ચિનાબ નદીનાં પાણીને વાળી બિયાસ રિવર સિસ્ટમમાં નાખવાની ભારતની તૈયારી

Wednesday 10th June 2026 06:55 EDT
 
 

ઇસ્લામાબાદઃ ભારતે પહલગામ આતંકવાદી હુમલા બાદથી સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી હતી. આ સંધિ હેઠળ આવતી ચિનાબ નદીના પાણીનું વહેણ વાળવા માટે ભારત મોટા પ્રોજેક્ટ પર કામગીરી કરી રહ્યું છે. પ્રોજેક્ટ હેઠળ ચિનાબનું પાણી બિયાસ નદીમાં છોડવામાં આવશે. પાકિસ્તાને ભારતના આ પ્રોજેક્ટ સામે આકરી પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે ભારતના પ્રોજેક્ટને સિંધુ જળ સંધિ અને અન્ય આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ ગણાવ્યો છે. ચિનાબ નદી હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિમાં ચંદ્ર અને ભાગા નદીઓના સંગમથી બને છે.
1860માં વર્લ્ડ બેન્કની મધ્યસ્થતાથી થયેલી સિંધુ જળ સંધિ હેઠળ ત્રણ પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબ પાકિસ્તાનને અને ત્રણ પૂર્વની નદીઓ રાવી, બિયાસ અને સતલજને ભારતને ફાળવાઈ હતી. પરંતુ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને જોતા ભારતે ગયા વર્ષે પહલગામ હુમલા બાદ સિંધુ નદી જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી હતી અને ચેતવણી આપી હતી કે પાણી અને લોહી એક સાથે ન વહી શકે. ઉલ્લેખનીય છે કે ભારત એક ઓગસ્ટછી હિમાચલ પ્રદેશમાં ચિનાબ નદી પર પ્રસ્તાવિત લિન્ક-3 પ્રોજેક્ટ પર કામ શરૂ કરનાર છે.
આ પ્રોજેક્ટનો આશય ચિનાબ નદીના વધારાના પાણીને બિયાસ બેસિનમાં વાળવાનું છે અને તેનો ખર્ચ 26.2 અબજ રૂપિયા છે. પાકિસ્તાનને ભય છે કે જો પ્રોજેક્ટ પૂરો થઈ જશે તો ભારત ચિનાબ નદીના પાણીનો વધારે ઉપયોગ કરશે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે રિપોર્ટ જોયો છે સાથે જ ભારત સરકારે જાહેર કરેલા સાર્વજનિક નિવિદા દસ્તાવેજને પણ જોયો છે. તેનો આશય ચિનાબમાંથી દર વર્ષે 1.9 મિલિયન એકર-ફૂટ પાણી બિયાસ નદીમાં વાળવાનો છે.


comments powered by Disqus