મહારાષ્ટ્રની 12 જિલ્લા પરિષદ, 125 પંચાયત સમિતિ સહિત 731 બેઠક માટેની ચૂંટણીમાં ભાજપ 225 બેઠકો જીતી સૌથી આગળ રહ્યો. 165 બેઠકો સાથે અજિત પવાર - એનસીપી બીજા સ્થાને, જ્યારે શિવસેના 162 બેઠકો સાથે ત્રીજા સ્થાને રહી હતી.
• ભારત ટેક્સી લોન્ચઃ કેન્દ્રએ ગુરુવારે ભારત ટેક્સી સેવા શરૂ કરી છે. ભારત ટેક્સી એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં દરેક ડ્રાઇવર પોતાની ટેક્સીનો માલિક હશે. આ પ્લેટફોર્મથી થતી કમાણી કોઈપણ કંપનીના શેરધારકોને નહીં જાય, પરંતુ ડ્રાઇવર સમુદાયને પરત કરાશે, કારણ કે તેઓ ભાગીદાર હશે.
• નરવણેનું અપ્રકાશિત પુસ્તક લીક થવા મુદ્દે ફરિયાદઃ જનરલ એમ.એમ. નરવણેની અપ્રકાશિત આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ને કેન્દ્ર સરકારની મંજૂરી મળી નથી. પુસ્તક હજુ પ્રસિદ્ધ થયું નથી, પરંતુ તેની કોપી લીક થઈ ગયાનું જણાતાં પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
• સાવરકરને ભારતરત્ન આપવાથી એવોર્ડની ગરિમા વધશેઃ મુુંબઈ ખાતેના એક કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડ દરેકને વિશ્વાસમાં લઈને બનવો જોઈએ. વિનાયક દામોદર સાવરકરને ભારતરત્નથી સન્માનિત કરવાથી આ એવોર્ડની ગરિમા વધશે.
• રિલાયન્સે વેનેઝુએલાથી 20 લાખ બેરલ ક્રૂડ ખરીદ્યુંઃ ભારતીય ઓઇલ માર્કેટિંગ દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલનું પહેલું શિપમેન્ટ ખરીદ્યું. એક વર્ષમાં દક્ષિણ અમેરિકન દેશથી કંપનીની આ પહેલી ખરીદી છે.
• પંજાબમાં ગુરુદ્વારાની બહાર આપ નેતાની 5 ગોળી મારી હત્યાઃ જલંધરના મોડેલ ટાઉનમાં ગુરુદ્વારાની બહાર આમ આદમી પાર્ટીના નેતા લકી ઓબેરોયની શુક્રવારે અજાણ્યા હુમાલાખોરે 5 ગોળી મારીને હત્યા કરી હતી.
• અમે પાકિસ્તાનની ચામડી ઉતારીશુંઃ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બીએલએના વિદ્રોહીઓએ પાકિસ્તાનની સેનાને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે 1971ના યુદ્ધને યાદ કરાવતાં કહ્યું કે, બાંગ્લાદેશમાં તો 90 હજાર સૈનિકોનું જ પેન્ટ ઊતારાયું હતું, અમે તો જીવતા ચામડી જ ઊતારી લઈશું.
• બલુચિસ્તાનનું વચગાળાનું બંધારણ જાહેરઃ બલુચ રાષ્ટ્રવાદીઓએ બલુચિસ્તાનની આઝાદીનું વચગાળાનું બંધારણ સત્તાવાર રીતે વિશ્વ સામે પ્રસ્તુત કરી દીધું છે. બલુચિસ્તાનના આ પગલાંથી પાકિસ્તાનમાં અસીમ મુનીર તથા વડાપ્રધાન શાહબાઝ શરીફની ઊંઘ ઊડી ગઈ છે.
• ઇસ્લામાબાદમાં નમાજ દરમિયાન બ્લાસ્ટમાં 36 મોતઃ શુક્રવારે જુમ્માની નમાજ દરમિયાન ઈમામબારામાં થયેલા આત્મઘાતી હુમલામાં 36 લોકોનાં મોત થયાં, જ્યારે 170થી વધુ ઘાયલ થયા. આ વિસ્ફોટ શિયા ઈમામબારગાહમાં થયો હતો, જે શિયા સમુદાયને નિશાન બનાવતો સૌથી ઘાતક હુમલો હતો.
• બાંગ્લાદેશમાં ઇસ્લામી તાકતો શક્તિશાળી બની: બાંગ્લાદેશમાં એક ઐતિહાસિક રાજકીય પરિવર્તનની શરૂઆત થઈ છે. એક રિપોર્ટ અનુસાર આ વિદ્રોહ પછી કોઈ ઊંડો માળખાગત ફેરફાર આવ્યો નથી, પરંતુ રાજકીય શૂન્યાવકાશમાં ઇસ્લામી રાજનીતિનો ઝડપથી ઉદય થયો છે.
• બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારીની હત્યાઃ બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીના માત્ર બે દિવસ પહેલાં મયમનસિંહ જિલ્લામાં એક હિન્દુ વેપારીની નિર્દય હત્યા કરી દેવામાં આવી. 9 ફેબ્રુઆરીની રાત્રે થયેલી આ હત્યા અલ્પસંખ્યક સમુદાયની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
• જાપાને ચેરી બ્લોસમ ફેસ્ટિવલ રદ કર્યોઃ માઉન્ટ ફુજીમાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલ યોજાય છે. વસંત ઋતુમાં યોજાતા આ ઉત્સવમાં દુનિયાભરથી પ્રવાસીઓ આવે છે, પરંતુ આ વર્ષે પ્રવાસીઓની વધતી સંખ્યા અને વિદેશી પ્રવાસીઓની ગેરવર્તણૂકને ધ્યાનમાં રાખીને આ ઉત્સવ રદ્દ કરી દેવામાં આવ્યો છે.

