નવી દિલ્હી: બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની હાલત સુધરવાનું નામ લેતી નથી. નવી સરકાર આવ્યા બાદ પણ હિન્દુઓ અને હિન્દુ મંદિર પર હુમલાનો ઘટનાક્રમ અટક્યો નથી. છેલ્લા એક સપ્તાહમાં અલગ અલગ ઘટનામાં બે હિન્દુની હત્યા થઈ ચૂકી છે, અને પૂજારી સહિત 4 લોકો મંદિર બહાર બોમ્બ બ્લાસ્ટમાં ઘાયલ થયા છે.
બાંગ્લાદેશના દક્ષિણપંથી ગ્રૂપ, જાતિયો હિન્દુઓ મોહાજોતોએ કહ્યું હતું કે, 6 અને 7 માર્ચે બોગુરા અને કોક્સ બજારમાં બે વ્યક્તિની હત્યા કરાઈ હતી, જ્યારે 8 માર્ચે ચુમિલ્લા શહેરમાં પૂજા દરમિયાન હિન્દુ મંદિર પર ક્રૂડ બોમ્બ ફેકવામાં આવ્યો હતો, જેનાથી આ વિસ્તારમા ડરનો માહોલ ઊભો થયો છે.
કોતવાલી મોડલ પોલીસ સ્ટેશનના પ્રભારી તોહીદુલ અનવરે કહ્યું કે, કાલીગાછ ટાલા કાલી મંદિર પર હુમલો થતાં પુરોહિત કેશબ ચક્રવર્તી અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત બનતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. મંદિર સમિતિના અધ્યક્ષ સજોલ કુમાર ચંદાએ કહ્યું કે, બ્લાસ્ટ ધાર્મિક સમારોહ દરમિયાન થયો હતો.
સીસીટીવી ફૂટેજમાં કથિત રીતે એક નકાબપોશ વ્યક્તિ બ્લાસ્ટના થોડા સમય પહેલાં મંદિરમા પ્રવેશતો અને એક બેગ ત્યાં મૂકતો જોવા મળ્યો હતો. ઘાયલ પૂજારી કેશબ ચક્રવર્તીએ કહ્યું કે, બોમ્બ વિસ્ફોટ બાદ મારી સામે એક સફેદ વસ્તુ પડતી જોવા મળી હતી, બાદમાં ધુમાડો જોઈને એક વ્યક્તિએ કહ્યું કે, આ બોમ્બ હતો. વિસ્ફોટ બાદ આ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. પહેલા બ્લાસ્ટ બાદ હુમલાખોરોએ કથિત રીતે નજીકના બૌદ્ધ મંદિર અને ખાનગી ઓફિસ પાસે વધુ બે બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા.
