નવી દિલ્હીઃ વિશ્વમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, પરંતુ પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવવાનું નથી. તેનું તાજું ઉદાહરણ મંગળવારે જોવા મળ્યું, પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં કારણ વગર ભારતનું નામ પણ ખેંચ્યું હતું. આસિફે કહ્યું કે, જો ઇરાનમાં શાસન બદલાય છે, તો ભારત અને અફઘાનિસ્તાન સાથે પાકિસ્તાન પ્રત્યેની ‘દુશ્મનાવટ’ તેમનો સંયુક્ત સિંગલ પોઈન્ટ એજન્ડા હશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં આસિફે દાવો કર્યો હતો કે, ઇઝરાયલનો પ્રભાવ પાકિસ્તાનની સરહદ સુધી પહોંચાડવાનો આ એજન્ડા છે.
પાકિસ્તાન પોતાની આદત પ્રમાણે ભારત પર ખોટા આક્ષેપ કરતું રહે છે. પાકિસ્તાન પહેલેથી જ ભારત પર તાલિબાનના ‘પ્રોક્સી’ હોવાનો આક્ષેપ લગાવી રહ્યું છે. જો કે ભારતે હંમેશાં આ દાવાઓને નકારી કાઢ્યા છે. હવે આસિફને ડર છે કે, જો ઇરાનમાં સત્તા પરિવર્તન થશે તો પાકિસ્તાન ત્રણ તરફથી એટલે કે અફઘાનિસ્તાન, ઇરાન અને ભારતથી ઘેરાઈ જશે. આ ત્રણેય મળીને પાકિસ્તાનની સરહદોને અસુરક્ષિત બનાવી દેશે. આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ તમામ 25 કરોડ પાકિસ્તાની નાગરિકોને તેમની રાજકીય કે ધાર્મિક માન્યતાઓ ગમે તે હોય, દુશ્મનોના ઇરાદા અને કાવતરાને સમજવા વિનંતી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, આસિફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાન પોતે અફઘાનિસ્તાન સાથેના સંઘર્ષમાં ગૂંચવાયેલું છે.

