બેંગલુરુની અશ્વિની ગણપથી એશિયા ટ્રેલ માસ્ટર ગ્રાન્ડમાસ્ટર ક્વેસ્ટ પૂર્ણ કરનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. આ ચેલેન્જ એશિયાની સૌથી અઘરી ‘એન્ડયુરન્સ ટ્રેઈલ રનિંગ ચેલેન્જ’ છે અને બે વર્ષ સુધી ચાલે છે. પહાડ, જંગલ, કાદવ જેવાં કઠિન કુદરતી માર્ગોમાં લાંબા અંતર સુધી દોડવાની આ સ્પર્ધામાં દોડવીરની શારીરિક ક્ષમતા, સહનશક્તિ અને માનસિક મજબૂતીની બરાબરની કસોટી થઈ જાય છે. તેમાં બે વર્ષ દરમિયાન 70 કિમીથી વધુ લાંબી હોય તેવી 6 આંતરરાષ્ટ્રીય ટ્રેલ રેસો પૂરી કરવી પડે છે.
અશ્વિનીએ મલેશિયા, જાપાન અને વિયેતનામમાં અનેક અલ્ટ્રા રેસ પૂર્ણ કરી હતી. મલેશિયાના પહાંગ વિસ્તારમાં યોજાયેલી 164 કિમી લાંબી ‘મેરાપોહ રેઈનફોરેસ્ટ ટ્રેલ’ તેમાંથી સૌથી વધારે અઘરી હતી. વરસાદી જંગલોમાં કાદવ વચ્ચે દોડવું, નદી પાર કરવી અને 3,700 મીટર લાંબા પહાડી માર્ગ છતાં તેણે 28 કલાક 33 મિનિટમાં આ દોડ પૂર્ણ કરી હતી. 146 સ્પર્ધકોમાંથી તે ઓવરઓલ પાંચમા ક્રમે અને મહિલાઓમાં બીજા સ્થાને આવી હતી. ખાસ વાત એ હતી કે માત્ર 76 લોકો જ આ રેસ પૂર્ણ કરી શક્યા હતા.
અગાઉ આઇટી ક્ષેત્રમાં કામ કરતી અશ્વિની હવે એન્ડયુરન્સ રનિંગ તરફ વળી છે. તે જાપાનની 173 કિમી લાંબી ‘ડીપ જાપાન અલ્ટ્રા 100’ રેસ પૂરી કરનાર એકમાત્ર નોન-જાપાનીઝ રનર બની હતી. જેમાં તે લગભગ 45 કલાક સુધી ઊંઘ્યા વગર દોડી હતી.

