બાંગ્લાદેશની ચૂંટણી ભારત સાથેના સંબંધની દિશા નક્કી કરશે

Wednesday 11th February 2026 05:26 EST
 

ગુજરાત સમાચારનો આ અંક તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં બાંગ્લાદેશમાં યોજાનારી ચૂંટણીઓ પૂરી થઇને પરિણામ પણ જાહેર થઇ ગયાં હશે પરંતુ 12મી ફેબ્રુઆરીના રોજ યોજાનારા મતદાનની ફલશ્રુતિ તરીકે બાંગ્લાદેશમાં રચાનારી સરકાર પર ભારત સાથેના તેના સંબંધોની દિશા નક્કી કરશે. આ ચૂંટણીમાંથી શેખ હસીનાની પાર્ટી અવામી લીગની પહેલા જ બાદબાકી થઇ ચૂકી છે અને મુખ્ય બે પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને જમાત-એ-ઇસ્લામી સત્તા માટે મેદાનમાં ઉતરી છે.
હાલ ભારતમાં આશ્રય લઇ રહેલા શેખ હસીના સત્તા પર હતા ત્યાં સુધી ભારત માટે બાંગ્લાદેશ અત્યંત મહત્વનો વ્યૂહાત્મક ભાગીદાર દેશ હતો. ભારતીય ઉપખંડમાં સુરક્ષાની જાળવણીના મામલામાં બાંગ્લાદેશ એક મહત્વનો સાથી હતો. તે ઉપરાંત બાંગ્લાદેશ એશિયામાં ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ પણ હતો પરંતુ શેખ હસીના પદભ્રષ્ટ થયા બાદ બંને દેશોએ એકબીજાની નિકાસો પર પ્રતિબંધો લાદી દેતાં દ્વિપક્ષીય વેપારને પણ મોટો ફટકો પડ્યો છે.
1971માં ભારતની મદદથી બાંગ્લાદેશની રચના થઇ ત્યારપછીના દાયકાઓમાં ઢાકામાં કઇ રાજકીય પાર્ટી સત્તામાં છે તેના આધારે બંને દેશના સંબંધમાં ઉતાર ચડાવ આવતા રહ્યાં હતાં. શેખ હસીનાના 1996-2001 અને 2009-2024ના શાસનકાળમાં ભારત અને બાંગ્લાદેશના સંબંધ ઘણા ગાઢ રહ્યાં.
ભારતીય ઉપખંડમાં પાકિસ્તાન અને ચીન બાંગ્લાદેશને પોતાના ખોળામાં બેસાડવા ભરપૂર પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે આ ચૂંટણીના પરિણામ ભારતીય ઉપખંડમાં ઘણા બદલાવ લાવી શકે છે. ભારત ઇચ્છે છે કે બાંગ્લાદેશમાં એક એવી સરકારનું નિર્માણ થાય જે ભારત સાથે સારા સંબંધની હિમાયતી હોય અને ચીન તથા પાકિસ્તાન જેવા ભારત વિરોધી વલણ ધરાવતા દેશોનો પિચ્છલગ્ગુ દેશ બની રહે નહીં. હાલની વચગાળાની મોહમ્મદ યુનુસ સરકારે ભારત સાથેના સંબંધોની અવગણના કરી છે પરંતુ નવી સરકારને ભારત સાથેના સંબંધો વધુ વણસે તે પોષાશે નહીં.
ભારત અને બાંગ્લાદેશ બિનપરંપરાગત સુરક્ષા પડકારો, વેપાર, ખાદ્ય સુરક્ષા, સાંસ્કૃતિક અને માનવીય સંબંધો સહિતના પારસ્પરિક હિતોથી સંકળાયેલા છે. રાજકીય મંચ પરથી ભારત વિરોધી ઉશ્કેરણીજનક ભાષણો આપવા અલગ વાત છે અને સરકારમાં બેઠા પછી ભારત જેવા શક્તિશાળી અને પ્રભાવશાળી દેશ સાથે કામ કરવું અલગ વાત છે. બાંગ્લાદેશની રાજકીય પાર્ટીઓ પણ આ વાત સારી રીતે સમજે છે. બસ હવે એ જોવાનું રહ્યું કે બાંગ્લાદેશની નવી સરકાર ભારત સાથે કેવા પ્રકારના સંબંધ ઇચ્છે છે. આગામી સપ્તાહમાં ચિત્ર સ્પષ્ટ બની જશે.


comments powered by Disqus