નવી દિલ્હીઃ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના પુરવઠા માટે એક મહત્ત્વપૂર્ણ સંરક્ષણ સમજૂતી થઈ છે. ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે, તેણે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ ખરીદવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઇન્ડોનેશિયાના પ્રવક્તા રિકો રિકાર્ડો સિરૈતે જણાવ્યું કે, આ કરાર લશ્કરી હાર્ડવેર અને સંરક્ષણ ક્ષમતાઓના આધુનિકીકરણનો ભાગ છે. જો કે તેમણે આ સોદાની ચોક્કસ કિંમત જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. ઇન્ડોનેશિયાએ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે તે બ્રહ્મોસ મિસાઇલના કેટલા યુનિટ ખરીદી રહ્યું છે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસની ખરીદી અંગે 2023થી વાતચીત ચાલી રહી હતી.

