મુઝફફરાબાદઃ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે)માં રાજકીય અસંતોષે ફરી એક વખત હિંસક રૂપ ધારણ કર્યું. ચૂંટણી વ્યવસ્થામાં સમૂળગા ફેરફારની માગણી સાથે પીઓકેના લોકોમાં રસ્તા પર ઉતરી પડ્યા છે અને ભારે આક્રોશ સાથે ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આવા જ એક વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ ફાટી નીકળતાં 7 લોકોનાં મૃત્યુ થયાં છે અને 70 લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ આંદોલન કરી રહેલા સંગઠન સંયુક્ત અવામી એક્શન કમિટી (જેએએસી)ના સમર્થકો અને પોલીસ વચ્ચે અનેક સ્થાને હિંસક અથડામણની સ્થિતિ સર્જાઈ છે. મૃતકોમાં 3 નાગરિક તેમજ 4 પોલીસકર્મીનો સમાવેશ થાય છે.
મીડિયા અહેવાલ મુજબ આંદોલન વધુ પડતું ઉગ્ર બનતાં પ્રાદેશિક સરકારે સંયુક્ત અવામી એક્શન કમિટી સંગઠન પર આતંકવાદી વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ મૂકી દેવાયો છે. સરકારની આ કાર્યવાહીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. સરકારી નિર્ણયથી ઉશ્કેરાયેલા સંગઠને મંગળવારે હડતાળ પાળીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
પીઓકેમાં હોબાળાના પગલે વિરોધ કરી રહેલા સંગઠને સમગ્ર પ્રદેશમાં દેખાવો કરવા આહવાન કર્યું હતું. સંગઠન માગણી કરી રહ્યું છે કે, 1947 પછી પાકિસ્તાનમાં વસી રહેલા જમ્મુ-કાશ્મીરના શરણાર્થીઓ માટે પ્રાદેશિક વિધાનસભામાં અનામત રખાયેલી 12 બેઠકોને રદ કરવામાં આવે.

