બ્રિટિશ સમાજની એકતા અને શાંતિ હણતું હેટક્રાઇમનું દુષણ

Wednesday 10th June 2026 06:03 EDT
 

સાઉધમ્પટનમાં ડિસેમ્બર 2025માં 18 વર્ષના વિદ્યાર્થી હેનરી નોવાકની શીખ યુવાન દ્વારા હત્યાના મામલાએ ફરી એકવાર યુકેમાં પ્રવર્તી રહેલા હેટ ક્રાઇમના દુષણને ઉજાગર કરી દીધું છે. એક વ્યક્તિગત અપરાધના કિસ્સામાં જે રીતે બ્રિટનમાં વસતા શીખ સમુદાય અને તેના ધાર્મિક પ્રતીક કિરપાણને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે તે બાબત અત્યંત ગંભીર ચિંતાનો વિષય બની રહી છે.
યુકેમાં હેટ ક્રાઇમની આ પહેલી ઘટના નથી. છેલ્લા ઘણા દાયકાઓથી વ્યક્તિગત અપરાધો, આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ, ધાર્મિક માન્યતાઓના આધારે અન્ય સમુદાયોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે. તેમાં પણ જ્યારે બહુમતી વિરુદ્ધ કોઇ લઘુમતી સમુદાયના વ્યક્તિ દ્વારા ગુનો આચરવામાં આવ્યો હોય ત્યારે તે અપરાધીના સમગ્ર સમુદાયને જવાબદાર ઠેરવવાની માનસિકતા વ્યાપક બની રહી છે. હેનરી નોવાકની હત્યા એક વ્યક્તિગત અપરાધની ઘટના છે પરંતુ તેના માટે સમગ્ર શીખ સમુદાયને જવાબદાર ઠેરવવાનો સુનિયોજિત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. સૌથી ગંભીર બાબત તો આ મામલામાં પોલીસની નિષ્ફળતાને ગણાવી શકાય. વિક્રમ દિગ્વાને અદાલત દ્વારા સજા ફટકારાઇ ત્યારબાદ જારી થયેલા વીડિયોએ પીડિત યુવકને બચાવવામાં પોલીસની નિષ્ફળતા ઉજાગર કરી પરંતુ સૌથી મહત્વનો સવાલ એ છે કે ડિસેમ્બર 2025માં બનેલી ઘટના અંગેનો વીડિયો સજાની સુનાવણી બાદ કેમ જારી કરાયો. આ વીડિયોના કારણે જમણેરી અને કટ્ટર વિચારધારા ધરાવતા રાજકીય અને અન્ય પરિબળોને ધિક્કારના મોજા પર સવાર થવાની તક મળી ગઇ હતી.
આધુનિક બ્રિટનનું નિર્માણ ન્યાયી અને સમાન તકના પાયાના સિદ્ધાંત પર થયું છે. બ્રિટિશ સમાજમાં કાયદાના શાસન અને સહિષ્ણુતા જેવી બાબતો પર અત્યંત ભાર મૂકવામાં આવે છે અને તેના કારણે જ બ્રિટિશ સમાજ વૈવિધ્યસભર સહઅસ્તિત્વની મિસાલ બની રહ્યો છે તેમ છતાં હેટ ક્રાઇમનું વિનાશકારી તત્વ બ્રિટિશ સમાજની શાંતિ હણી રહ્યું છે. હેટ ક્રાઇમ હવે છૂટી છવાઇ ઘટના બનીને રહી ગયાં નથી પરંતુ માળખાગત જોખમ બનીને બ્રિટિશ સમાજને સક્રિય રીતે બરબાદ કરી રહ્યાં છે. શારીરિક હિંસાની ઘટનાઓ તો ફક્ત શરીરને ઇજા પહોંચાડે છે પરંતુ તેનાથી પડતી મનોવૈજ્ઞાનિક અસરો સમાજને વ્યાપક નુકસાન કરી રહી છે. બ્રિટિશ સમાજમાં એકરૂપ થઇને ભળી ગયેલા સમુદાયોને પણ એવી પ્રતીતી કરાવે છે કે તમે અહીંના નથી, તમે અહીં સુરક્ષિત નથી.
આ પ્રકારની સ્થિતિ વ્યાપક અને સતત ભયનું વાતાવરણ સર્જે છે અને લોકોની રોજિંદા જીવનની પદ્ધતિ પર ગંભીર અસર કરે છે. હેટ ક્રાઇમથી પીડિત સમુદાય ઓળખ છૂપાવવા મજબૂર બને છે ત્યારે સ્વતંત્રતા માત્ર એક ભ્રમ બની રહે છે. હેટ ક્રાઇમથી થતું સામાજિક પતન માત્ર મનોવૈજ્ઞાનિક નથી. અસહિષ્ણુતાના કારણે વિભાજિત સમાજમાં એકતાનું ગંભીર પતન થાય છે અને તેની સીધી અસર જાહેર વ્યવસ્થા પર પડે છે. પીડિત સમુદાયમાં એવી લાગણી ઘર કરી જાય છે કે સરકાર દ્વારા તેને સુરક્ષા મળી રહી નથી તેના કારણે કાયદાના શાસનમાં વિશ્વાસ સતત ઘટતો રહે છે. તેના પગલે પીડિત સમુદાય એક વતૃળમાં સંકોચાતો જાય છે. નેબરહૂડમાં તે હાંસિયામાં ધકેલાતો જાય છે અને સ્થાનિક સ્તરે જરૂરી સામુહિક ભાવના રૂંધાય છે. હેટ ક્રાઇમ આખા નેબરહૂડની શાંતિનો ભંગ કરે છે અને કાયદાના શાસનના પતનની ચેતવણી આપે છે.
જો બ્રિટને સામાજિક પતનને અટકાવું હશે તો તેણે એ કડવું સત્ય સ્વીકારી લેવું પડશે કે હેટ ક્રાઇમ ગંભીર સાંસ્કૃતિ બીમારી છે. કડક કાનૂની કાર્યવાહીની સાથે સાથે રાજકીય નેતૃત્વે પણ નફરતની રાજનીતિનો ત્યાગ કરવો પડશે. બ્રિટિશ સમાજની એકતા વિવિધ સમુદાયોના તાણાવાણામાં ગૂંથાઇને મજબૂત બની છે ત્યારે હેટ ક્રાઇમને નિયંત્રણમાં નહીં લેવાય તો બ્રિટિશ સમાજમાં કાયમી ભંગાણ કોઇ અટકાવી શકશે નહીં.


comments powered by Disqus