વિશ્વમાં બદલાઇ રહેલી પરિસ્થિતિ મધ્યે ભારતની મોદી સરકાર છેલ્લા એક વર્ષના સમયગાળામાં યુકે, યુરોપિયન યુનિયન, અમેરિકા અને મલેશિયા સાથે વેપાર સંધિઓ કરવામાં સફળ રહી છે. વૈશ્વિક વેપારમાં ચીનના વધી રહેલા આધિપત્ય પર અંકુશ મેળવવા પશ્ચિમી મહાસત્તાઓ સહિતના દેશો પોતાના વેપારને સુરક્ષિત કરવા વેપાર સંધિઓ કરી રહ્યાં છે ત્યારે તાજેતરમાં અમેરિકા સાથેની વેપાર સંધિ એક વ્યૂહાત્મક અને આર્થિક સિદ્ધી જરૂર ગણી શકાય. અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર કરાર વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વિશ્વના સૌથી મજબૂત અર્થતંત્ર વચ્ચે મજબૂત બની રહેલી ભાગીદારીનું પણ પ્રતિબિંબ પાડે છે.
ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર સંધિથી કોને સૌથી વધુ લાભ થશે તે અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. સમર્થકો ભારત માટે વિન-વિન પરિસ્થિતિ ગણાવી રહ્યાં છે તો ટીકાકારો અમેરિકા લાભ ખાટી ગયો હોવાનું ગાણું ગાઇ રહ્યાં છે. આમ જોવા જઇએ તો આ વેપાર સંધિથી બંને દેશ બને એટલો લાભ રળી લેવાની કવાયત કરી રહ્યાં હતાં અને તેથી જ એક વર્ષ સુધી આ સંધિ હિંચકોલા ખાઇ રહી હતી. વેપાર સંધિથી કોને વધુ લાભ થશે તેનું મૂલ્યાંકન તો ટૂંકાગાળાના આર્થિક લાભ અને લાંબાગાળાના વ્યૂહાત્મક ફાયદાઓ પર આધારિત રહેશે.
ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર અમેરિકા માટે વિશ્વના સૌથી ઝડપતી વિકાસ કરતા મુખ્ય બજાર અને અર્થતંત્રમાં પ્રવેશની તક ઉપલબ્ધ કરાવે છે. આ વેપાર કરારથી અમેરિકન નિકાસકારો ભારતના વિસ્તરી રહેલા મધ્યમવર્ગની સાથે સાથે કેટલાંક પસંદગીના કૃષિ ઉત્પાદનો, સંરક્ષણ ઉત્પાદનો, વિમાન, તબીબી ઉપકરણો અને ડિજિટલ સેવાઓમાં નિકાસ માટેની મહત્વની તકોનું સર્જન કરશે. ટેરિફમાંથી મુક્તિ અને ઘટાડાના કારણે અમેરિકી કંપનીઓ હવે ભારતીય બજારમાં સારી રીતે સ્પર્ધા કરી શકશે. તે ઉપરરાંત અમેરિકન કંપનીઓ ભારતની મજબૂત બૌદ્ધિક સંપત્તિ અને બજારની નિશ્ચિતતાનો લાભ મેળવશે.
બીજીતરફ ભારત રોજગાર સર્જન, ટેકનોલોજી ટ્રાન્સફર અને લાંબાગાળાના આર્થિક પરિવર્તનના લાભ મેળવી શકે છે. ટેરિફમાંથી મુક્તિના કારણે ભારતની ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ, ગારમેન્ટ્સ, ડાયમંડ અને ઓટો એન્જિનિયરિંગ ઉત્પાદન કંપનીઓને મોટો લાભ થવા જઇ રહ્યો છે. જો અમેરિકા વિઝા નીતમાં પણ સુધારો કરે તો આઇટી અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ સહિતની ઉચ્ચ ટેલેન્ટ માગતી સર્વિસિઝમાં પણ ભારત વધુ સ્પર્ધાત્મક લાભ પ્રાપ્ત કરી શકે છે. અમેરિકામાં થતી નિકાસમાં વધારો થતાં મોદી સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત ભારતની ઉત્પાદન ક્ષમતાઓને વેગ મળી શકે છે.
ભારત એક વિકાસશીલ દેશ છે અને આ સંધિથી તે એફડીઆઇને વધુ આકર્ષીને ઉત્પાદકતામાં સુધારો કરી શકે છે. અમેરિકાની આધુનિક ટેકનોલોજી અને મૂડીની પહોંચ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચસ, ઉર્જા સેક્ટર અને ડિજિટલ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરશે.
બીજીતરફ અમેરિકા વ્યૂહાત્મક રીતે વધુ લાભ પ્રાપ્ત કરશે. ભારત સાથેના આર્થિક સંબંધ મજબૂત થતાં ચીન પરની સપ્લાય ચેઇનની વધુ પડતી નિર્ભરતા દૂર કરવાના અમેરિકી પ્રયાસોને વેગ મળશે તેમજ ભારત સાથેના વેપાર સંબંધો ગાઢ બનતાં બંને દેશ વચ્ચેના સંરક્ષણ સંબંધોને પણ મજબૂત બનાવશે. એશિયામાં અમેરિકાને એવા એક સાથી દેશની જરૂર છે તેના હિતોને મજબૂત બનાવે. આમ આ વેપાર સંધિથી અમેરિકાને ફક્ત આર્થિક જ નહીં પરંતુ વૈશ્વિક વ્યવસ્થામાં રાજદ્વારી રીતે પણ લાભ થઇ શકે છે.
હજુ બંને દેશ વચ્ચેના વેપાર કરારની સંપુર્ણ વિગતો જાહેર કરાઇ નથી પરંતુ તારણ કાઢી શકાય કે લાભ બંને દેશને થવાનો છે. ભારત લાંબાગાળે આર્થિક અને વિકાસલક્ષી લાભ હાંસલ કરશે જ્યારે અમેરિરા વ્યાપારી અને વ્યૂહાત્મક લાભ પ્રાપ્ત કરશે. આમ આ વેપાર કરાર વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વિશ્વની સૌથી મજબૂત આર્થિક અને લશ્કરી શક્તિ વચ્ચેના સંબંધો ગાઢ અને મજબૂત બનાવશે એ વાતમાં કોઇ શંકાને સ્થાન નથી.
