ગયા રવિવારે (8 ફેબ્રુઆરી)ના રોજ અમદાવાદની મહામહેલ હોટેલ, રેસ્ટોરન્ટમાં કવિ ન્હાનાલાલ કવિના દોહિત્રી અને કલા સાહિત્યપ્રેમી શિક્ષિકા દિવંગત કાન્તાબેન પ્રભાકાન્તભાઈ પટેલ દ્વારા આયોજિત એક સવિશેષ કાર્યક્રમ યોજાયો હતો. બ્રિટનના ગુજરાતીઓને ‘ગુજરાત સમાચાર’ના માધ્યમ દ્વારા કાન્તાબેન લિખિત ‘વીણેલા ફૂલ’, ‘સ્મૃતિના સરોવર’, ‘કાન્તાની ડાયરી’ જેવા પુસ્તકોનો પરિચય અને વાંચવાનો લાભ મળ્યો છે. બે-ત્રણ વર્ષ પહેલાં જ દિવંગત થઈ ગયેલાં પ્રિય પત્નીની યાદમાં પ્રભાકાન્ત પટેલે રવિવારે ‘કાન્તાની વાણી’ નામક ઈ-બુકનું વિધિવત્ લોકાર્પણ કર્યું.
પ્રભાકાન્તભાઈ પટેલની નાદુરસ્ત તબિયતને કારણે આખા કાર્યક્રમનું સંચાલન ‘ગુજરાત સમાચાર’ના કન્સલ્ટિંગ એડિટર કોકિલા પટેલે કર્યું હતું.
વાણી ઉત્સવમાં પ્રભાકાન્તભાઈ પટેલ અને પરિવાર વતી સૌનું અભિવાદન કરતાં કોકિલા પટેલે જણાવ્યું કે, પૂ. કાન્તાબેનની વાણીને આજે ઉજવવા આપણે સહુ ભેગા થયા છીએ. આપ સહુ તેનું જીવન જાણો જ છો, તેમની જીવન યાત્રા, તેમનો સંઘર્ષ, તેમને માણેલું જીવન. તેમને જાણેલું જીવન. એમની સાથે મારો ત્રીસેક વર્ષનો સંબંધ. ગુજરાત સમાચારના પત્રકાર તરીકે મારો સંબંધ કેળવાયેલો. કાન્તાબેને તેમના જીવન વિશે પ્રથમ પુસ્તક ‘વીણેલાં ફૂલ’માં સવિસ્તાર જણાવ્યું છે, તેમજ તેમનું દ્વિતિય પુસ્તક ‘સ્મૃતિના સરોવર’માં તેમના પરિવાર અને ગુજરાતી સાહિત્યના મોભી એવા મહાકવિ નાન્હાલાલની જીવનસફર વિશે છે. તેમનું ત્રીજું પુસ્તક ‘કાન્તાની ડાયરી’માં તેમના ચિંતન, મનના લખાણથી ભરેલી બે ડાયરીમાંથી સંકલન કરી તેનું પ્રકાશન ઈ-બુકમાં થયું છે.
યુગાન્ડાની ધરતી પર સાત ટેકરી સાથે પ્રાકૃતિક સૌંદર્યથી મદમસ્ત કંપાલાની ધરતી પર જીગર અને અમી જેવા બે પ્રેમી આત્માઓ કાન્તાબેન દવે અને પ્રભાકાન્ત પટેલનો પ્રણય પાંગર્યો. એ વખતે અનેક અવરોધ, વિરોધ સામે અડગ રહીને કાન્તાબેન પ્રભાકાન્તભાઈ એકમેકના બની લગ્નગ્રંથીથી બંધાયા. 49 વર્ષના સુખી સંપન્ન દામ્પત્યજીવનમાં ભાગ્યે જ 10-15 દિવસ તેઓ જુદાં રહ્યાં હશે. 1972માં યુગાન્ડા છોડી લંડન આવી પતિ-પત્નીએ નોર્થ લંડનમાં પોસ્ટઓફિસ ચલાવી. એ સાથે કાન્તાબેન પ્રભાકાન્તે એમના સાસુમાની પણ ખૂબ સેવા સારવાર કરી છે. પ્રભાકાન્તના માતૃશ્રી અલ્ઝાઈમરથી પીડાતાં હતાં. અશક્ત વ્હિલચેરગ્રસ્ત સાસુમાને નવડાવવું, ખવડાવવું સાથેની તમામ દેખભાળ કરતાં કાન્તાબેન પ્રભાકાન્તને અમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.
બરફ પાસે જાઓ તો ઠંડક મળી જાય, અગ્નિ પાસે જાઓ તો ગરમી મળી જાય, ગુલાબ પાસે જાઓ તો સુગંધ મળી જાય, કાન્તાબેન પાસે જાઓ તો આત્મિયતા અને પોતાપણું મળી જાય. ઉમળકાવાળા, નિખાલસ, મળવું ગમે તેવા, ચાહવા જેવા લાગે, શીળી હૂંફ લાગે, માણસપ્રિય માણસ હતાં, મહેફિલના પણ માણસ.
કાન્તાબેન પોતે ઉત્સાહથી ભરપૂર જીવ. કોઈ વ્યક્તિ નિરાશા-હતાશાની પળોમાં એમને મળે તો રિચાર્જ થઈ જાય તેવી તેમની પોઝિટિવ ઊર્જા.
કાન્તાબેનમાં સંવેદનશીલતા અને વિચારશીલતા બંને સાથોસાથ મ્હોરી રહ્યાં હતાં. જીવનના પ્રયોજન વિશે તેઓ અત્યંત જાગૃત હતાં. કાન્તાબેન એટલે જીવનઘડતરમાં કામ આવે તેવી વાતો દ્વારા અનેકને પ્રેરક બનનારા સન્નારી.
મન અને હૃદય જ્યાં મળ્યાં ત્યાં દિલ દઈને વરસે. તેઓ સમય અને સંબંધ બંને સાચવી જાણતા.
સારું-નરસું-માઠું-મોળું એ બધું તેઓ બરોબર પારખી શકતા. તેમને ગોળગોળ વાત પસંદ નહીં. સામેવાળાની રજુઆત સ્પષ્ટ અને ચોક્કસ હોય તો એમનો પ્રતિસાદ પણ એવો જ સ્પષ્ટ અને ચોક્કસ મળે. વ્યક્તિ તરીકે કાન્તાબેન પારદર્શક. ખોટો દેખાડો નહીં. છળકપટ કે એવું કોઈ નકારાત્મક તત્વ એમનામાં ન દેખાય. વિચાર-વાણી-વર્તન અને વ્યવહારમાં કોઈ ભેદ જ નહીં એવું ચોખ્ખું ચણાક કાન્તાબેનનું વ્યક્તિત્વ..
લંડનમાં યોજાતા દરેક કાર્યક્રમોમાં તેમની હાજરી અચૂક હોય જ.
કાન્તાબેન જેવા છે તેવા દેખાય, આડંબર નહીં, સજ્જનતા અને સ્પષ્ટતાનું પ્રમાણ પણ એવું જ. એમનામાં કોઈ દંભ કે ડોળ ક્યારેય જોવા ન મળે. જે માને તે જ બોલે અને તે પ્રમાણે જ કરે.
તેમના આયુષ્યના છેલ્લા દિવસો સુધી તે સક્રિય રહેલાં. અવસાન પામ્યાના એક વીક પહેલાં સુધી તે કાર્યરત રહ્યા એવા કર્મનિષ્ઠ હતા.
કાન્તાબેનના જીવનસાથી તરીકે પ્રભાકાન્તભાઈએ જે ભૂમિકા ભજવી તે તો અનન્ય કહેવી પડે. પાયો ક્યારેય નજરમાં ન આવે તે વાસ્તવિક્તા છે, પરંતુ પાયાની મજબૂતાઈ વગર કળશ ન દેખાય તે હકીકત છે. પ્રભાકાન્તભાઈ પણ કાન્તાબેન જેવા માણસપ્રેમી માણસ છે. મારા પ્રિયભાઈ પ્રભાકાન્તભાઈ સાથે હું સતત સંપર્કમાં રહું છું. ફોનથી અવારનવાર એમના ખબરઅંતર પૂછતી રહું તો ક્યારે રૂબરૂ મળવા જાઉં સાથે એમને ભાવતું ભોજન કે મઠિયાં પણ લેતી જાઉં છું. અમે એમના ઘરે મળીએ ત્યારે કાન્તાબહેને દિવાલો પર હાથેથી પેઈન્ટ કરેલાં ચિત્રો કે ગુજરાતની કલાકૃતિને અમે જોઈને ઘરની ચારેકોર કાન્તાબેનની સચવાયેલી યાદો તાજી કરીએ. કાન્તાબેનની જેમ રચનાત્મક પ્રવૃત્તિઓમાં રહેવાનું અને સ્વજનોના સંપર્કમાં રહેવાનું પ્રભાકાન્તભાઈ ભૂલ્યા નથી એ પણ આપણા સહુ માટે એક પ્રેરણા લેવા જેવું છે.
પ્રભાકાન્તભાઈએ જીવનસાથી તરીકે કાન્તાબેનની દૈહિક વિદાયને ભૂલ્યા વગર કાન્તાબેનની પ્રેમાળ યાદમાં જીવન ઉપયોગી વાંચનો પ્રસાર કરવાની તેમની ગમતી પ્રવૃત્તિને ચાલુ રાખી છે. પ્રભાકાન્તભાઈએ કાન્તાબેનની સ્મૃતિને અખંડ રીતે જીવતી રાખી છે.
આજે પ્રભાકાન્તભાઈ એમના જીવનસંગિની કાન્તાબહેનની વાણીને ઈ-બુક દ્વારા પ્રકાશિત કરવા જઈ રહ્યા છે ત્યારે બે પંક્તિ યાદ આવે...
મન સાથે મનમેળ કરું છું,
ખૂબ જ અઘરા ખેલ કરું છું, (2)
સ્મરણમાં સહેવાના લાખ પ્રયત્ને,
ભૂલવામાં સતત ભૂલ કરું છું.
જાણીતા ગુજરાતી ગાયિકા, સ્વર કિન્નરી માયા દીપકે કવિ નાન્હાલાલની રચના ‘આ વસંત ખીલી શતપાંખડી, હરિ આવોને’ કાવ્યરચના રજૂ કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતી સિરિયલ અને ફિલ્મ કલાકાર ભાવિની જાનીએ કહ્યું કે, કોકિલા પટેલના વક્તવ્ય દ્વારા આ પ્રેમીયુગલના દામ્પત્યજીવન વિશે જાણ્યું. કાન્તાબેનની સ્મૃતિમાં પ્રભાકાન્તભાઈએ ઈ-બુક દ્વારા ‘કાન્તાની વાણી’ને રમતી મૂકી એથી કાન્તાબેનનો આત્મા રાજીપો અનુભવતો હશે.
------------------
કાન્તાબેનના ‘વાણી ઉત્સવ’માં અમદાવાદ, લંડન તેમજ અમેરિકાથી કાન્તાબહેન તથા પ્રભાકાન્તભાઈના સગાંસંબંધી અને મિત્રો ઉપસ્થિત રહ્યાા હતા. જેમાં લંડનથી અરુણાબેન અરુણભાઈ પટેલ, વીણાબેન ચંદ્રકાન્ત પટેલ, ચંદ્રકાન્તભાઈ કાન્તિભાઈ પટેલ, ઉષાબહેન આર.કે. પટેલ, શિકાગોથી મધુબેન તથા જગદીશભાઈ પટેલ, કાન્તાબેનના પરિવારજનોમાં નાન્હાલાલ કવિના પૌત્રી નીતિ કવિ ઓઝા, કાન્તાબેનના ભાણી અજીતાબેન, પુનિતા દવે, દીપિકા દવે, નિરંજન દવે, પાર્થ તથા હર્ષ દવે, દીપક પંચાલ, કુંજન પંચાલ ઉપસ્થિત રહ્યાા હતા. કાર્યક્રમના અંતે સૌએ વિવિધ વાનગીઓના રસથાળનો આનંદ માણ્યો હતો.

