અમે ભારત સાથે મળીને સુખોઇ-57 બનાવવા તૈયાર, વેપાર 100 બિલિયન ડોલર કરાશેઃ પુતિન

Wednesday 10th June 2026 06:55 EDT
 
 

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારત સમક્ષ એક મોટો સંરક્ષણ વેપાર પ્રસ્તાવ મૂક્યો છે. પુતિને જણાવ્યું કે, રશિયા ભારત સાથે પાંચમી પેઢીના સુખોઈ-57 (Su-57) સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે, આ સોદો કોઈપણ પ્રતિબંધો કે શરતો વિના થશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારત પોતાનું ફાઈટર જેટ વિકસાવી રહ્યું છે, જેને વિકસાવવામાં ઘણો સમય લાગી શકે છે.
સેન્ટ પીટર્સબર્ગ ઈકોનોમિક ફોરમમાં, પુતિને ભારત-રશિયા વેપારને 100 બિલિયન ડોલર સુધી લઈ જવાની પણ વાત કરી છે. તેમણે કહ્યું કે ઊર્જા, પરમાણુ પ્લાન્ટ, તેલ અને ગેસ, રોકાણ અને સંરક્ષણ સહયોગ આ લક્ષ્યનો આધાર બનશે. ઉલ્લેખનીય છે કે, 2024-25માં ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર 68.7 બિલિયન ડોલરનો હતો.
આ દરમિયાન પુતિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દબાણ નીતિ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત એક મહાન દેશ છે.
ભારત 36 સુખોઈ લઈ શકે છે
ભારત પોતાનું પાંચમી પેઢીનું ફાઇટર જેટ, AMCA વિકસાવી રહ્યું છે, પરંતુ તેને 2035 સુધીમાં વાયુસેનામાં સામેલ કરાશે. આ દરમિયાન કેન્દ્ર સરકાર 36 સુખોઇ Su-57 વિમાનો લઈ શકે છે. સરકારી માલિકીની HAL ભારતમાં સંયુક્ત ઉત્પાદન અને તકનીકી સહયોગ અંગે સુખોઈ સાથે વાટાઘાટો કરી રહી છે.


comments powered by Disqus