સરિતા રિશિ ચૌહાણે વેસ્ટહાઉટોન મેયર તરીકે કાર્યભાર સંભાળ્યો

Wednesday 10th June 2026 07:54 EDT
 
 

લંડનઃ બોલ્ટન, લેન્કેશાયરની વેસ્ટહાઉટોન કાઉન્સિલ દ્વારા મંગળવાર 5 મેના રોજ વેસ્ટહાઉટોન ટાઉન હોલમાં કાઉન્સિલર જિલિયન વ્રો પાસેથી નવા મેયર સરિતા રિશિ ચૌહાણના પદભાર અને મેયરની ફરજોનો કાર્યભાર સંભાળવાનો કાર્યક્રમ યોજાયો હતો. સરિતાબહેન અને તેમના પતિ રિશિ રતિલાલ ચૌહાણે કોમ્યુનિટીની ઘણી સારી સેવા કરી છે અને કાઉન્સિલર તરીકે તેમણે બંનેએ સારું કાર્ય કર્યું છે.
સરિતાબહેન મોરેશિયસના દિવંગત મહાદેવ ગૂરવાપ્પા અને મીરાબાય ગૂરવાપ્પાના પુત્રી છે તેમજ માન્ચેસ્ટરના રતિલાલ છગનલાલ ચૌહાણ અને દિવંગત ઈન્દિરાબહેન રતિલાલ ચૌહાણના પુત્રવધૂ છે. સરિતા અને રિશિ ચૌહાણ તેમના બે પુત્ર પાર્થિવ અને પૃથ્વીરાજ ચૌહાણ સાથે આનંદપૂર્વક વેસ્ટહાઉટોનમાં રહે છે. રતિલાલ સી. ચૌહાણ 1960ના દાયકામાં યુકે આવ્યા હતા અને 1966માં બોલ્ટનમાં પ્રથમ ઈન્ડિયન યુથ ક્લબ સ્થાપી હતી. તેમના માતાપિતા છગનલાલ અને ગંગાબહેન ચૌહાણ મૃત્યપર્યંત બોલ્ટનમાં રહ્યાં હતાં
એરાઈઝ એન્ડ અવેક જાગૃતિ એસોસિયેશન (યુકે)ના મેમ્બરશિપ સેક્રેટરી ચેતના સોલંકીએ જણાવ્યું હતું કે, ‘વેસ્ટહાઉટનના મેયર તરીકે કાઉન્સિલર સરિતા રિશિ ચૌહાણે કાર્યભાર સંભાળ્યો તે ગૌરવપૂર્ણ ક્ષણો હતી. અમારી કોમ્યુનિટીના પ્રથમ મેયર તેમજ નોર્થ ઓફ યુકેમાં મોરેશિયસ અને ભારતીય મૂળના પ્રથમ મહિલા મેયર તરીકે તેઓ અમારા સમુદાયનું ગૌરવ છે. કોમ્યુનિટીની સેવા અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ એરાઈઝ એન્ડ અવેક જાગૃતિ એસોસિયેશન (યુકે), સમગ્ર મોરેશિયસ, ભારતીય અને ગુજરાતી કોમ્યુનિટી વતી તેમને ધ કાનાઈ કનેક્શન રતિલાલ સી. ચૌહાણ સ્ટાર એવોર્ડ એનાયત કરતા આનંદ થાય છે.’


comments powered by Disqus