નેતાન્યાહૂ દ્વારા અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ધરાર અવહેલના

Wednesday 10th June 2026 06:04 EDT
 

મીડલ ઇસ્ટમાં ફરી એકવાર મિસાઇલો ધણધણવા લાગી છે. ઇરાન સાથે સમજૂતિ કરવાના અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોમાં તેમનો મુખ્ય સાથી દેશ ઇઝરાયેલ જ ફાચર મારી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે ઇઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહૂ અમેરિકન પ્રમુખ ટ્રમ્પને જરાપણ ગાંઠી રહ્યાં નથી. તાજેતરમાં આવી રહેલા અહેવાલો સંકેત આપી રહ્યાં છે કે ટ્રમ્પ અને નેતાન્યાહૂ વચ્ચેના સંબંધોમાં કડવાશ વ્યાપી ગઇ છે. નેતાન્યાહૂ ટ્રમ્પની ધરાર અવગણના કરી પોતાની ઇચ્છા પ્રમાણે આ યુદ્ધમાં આગળ વધી રહ્યાં છે. નેતાન્યાહૂ દ્વારા ટ્રમ્પની થઇ રહેલી અવગણના આંતરરાષ્ટ્રીય સંબંધો અને કૂટનીતિના એ મૂળભૂત
સત્યને ઉજાગર કરી રહી છે જેમાં અત્યંત નજીકના સાથીઓ પણ પોતપોતાના હિત પ્રમાણે જ કામ કરતા હોય છે.
નેતાન્યાહૂ દ્વારા ટ્રમ્પના આદેશોની અવહેલના વ્યક્તિગત મતભેદોના કારણે નહીં પરંતુ પરસ્પર વિરોધાભાસી રાજકીય અને કૂટનીતિક જરૂરીયાતો ઉજાગર કરી રહી છે. નેતાન્યાહૂ માટે મહત્વની પ્રાથમિકતા સ્થાનિક સ્તરે રાજકીય અસ્તિત્વની લડાઇ છે. તાજેતરમાં જ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે જો હું ન હોત તો નેતાન્યાહૂ જેલના સળિયા પાછળ હોત. ભ્રષ્ટાચારના ગંભીર આરોપનો સામનો કરી રહેલા નેતાન્યાહૂ ઘરઆંગણે પ્રચંડ દબાણનો સામનો કરી રહ્યાં છે. જો તેઓ ઇરાન યુદ્ધમાં પીછેહઠ કરે તો તેમના માટે રાજકીય સત્તા ટકાવવી અઘરી બની રહે તેમ છે તેથી જ નેતાન્યાહૂ ટ્રમ્પની અવગણના કરીને સૈનિક કાર્યવાહી દ્વારા પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા હવાંતિયા મારી રહ્યાં છે.
સૌથી મહત્વની વાત એ છે કે નેતાન્યાહૂ પાસે ટ્રમ્પની એવી કઇ દુઃખતી રગ છે જેના કારણે તેઓ ધરાર ગાંઠતા નથી. ઇરાન સાથેના યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પના તમામ પ્રયાસને નેતાન્યાહૂ સુનિયોજિત રીતે નિષ્ફળ બનાવી રહ્યાં છે. એ હકીકત છે કે ઇઝરાયેલ ઇરાનના પરમાણુ કાર્યક્રમનો અંત લાવવા ઇચ્છે છે પરંતુ ટ્રમ્પ સિવાય કોઇ અમેરિકી પ્રમુખે ઇરાન સામે લશ્કરી કાર્યવાહીનું સમર્થન કર્યું નહોતું. ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ આખું ચિત્ર જ બદલાઇ ગયું. સૌથી પહેલા તો નેતાન્યાહૂએ અમેરિકા અને ઇરાન વચ્ચેની પરમાણુ સંધિને ટ્રમ્પના હસ્તે રદ કરાવી દીધી અને ઇરાન પર લશ્કરી કાર્યવાહી માટે તૈયાર પણ કરી દીધાં. એ વાતમાં કોઇ શંકા નથી કે અમેરિકાના બંને મુખ્ય રાજકીય પક્ષનું મજબૂત સમર્થન ઇઝરાયેલને પ્રાપ્ત થતું રહ્યું છે અને અમેરિકા સાથેના એ ગાઢ સંબંધ જ ઇઝરાયેલને અભેદ્ય સુરક્ષા કવચ પુરું પાડે છે તેમ છતાં બરાક ઓબામા અને જો બાઇડેન ઇઝરાયેલી સત્તા સામે આટલી હદે તો ઝૂક્યા નહોતા જેટલા ટ્રમ્પ નિઃસહાય જણાઇ રહ્યાં છે. એમ લાગી રહ્યું છે કે નેતાન્યાહૂ ટ્રમ્પને ગંભીરતાથી લેતા જ નથી અને મનમાની કરી ટ્રમ્પને પોતાના નિર્ણયો સ્વીકારવા ફરજ પાડી રહ્યાં છે. નેતાન્યાહૂના આ રાજકીય અને કૂટનીતિક દાવપેચ હવે ટ્રમ્પને કેટલા ભારે પડે છે તે તો હવે પછીનો સમય જ બતાવશે.


    comments powered by Disqus