શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળની સુવર્ણ જયંતિની અનોખી ઉજવણી

- જ્યોત્સના શાહ Wednesday 10th June 2026 06:24 EDT
 
 

૩૧ જુન, રવિવારના રોજ કિંગ્સબરીની JFS સ્કુલના હોલમાં શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળની સુવર્ણ જયંતિની ઉજવણી અનોખી અને પ્રેરણાદાયક રહી હતી. જેમાં સ્થાનિક જૈન સંસ્થાઓના અગ્રણીઓ અને ભાવિકોની વિશાળ હાજરી વચ્ચે સુંદર ભક્તિ ગીતોની લ્હાણ યુવા કલાકારોએ એમના સુમધુર કંઠે કરી. ‘તું રંગાઇ જા ને રંગમાં પરમાત્માથી રંગાશે મારો આત્મા જેવા અનેક ગીતોએ ભાવજગત ઉભું કર્યું.
નીલ્પાબેન અને નયતિકાબેન દ્વારા ભક્તિસંગીત અને શાસ્ત્રીય નૃત્યનું હૃદયસ્પર્શી સંયોજન રજૂ કરવામાં આવ્યું હતું. તેમની ભાવસભર રજૂઆતથી શ્રોતાગણ મંત્રમુગ્ધ બની ગયું હતું.
ભારતથી પધારેલ સંસ્થાના વડા પૂજ્ય ભાઈશ્રી (નલિનભાઈ કોઠારી)એ પોતાની પાવન ઉપસ્થિતિથી કાર્યક્રમને શોભિત કર્યો હતો. તેમની સાથે પૂજ્ય મીનળબેન, પૂજ્ય વિક્રમભાઈ સહિતના નજીકના અનુયાયીઓ અને શિષ્યો સહિત ૫૦૦ જેટલા ભાવિકોની વિશાળ હાજરીએ કલા તથા ભક્તિના અદભૂત સમન્વયે ઊંડો આધ્યાત્મિક ભાવ ઉજાગર કર્યો હતો. એક વિશેષ વિડિયો પ્રસ્તુતિ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રથી શરૂ થયેલી આત્મસાક્ષાત્કારી સંત પરંપરા તેમજ રાજ સૌભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલી આધ્યાત્મિક અને ભારતમાં ચાલી રહેલી માનવસેવાની વિશાળ પ્રવૃત્તિઓનું સુંદર દર્શન કરાવવામાં આવ્યું હતું.
આ સત્સંગ મંડળની સુવર્ણ જયંતિમાં ‘જે શ્વાસે શ્વાસે સકળ વિશ્વનું ભલું ઇચ્છે છે’ એવા પૂ.ભાઇશ્રીના વક્તવ્યનો મુખ્ય વિષય હતો “જીવનમાં સફળતા અને નિષ્ફળતા’.
વ્યક્તિને કે સંસ્થાને સફળતા ક્યારે મળે? એ માટે પુરૂષાર્થ, સમર્પિત ભાવ હોવા જોઇએ. સફળતા એ સીતા છે. તેણે અગ્નિ પરીક્ષા માટે હંમેશા તૈયાર રહેવું પડે.
પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં તેમણે સમજાવ્યું હતું કે દિવ્ય દૃષ્ટિકોણ, આંતરિક જાગૃતિ અને પડકારોની વચ્ચે અડગ પ્રયત્નશીલતા દ્વારા સાચી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ભક્તિભાવથી કરવામાં આવ્યું હતું. શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ યુ.કે.ના તમામ સભ્યો અને ટ્રસ્ટી શ્રી જયસુખભાઈ મહેતાના પ્રયાસથી આ કાર્યક્રમ સફળ અને યાદગાર બની રહ્યો. કાર્યક્રમનું સમાપન સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનનો આનંદ માણીને થયું હતું.


comments powered by Disqus