ઓટાવાઃ કેનેડાની સરકારે સ્ટડી પરમિટ અરજીની પ્રોસેસિંગ માટેના નિયમોમાં અપડેટ કર્યા છે. ઈમિગ્રેશન, રેફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)એ અપડેટેડ નિયમોની જાહેરાત કરી છે. IRCC અનુસાર, જે વિદેશી વિદ્યાર્થીએ જોઈન્ટ પ્રોગ્રામ્સમાં એડમિશન લીધું છે, અર્થાત્ એવા કોર્સ કરી રહ્યા છે જેમાં તેમને બે કોલેજમાં ભણવું પડે છે અને બન્ને કોલેજ અલગ-અલગ પ્રાંતોમાં આવેલી છે, એવી સ્થિતિમાં હવે તેમને માત્ર એક જ ‘પ્રોવિન્શિયલ / ટેરિટોરિયલ એટેસ્ટેશન લેટર’ (PAL/TAL)ની જરૂર પડશે.
IRCC મુજબ, આ વર્ષે એડમિશન લેનારા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા નિયમો લાગુ પડશે. આ પગલું વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રક્રિયાને સરળ બનાવવા માટે લીધું છે.
નવા નિયમો હેઠળ જોઈન્ટ પ્રોગ્રામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હવે બે અલગ-અલગ કોલેજો અથવા અલગ-અલગ પ્રાંતોમાંથી એટેસ્ટેશન લેટર લેવાની જરૂર નહીં રહે. કેનેડામાં ઘણાં એવા કોર્સ છે જે બે કોલેજોમાં ભણાવવામાં આવે છે. જો બંને કોલેજ એક જ પ્રાંતમાં હોય તો એક એટેસ્ટેશન લેટર પૂરતું રહે છે.
અગાઉના નિયમો મુજબ, જો બંને કોલેજ અલગ-અલગ પ્રાંતોમાં હોય તો બંને પ્રાંતોમાંથી એટેસ્ટેશન લેટર લેવું ફરજિયાત હતું. નવા નિયમથી અરજીની જટિલતા ઘટશે. કેનેડા સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સ્ટૂડન્ટ સરકારી યુનિવર્સિટીમાં માસ્ટર્સ અથવા પીએચડી અભ્યાસ કરી રહ્યો છે, તો તેને એટેસ્ટેશન લેટરની જરૂર નહીં પડે.

