ચાલુક્ય સ્થાપત્ય કલાના અદભૂત સર્જન: કુંભારીયાજી તીર્થના પાંચ દેરાસરો

- જ્યોત્સના શાહ Tuesday 09th June 2026 06:20 EDT
 
 

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી યાત્રાધામથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલ જૈન તીર્થ કુંભારીયાજી.
એના સંકુલમાં પ્રવેશતા જ પ્રાચીનકાળના ગુજરાતની બેમિસાલ સ્થાપત્યકલાના ઇતિહાસની અતીતની ઝાંખી થાય. નિરવ શાંતિ અને પવિત્ર વાતાવરણ. એનું આંગણું, દિવાલો, છત, ઘુમ્મટ, તોરણ, ફરકતી ધજાઓ આ બધા જાણે કે ઉર્જાનો ભંડાર. દિલોદિમાગ ખુશ થઇ જાય એવું રમ્ય વાતાવરણ. આફ્રીન થઇ જવાય એવી એની શિલ્પ કલા. દેરાસરમાં બિરાજેલ પ્રભાવક પ્રતિમાજીઓ પરથી નજર હટવાનું નામ ન લે તેવી મનોહારી. એની કલા-કારીગરી જોઇ માથું નમી જાય. દેલવાડાના દેરા, રાણકપુરના ભવ્ય મંદિર અને તારંગા તીર્થની કલા-કારીગરીના સંગમ જેવી એની ભવ્ય કોતરણી.
૧૧મી સદીનું એ પવિત્ર, ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ; ચાલુક્ય વંશજના સ્થાપત્યનું વિશિષ્ઠ ઉદાહરણ છે. કહેવાય છે કે ચોથી સદીમાં અહિં ૩૬૦ મંદિરો હતા જે જ્વાળામુખીના કારણે ધ્વંશ થઇ ગયા. જો કે ભારતમાં સેંકડો સદીઓથી જ્વાળામુખી ફાટ્યાના કોઇ અણસાર નથી મળતાં! એથી વધુ શક્યતા ભૂકંપ આવ્યાની હોઇ શકે! જેને કારણે મંદિરો નાશ પામ્યા હોય એવું બની શકે. હાલ ત્યાં પાંચ દહેરાસરો અસ્તિત્વ ધરાવે છે.
પ્રાચીન સમયમાં આ સ્થળ આરાસણ તરીકે ઓળખાતું. આરાસણની પ્હાડીઓ આરસપ્હાણની હતી. એના પત્થરોમાંથી આ દેરાસરો બનેલ છે. એ યુગમાં કહેવાય છે કે, ચંદ્રાવતી નામે સમૃધ્ધ નગર હતું. એ આખું આરસનું બંધાવેલું હતું. મંત્રીશ્રી વિમળશાહ ત્યાં કેટલોક વખત રહ્યા હતા. તે અંબાજીના પણ ભક્ત હતા. શૂરવીર, મુત્સદ્દી તથા સમૃધ્ધ જૈન શ્રેષ્ઠી હતા.
આરસપ્હાણની અદભૂત કોતરણી અને ઝીણવટભર્યા નકશીકામના નિર્માણકાર રાજાઓમાં ભીમદેવ સોલંકી, કર્ણદેવ સોલંકી અને સિધ્ધરાજ જયસિંહ છે. કહેવાય છે કે આરાસણની પ્હાડીઓમાં તાંબાની અને સોનાની ખાણ પણ હતી. ત્યાં કુંભારોએ ભઠ્ઠી બનાવી સોનું તપાવી ગાળ્યું હતું. જેને કારણે એનું નામ કુંભારીયાજી પડ્યું હતું. એ સોનાની ઉપજમાંથી કારીગરોની ચૂકવણી અને આ પાંચ મંદિરોના બાંધકામની સામગ્રીનો ખર્ચ નીકળ્યો હોવાનું મનાય છે.
 બુધ્ધિશાળી અને પુણ્યશાળી મંત્રીશ્રી વિમળ શાહે આબુના દહેરાસર બંધાવ્યા બાદ વધેલ પત્થર તેમજ સામગ્રીમાંથી એ જ કારીગરો પાસેથી આ એકાંત સ્થળે મંદિરો બંધાવ્યા હોવાનું કહેવાય છે. તે કાળના કુંભારીયા અને દેલવાડાના દેરાં તેમની શ્રધ્ધા અને સમૃધ્ધિ તેમજ ગુજરાતની કળા-કારીગરીના સાક્ષી સમાન છે. તે દેરાંની કલાત્મકતા આજેય દેશ-પરદેશના પ્રવાસીઓને આકર્ષે છે અને આશ્ચર્ય પમાડે છે.
ચાલુક્ય વંશના રાજાઓના શાસનમાં ૧૦૫૦ થી ૧૨૫૦ ની દરમિયાનના ગાળામાં આ દેરાસરો બંધાવ્યા હોવાનો ઉલ્લેખ
છે. ૪૫૦ થી ૧૦૦૦થી વધુ વર્ષ પુરાણા આ જૈન મંદિરો માસ્ટર પીસીસ છે.
મારૂ ગુર્જર શૈલીના આ પાંચ ભવ્ય જીનાલયોમાં
૧) ભગવાન મહાવીર સ્વામિનું દેરાસર ૧૦૬૨માં બંધાયું હતું. આ દેરાસરની છત કારીગરીના બેનમૂન નમૂના સમાન છે. પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના બે પુત્રો બાહુબલી અને ચક્રવર્તી સમ્રાટ ભરત વચ્ચેના દ્વન્દ યુધ્ધનું ચિત્રણ ઉપલી તક્તીમાં છે. જેમાં બન્ને સૈન્યના હાથી-ઘોડા-સૈન્યો દર્શાવાયાં છે. મધ્ય તક્તીમાં ધ્યાનસ્થ બાહુબલી તરફ આવી રહેલ ભાઇ ભરત અને એની પત્નીનું ચિત્રણ છે.
અન્ય તક્તીમાં ભૂતકાળ અને ભવિષ્યકાળના ચોવીસ તીર્થંકરો એમના માતા-પિતા સાથે દર્શાવાયા છે. મંદિરના ટોચ પર બહુ સ્તરીય સમવસરણનું ચિત્રણ છે.
૨) શાંતિનાથનું દેરાસર ભગવાન મહાવીર સ્વામિના દેરાસર જેવું જ છે. એ ૧૦૮૨માં બંધાયું હતું. એના શિલાલેખો અનુસાર એ મૂળ પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવને સમર્પિત હતું. આ દેરાસરમાં અષ્ટાપદની ડાયમન્ડ આકારની વેદી છે જેના પર ૧૨૧૦ની તારીખનું એક મહત્વપૂર્ણ ચિત્ર છે. જેમાં પર્વત સહ ૨૪ તીર્થંકરોની મૂર્તિઓ ચૌદિશા તરફ દર્શાવાઇ છે. વેદીના એ ચિહ્નની ટોચ પર ભગવાન ઋષભદેવની ચૌમુખી મૂર્તિ સમવસરણ પર દર્શાવાઇ છે.
૩) પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ૧૦૯૪માં રાજા જયસિંહે બંધાવ્યું હતું. એની છતની કોતરણીમાં “વિમલ વિસાહી’ મંદિરની જેમ ૨૩મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ નાગેશ્રીની ફેણ પર બેઠેલ છે.
ભગવાન અજિતનાથની પ્રતિમા એમના લાંછન હાથી સહિત છે. ઉચ્ચ સ્થાને નવ દેવ-કુલિકાની ચાર કૃતિઓના તોરણ છે. સ્તંભની કૃતિઓમાં વિદ્યાદેવી, અપ્રતિચક્રા, પુરૂષદત્તા, મહાકાલી, વજ્રશૃંખલા, વજ્રકૃષિ અને રોહિણી આદી દેવીઓની મૂર્તિઓ કંડારાઇ છે. આ મંદિરમાં સર્વનાહ અને અંબિકા દેવીની મૂર્તિઓ, નાગ દેવતાની ફેણ ઉપર બિરાજમાન શાસનદેવીની સ્થાપના કરવામાં આવી છે.
૪) ૨૨મા તીર્થંકર ભગવાન નેમિનાથનું દેરાસર ૧૧૩૬માં રાજા સિધ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. એના સ્તંભો વિમલ વિસાહી અને નગારા શૈલીના શિખરોથી સુશોભિત કરવામાં આવ્યા છે. આગળ ગણેશજીની મૂર્તિ છે. જે લુણા વસાહી અને રાણકપુરના મંદિરની પ્રતિકૃતિ સમાન છે. આ દેરાસરમાં પણ વિદ્યાદેવીઓની લઘુકૃતિઓ છે. એક શિલાલેખ મુજબ અત્રે મુનિસુવ્રત બિંબની સ્થાપના ઇ.સ.૧૨૮૧માં થઇ હતી.
૫) ત્રીજા તીર્થંકર ભગવાન સંભવનાથનું નાનું દેરાસર ૧૨૩૧માં બંધાયું હતું. મહાવીર સ્વામિના દેરાસરના શિલાલેખ મુજબ આ પ્રતિમાજી “પાહિની’દ્વારા ૧૦૮૫માં ભેટ આપવામાં આવી હતી. આ મંદિર મૂળે ૧૬મા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનને સમર્પિત હતું. પાછળથી એના મૂળ પ્રતિમાજી ખંડીત થયા હોવાથી એના સ્થાને નવા સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ મંદિરની છત પર દેવી સરસ્વતિની મૂર્તિ પ્રસ્થાપિત કરાયેલ છે. દરેક દેરાસર પોતપોતાની આગવી વિશિષ્ઠતા ધરાવે છે. દરેક દેરાસર વિસ્તૃત આંગણું અને રક્ષણાત્મક દિવાલો ધરાવે છે. તારંગા, અંબાજી અને કુંભારિયાજી એકબીજાથી નજીક હોવાથી ત્રણેય તીર્થોની યાત્રા એક સાથે કરવાની સુવિધા રહે છે. જૈન સાત્વિક ભોજન માટે ભોજનશાળા અને રહેવા માટે ધર્મશાળા પણ છે. એનો વહિવટ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક છે.


comments powered by Disqus