ભારતે બાલેન શાહ સાથે આધુનિક વિચારસરણીથી કામ કરવું પડશે

Wednesday 11th March 2026 08:20 EDT
 

નેપાળમાં 35 વર્ષીય રેપર બાલેન શાહ જેન-ઝીના સમર્થનથી પ્રચંડ બહુમતી સાથે ચૂંટણીમાં વિજેતા બની વડાપ્રધાન બનવા જઇ રહ્યાં છે ત્યારે નેપાળનું આ સત્તા પરિવર્તન ભારત માટે કૂટનીતિ અને પ્રાદેશિક વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું બની રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો તણાવભર્યા રહ્યા છે. નેપાળની ચીન સાથેની નિકટતા અને નેપાળી જનતામાં વધી રહેલી ભારત વિરોધી માનસિકતાના કારણે ટકરાવ વધી રહ્યો છે તેવી સ્થિતિમાં બાલેન શાહનું આગમન ભારત સરકારે સાવધાનીથી મૂલવવું પડશે.
નવી દિલ્હીએ નેપાળની ચૂંટણીના પરિણામોને આવકાર્યા છે અને નવી સરકારસાથે મળીને કામ કરવાની તૈયારી પણ દર્શાવી છે. નવી દિલ્હી માટે કાઠમંડુમાં સ્થિર સરકાર રચાય તે મહત્વનું છે જેથી બંને દેશ વચ્ચેની ખુલ્લી સરહદ વધુ સુરક્ષિત બની શકે અને દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બની શકે. બાલેન શાહનું ભારત વિરોધી વલણ અગાઉ જાહેર થઇ ચૂક્યું છે પરંતુ સાથે સાથે તેઓ અમેરિકા અને ચીનની નીતિઓના પણ વિરોધી છે. તેથી તેમની વિદેશ નીતિ કઇ દિશામાં જશે તે હાલ તો કહી શકાય નહીં પરંતુ નવી દિલ્હી જો મોટાભાઇ જેવું વલણ જારી રાખશે તો મુશ્કેલી સર્જાશે. બાલેન શાહ ભારત અને ચીન એમ બંને સાથે સારા સંબંધોના હિમાયતી તો છે પરંતુ કોઇના પ્રભાવ હેઠળ કામ કરવા તૈયાર નથી.
એ વાતમાં કોઇ શંકા નથી કે બાલેન શાહનો વિજય નેપાળમાં આવેલા પેઢીગત પરિવર્તનના પણ સંકેત આપી રહ્યો છે. નેપાળની નવી પેઢી કોઇ દેશના પ્રભાવ હેઠળ જીવવા માગતી નથી. તેથી જ એક પ્રચંડ આંદોલન દ્વારા આ પેઢીએ ભારત અને ચીનના પ્રભાવ તળે દટાયેલા રાજનેતાઓને હાંકી કાઢ્યા હતા. આ આંદોલનના પ્રણેતા એવા બાલેન શાહ કાઠમંડુના મેયર રહી ચૂક્યા છે તેથી વહીવટી રીતે થોડા ઘણા ઘડાઇ ચૂક્યા હશે પરંતુ મેયર તરીકેના કાર્યકાળમાં પણ બાલેન શાહ પોતાની સ્વતંત્ર વિચારસરણીના સંકેતો આપી ચૂક્યાં છે. બાલેન શાહ કટ્ટર રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા છે ત્યારે કાલાપાની અને લિપુલેખ સહિતના સરહદી વિવાદોમાં નમતું નહીં જોખીને નવી દિલ્હી માટે પડકાર ઊભો કરી શકે છે. તેમ છતાં ભારત સરકારે નેપાળની નવી સરકાર સાથે પરંપરાગત સંબંધો વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. બાલેન શાહ સરકાર સાથે મોટાભાઇ તરીકેનું વલણ ન રાખતાં બંને દેશ વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરવું પડશે.


comments powered by Disqus