૃષ્ણની લીલાઓ અને તેના ઉદ્દેશ્યોને અમીબહેન પાસેથી જાણ્યા બાદ માયાબહેન દીપક દ્વારા ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા’ ફિલ્મી ભજન રજૂ કરાયું હતું.
વાતાવરણને વધુ દીપાવતાં નવનાત સેન્ટરના રમેશભાઈ શાહે કો.ઓર્ડિનેટર તરીકે યોજેલા મેળા અંગે જણાવતાં કહ્યું કે, આ મેળા પહેલાં હું ખૂબ ખરાબ રીતે બીમાર હતો, પરંતુ મેળાના સમયે ભગવાન કૃષ્ણને મારામાં જોમ ભર્યું અને હું ખૂબ સારી રીતે મેળાનું આયોજન કરી શક્યો. 40 વર્ષથી હું ભારતીય વિદ્યાભવન દ્વારા આયોજિત નાટકોમાં જોડાતો રહ્યો છું. ગતવર્ષે જ્યારે મેળો કર્યો ત્યારે દ્રૌપદી ચીરહરણનો એક કલાકનો પ્રસંગ બનાવ્યો હતો. મને આ કાર્ય કરવામાં કમિટી મેમ્બર્સનો તો સાથ છે જ, સાથોસાથ નવનાત સેન્ટર દ્વારા પણ મને પૂરતું પીઠબળ મળતું રહે છે.
રમેશભાઈ બાદ રેડિયો, ટીવી ચેનલનો અનુભવ ધરાવતાં અને નવનાતમાં સેવા આપતાં મમતાબહેન ટોલિયાએ કુટુંબ, કારકિર્દી અને સમાજસેવાનાં તેમના અનુભવો અને સંઘર્ષો અંગે જણાવ્યું હતું.
મમતાબહેન બાદ મોમ્બાસા કેન્યાથી યુકે આવેલા કિરીટભાઈ બાટવિયા અને જશવંતભાઈ દોશીએ જન્માષ્ટમીના મેળા ઉપરાંત પર્યુષણ, ડાયરો, રામનવમી અને નવરાત્રી સહિતના કાર્યક્રમો અંગે તેમના ઇન્વોલ્વમેન્ટ અંગે જણાવ્યું હતું.
કાર્યક્રમને વિરામ આપતાં જ્યોત્સનાબહેને આગામી કાર્યક્રમની રૂપરેખા આપી અને માયાબહેને ગૌરાંગ વ્યાસને સમર્પિત ‘હું ક્યાંથી પાણી ભરું, પાતળિયો પજવે છે...’ ભજન પ્રસ્તુત કરી શબ્દાંજલિ અર્પી હતી.
(સંપૂર્ણ કાર્યક્રમ જોવા અમારી YouTube ચેનલની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, જેનો ક્યુઆર કોડ નીચે આપેલો છે)


comments powered by Disqus