માંડવીથી મસ્કત અને મીડલ ઇસ્ટઃ ભારત અને મોદીનો દુરોગામી પ્રભાવ

મારી નજરે

- સી.બી. પટેલ Wednesday 11th March 2026 09:11 EDT
 
 

આજે વિશ્વ સંવેદનશીલ ચૌરાહા પર ઊભું છે. વધી રહેલો વૈશ્વિક તણાવ ઘણાને વ્યાપક સંઘર્ષની સંભાવનાથી ભય પમાડી રહ્યો છે અને ત્રીજા વિશ્વયુદ્ધની વધતી સંભાવનાઓએ ચિંતા વધારી દીધી છે. ઇરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધી રહેલા સંઘર્ષ અને લાંબા સમયથી પડતર પેલેસ્ટાઇનના મુદ્દાએ ફરી એકવાર સમગ્ર વિશ્વની નજર મીડલ ઇસ્ટ પર કેન્દ્રિત બની છે.
આવા સમયગાળામાં એવી આશા હોય કે મતભેદો વધુ ઉગ્ર બને તે પહેલાં શાણપણ અને કૂટનીતિનો વિજય થાય. આવી ક્ષણોમાં, ફક્ત હાલની કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કરવાના સ્થાને આ પ્રદેશ અને વિશાળ વિશ્વમાં સંબંધોને આકાર આપનારા લાંબા ઐતિહાસિક સંબંધો અને ઘટનાઓ પર પણ ચિંતન કરવું મહત્વપૂર્ણ છે.
ઇરાન અને આરબ દેશો, જેમકે અમિરાત અને તેના સહયોગીઓ, વચ્ચે ખાડીમાં પ્રવર્તતા તણાવ અંગે ઘણું કહી શકાય. આમ તો મીડલ ઇસ્ટનો આધુનિક રાજકીય નક્શો તાજેતરનો જ છે. અમિરાત શબ્દ વીસમી સદીના બીજા ઉત્તરાર્ધમાં સામાન્ય રીતે ચલણમાં આવ્યો હતો. તેમની આઝાદી પહેલાં ખાડીના શેખ રજવાડાં કે જેમને આજે આપણે દુબઇ, અબુધાબી, શારજાહ, ઓમાન અને અન્યો તરીકે ઓળખીએ છીએ તેઓ એક સમયે કરાર આધારિત રજવાડાં તરીકે જાણીતા હતા કારણ કે તેઓ બ્રિટિશ સામ્રાજ્ય સાથે કરારો કરી ચૂક્યાં હતાં.
બ્રિટિશ સંસ્થાનના કાર્યકાળમાં આ રજવાડાં ભારત સાથે ગાઢ રીતે સંકળાયેલાં હતાં. વહીવટી રીતે તેઓ બોમ્બે પ્રેસિડેન્સી સાથે સંકળાયેલા હતા અને તેમનું ચલણ પણ ભારતીય રૂપિયો હતો. ખાડી પ્રદેશના સત્તાધારી પરિવારોના ઘણા યુવા ભારતના મુંબઇ અને પૂણે જેવા શહેરોમાં અભ્યાસ કરતા હતા અને તેમને સંસ્થાનવાદી સત્તાવાળાઓ દ્વારા સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવતું કારણ કે તે બ્રિટનમાં અભ્યાસનો ખર્ચ પૂરો પાડવા માટે અપુરતું હતું. આમ ભારત અને ખાડી વિસ્તાર વચ્ચેના ઐતિહાસિક સંબંધો આધુનિક ભૂરાજનીતિ કરતાં પણ ઘણા ગાઢ હતા.
આ ઇતિહાસ વ્યાપક પણે જાણીતો નથી પરંતુ ઘણા વર્ષોથી પ્રકાશિત થતા ગુજરાત સમાચાર, ન્યૂ લાઇફ અને એશિયન વોઇસ તથા અમારા સ્પેશિયલ મેગેઝિનોના વિવિધ આર્ટિકલોમાં દસ્તાવેજ તરીકે સંગ્રહાયેલો છે.
દક્ષિણ અને મધ્ય એશિયામાં પ્રારંભિક ઇસ્લામિક પ્રભાવ
ભૂતકાળમાં ડોકિયું કરીએ તો ઇ.સ. 712માં આરબ જનરલ મુહમ્મદ બિન કાસિમ હાલના ઇરાકના બસરાથી સેનાની એક નાનકડી ટુકડી સાથે સિંધ પહોંચ્યો હતો અને તેણે સિંધના બ્રાહ્મણ શાસક રાજા દાહિરને પરાજિત કરી કેટલાક સમયગાળા પુરતી ઇસ્લામિક શાસનની સ્થાપના કરી હતી.
જોકે આ પ્રારંભિક રાજકીય નિયંત્રણ લાંબો સમય ટક્યું નહોતું પરંતુ તેનાથી દક્ષિણ એશિયાના હિસ્સાઓમાં ઇસ્લામનો વ્યાપક પ્રસાર શરૂ થયો હતો. ત્યારબાદના સૈકાઓમાં વેપાર, સ્થળાંતર અને મધ્ય એશિયા તથા તુર્કિક જૂથોની અવર જવરના કારણે ઇસ્લામિક પ્રભાવમાં વધારો થયો હતો. ઇસ્લામનો વિસ્તાર ઇરાન અને અફઘાનિસ્તાનથી માંડીને આજના પાકિસ્તાન, મધ્ય એશિયા અને પશ્ચિમ ચીનના પ્રદેશોમાં થયો હતો.
શિનજિયાંગમાં ઉઇઘુર સમુદાયમાં આ ઐતિહાસિક જોડાણનો સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો આજે પણ જોવા મળે છે. તેમાંના ઘણા તેમની ઓળખ તિમુરજેવા મધ્ય એશિયાના શાસકોના વારસા સાથે પણ જોડે છે. જો કે આજે ઉઇઘુર મુસ્લિમોની સ્થિતિ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય બની છે. ચીનના આકરા નિયંત્રણો અને અટકાયતો વચ્ચે તેમને જીવન જીવવા મજબૂર બનવું પડ્યું છે. આ જટિલ ઇતિહાસ બતાવે છે કે કેવી રીતે ધર્મ, સંસ્કૃતિ અને સ્થળાંતરે સમગ્ર એશિયામાં સમાજોને આકાર આપ્યો અને આજે પણ વૈશ્વિક ઘટનાઓ પર તેનો પ્રભાવ જોવા મળે છે.
એક સમયે અફઘાનિસ્તાન હિન્દુ અને બૌદ્ધ પરંપરાઓનું કેન્દ્ર રહ્યું હતું. 8 અને 9મી સદી સુધીમાં આ પ્રદેશમાં ઇસ્લામ મુખ્ય ધર્મ બની ગયો હતો. સમયની સાથે અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારોના લોકોએ ભારતીય ઉપખંડના, વિશેષ કરીને આજના પાકિસ્તાન અને ઉત્તર ભારતના સમૃદ્ધ પ્રદેશો તરફ નજર દોડાવવાનું શરૂ કર્યું હતું. આ વિસ્તારો લાંબા સમયથી કૃષિ, વેપાર અને સમૃદ્ધિના કેન્દ્ર હતા. આજના ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન સહિતના મધ્ય એશિયાન પ્રદેશો ઘણા કબીલા અને સત્તાધારી જૂથોનું વતન હતાં. ભારતમાં મોગલ સામ્રાજ્યના ઉદય પહેલાં ઘણી સદીઓ સુધી ભારતીય ઉપખંડમાં આ પ્રદેશોમાંથી સ્થળાંતર અને આક્રમણ થતાં રહ્યાં હતાં.
ગુજરાતઃ વિશ્વ માટે ભારતનું દ્વાર
સદીઓથી આંતરરાષ્ટ્રીય વેપાર માટે ગુજરાત મહત્વનું કેન્દ્ર હતું. સુરતના ઉદય પહેલાં ભરૂચ અને ખંભાત મીડલ ઇસ્ટ, આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયા સાથે ભારતને સાંકળતા મોટા બંદર હતાં. આ સંબંધોએ ગુજરાતને વૈશ્વિક પ્રભાવો માટે ખુલ્લું મૂક્યું હતું. સમયની સાથે ગુજરાતી ભાષામાં અરબી, પર્શિયન, પોર્ટુગીઝ અને અન્ય ભાષાઓના શબ્દો ભળી ગયાં હતાં તે સદીઓથી સમગ્ર વિશ્વના વેપારીઓ સાથેની વાતચીતનું પ્રતિબિંબ દર્શાવે છે.
આ દરિયાઇ વેપારના નેટવર્કમાં સૌથી સક્રિય વેપારીઓ માંડવી અને કચ્છના હતાં. કચ્છી વેપારીઓ નિયમિત રીતે અરબી સમુદ્ર ખેડતાં અને મસ્કત તથા ખાડીના અન્ય બંદરો સાથેના મજબૂત વાણિજ્યિક સંબંધોનું નિર્માણ કરતાં હતાં. ભાટિયા હવેલી જેવા ઐતિહાસિક સ્થળો આ પ્રારંભિક વેપારી સમુદાયની હાજરી અને પ્રભાવ દર્શાવે છે. ખીમજી રામદાસ સહિતના જાણીતા વેપારી પરિવારોએ પોતાને ત્યાં સ્થાપિત કર્યાં હતાં અને ભારત અને ખાડી દેશો વચ્ચેના વેપારી અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવ્યાં હતાં.
મોટાભાગે ભારતીય ઉપખંડના મસાલા અને કાપડ જેવા મૂલ્યવાન સામાનનો વેપાર થતો હતો. મસાલાનો વેપાર વિશેષ રીતે તો કેરળના બંદરો સાથે સંકળાયેલો હતો.
ભારતનો દરિયાઇ પ્રભાવ સુદૂર પૂર્વમાં પણ ફેલાયો હતો. દક્ષિણ ભારત અને વિશેષ કરીને આંધ્રપ્રદેશના તેલુગુ ભાષી વિસ્તારોના વેપારીઓ દરિયો ખેડીને દક્ષિણપૂર્વ એશિયામાં પહોંચતા હતા. સમયની સાથે તેમની દરિયાઇ મુસાફરીઓએ ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા અને અન્ય દેશો સહિતના પ્રગેશો સાથે વેપાર અને સાંસ્કૃતિક લેવડ દેવડને પ્રોત્સાહિત કરી હતી. હિન્દુ ધર્મના સિદ્ધાંતો અ ભારતીય પરંપરાઓએ દક્ષિણપૂર્વ એશિયાના હિસ્સાઓને આકાર આપ્યો અને આ વારસાના અંશો આજે પણ ત્યાંની ભાષા, કૃષિ અને ઐતિહાસિક સ્થાપત્યોમાં જોવા મળે છે.
તાજેતરમાં નવી દિલ્હીની મુલાકાત દરમિયાન ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિઆન્તોએ જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક રીતે મારું ડીએનએ હિન્દુ છે જે ભારતીય અને ઇન્ડોનિશયન સંસ્કૃતિઓ વચ્ચેના ગાઢ ઐતિહાસિક સંબંધો દર્શાવે છે. આજે ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી વધુ મુસ્લિમ વસતી ધરાવતો દેશ છે જે દર્શાવે છે કે ભૂતકાળની જાળવણી કરીને પણ સંસ્કૃતિઓ કેવી રીતે બદલાય છે. ઇતિહાસ કહે છે કે ભારતના બંદર સુરત સાથે સંકળાયેલા દરિયાઇ વેપાર માર્ગો દ્વારા જાવા, સુમાત્રા અને બોર્નિઓ સહિતના ઇન્ડોનેશિયાના વિસ્તારોમાં ઇસ્લામનો પ્રસાર થયો હતો.
પૂર્વ આફ્રિકામાં ભારતીય વેપારીઓનો વારસો
પૂર્વ આફ્રિકાના પ્રદેશોમાં ઇસ્લામનો પ્રસાર અને મુસ્લિમ પ્રભુત્વ પણ હિન્દ મહાસાગરના દરિયાઇ જળમાર્ગો સાથે સંકળાયેલાં છે. ઋતુગત વેપારી પવનો આરબ પ્રદેશો, ભારત અને પૂર્વ આફ્રિકાના કિનારાના પ્રદેશો વચ્ચેની મુસાફરી સરળ બનાવતાં હતાં જેના પગલે વેપારીઓ અને સમુદાયો આ પ્રદેશોમાં જઇ સ્થાયી થવા પ્રોત્સાહિત થયાં હતાં. પૂર્વ આફ્રિકાના કિનારાના પ્રદેશોમાં આર્થિક અને સાંસ્કૃતિક જીવનમાં ભારતીય વેપારીઓએ મહત્વની ભુમિકા ભજવી હતી. તેમણે મડાગાસ્કાર, કિલિન્દિની, મોમ્બાસા, બાગામોયો, ટાન્ગા અને દાર-એ-સલામ જેવા કેન્દ્રોના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ દરિયાઇ કેન્દ્રોમાં ઝાંઝીબારના ટાપુઓ અને પેમ્બા વેપાર અને સંસ્કૃતિની આપ-લેના મહત્વના કેન્દ્ર બન્યાં હતાં.
ઇતિહાસમાં એક તબક્કે મસ્કતના સત્તાધારી પરિવારના આંતરિક વિખવાદના કારણે ઓમાની નેતૃત્વની એક શાખાને તેનું થાણું ઝાંઝીબારમાં લઇ જવાની ફરજ પડી હતી. સમયની સાથે ત્યાં ઝાંઝીબારની સલ્તનતની સ્થાપના થઇ હતી જેના પગલે ઓમાન, પૂર્વ આફ્રિકા અને હિન્દ મહાસાગરના વેપાર વિશ્વ વચ્ચેના વેપાર અને રાજકીય સંબંધો વધુ મજબૂત બન્યાં હતાં.
વ્યાપક ઐતિહાસિક પરિપેક્ષ્યમાં જોઇએ તો પૂર્વ આફ્રિકાના વેપાર ઇતિહાસને આકાર આપવામાં કચ્છ અને ભારતના અન્ય પ્રદેશોના વેપારી સમુદાયોએ ભજવેલી ભુમિકા મહત્વની રહી હતી.
18 અનમે 19મી સદી સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ગુજરાતીઓ સહિત ભારતીય વેપારીઓએ સઇદ બિન સુલતાનની સહાયથી પૂર્વ આફ્રિકાના દરિયા કિનારાના પ્રદેશોમાં સક્રિય વેપાર માળખા સ્થાપિત કરી દીધાં હતાં. જયરામ શિવજી, અલીભાઇ મુલ્લા જીવણજી જેવા પ્રારંભિક વેપારીઓએ મસ્કત, ઝાંઝીબાર, મોમ્બાસા અને નૈરોબી સાથે ભારત સાથેના વેપારિક અને આર્થિક સંબંધો મજબૂત બનાવ્યાં હતાં.
19મી સદીના ઉત્તરાર્ધ અને 20મી સદીના પ્રારંભે કરીમજી જીવણજી અને અલીદિના વિશ્રામ જેવા વેપારીઓએ આ માળખાનો વધુ વિસ્તાર કરીને કેન્યા અને યુગાન્ડામાં મોટા વેપારી એકમોનું નિર્માણ કર્યું હતું.
આ પરંપરા નાનજી કાલિદાસ મહેતા જેવા પ્રભાવશાળી ઉદ્યોગસાહસિકો અને માધવાણી ગ્રુપ અને વાડેરા પરિવાર સહિતના અગ્રણી વેપારી પરિવારો દ્વારા ચાલુ રહી. સામૂહિક રીતે આ સમુદાયોએ હિન્દ મહાસાગરમાં વાઇબ્રન્ટ વેપાર નેટવર્ક બનાવ્યા અને પૂર્વ આફ્રિકાના આર્થિક અને સામાજિક વિકાસને આકાર આપવામાં દુરોગામી ભૂમિકા ભજવી.
મનુભાઇ માધવાણી અનુસાર પાછળથી આવેલી પેઢીઓ તેમના પુરોગામીઓ દ્વારા કંડારાયેલા માર્ગને અનુસરવામાં ભાગ્યશાળી રહી હતી. તેઓ આફ્રિકામાં સંસ્થાનવાદી તરીકે નહીં પરંતુ વેપારી તરીકે આવ્યા હતા જેમણે વેપારી એકમોનું નિર્માણ કર્યું, અર્થતંત્રોને મજબૂત બનાવ્યાં અને સમુદાયો વચ્ચે ગાઢ મિત્રતાના સંબંધો વિકસાવ્યા.
વર્તમાન સમયની ભારતની કૂટનીતિ અને વારસો
ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણીવાર ઇતિહાસ અને વારસામાં ઊંડો રસ દર્શાવી ચૂક્યા છે. તેઓ ભારતીય સ્વતંત્રતા સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ અર્પવા જિનિવા અને ઝ્યુરિકની મુલાકાતે ગયા હતા. કચ્છના માંડવીમાં સ્થાપિત એક સંગ્રહાલય દ્વારા પણ તેમના વારસાનું સન્માન કરાયું છે, જે શહેરને તેના ઐતિહાસિક મહત્વ સાથે સાંકળે છે.
વિદેશ નીતિની વાત કરીએ તો ભારત સમગ્ર મીડલ ઇસ્ટમાં સંતુલિત સંબંધો જાળવતો આવ્યો છે. મીડલ ઇસ્ટના દેશોમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો વસવાટ કરે છે અને તેમના સામુદાયિક, વ્યાપારિક અને સાંસ્કૃતિક યોગદાનને આદરથી જોવામાં આવે છે. વડાપ્રધાન મોદી વારંવાર આ ગ્લોબલ કોમ્યુનિટીને લિવિંગ બ્રિજ ગણાવી ચૂકયા છે. આ ભાઇચારાનું શક્તિશાળી પ્રતીક અબુધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિર છે. યુએઇમાં ગૌરવ અપાવતું આ સ્થાપત્ય એકતા, પરસ્પર સન્માન અને ભારત તથા મીડલ ઇસ્ટ વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતિબિંબ છે.
સમગ્ર મીડલ ઇસ્ટમાં દુબઇનું શિવ અને કૃષ્ણ મંદિર, મસ્કતનું મોતીશ્વર મંદિર, બહેરિનનું ઇસ્કોન મંદિર, કતારનું કૃષ્ણ મંદિર, યમનનું શ્રી હિંગરાજ માતાજી મંદિર અને એડનનું જૈન દેરાસર જેવા મંદિરો અને સામુદાયિક સંસ્થાનો મીડલ ઇસ્ટ અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાની સાથે ભારતીય વારસાની જાળવણી પણ કરે છે.
રાજદ્વારી સ્તરે ભારતે આરબ દેશો સાથે મજબૂત સંબંધો વિકસાવ્યા છે તો સાથે સાથે ઇરાન સાથે સંબંધોની જાળવણી કરે છે અને પેલેસ્ટાઇન સાથે મંત્રણા પણ કરતો રહે છે. સાથે સાથે ભારત ઇઝરાયેલ અને વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ સહિતની તેની નેતાગીરી સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે.
આ સંબંધોના કારણે ભારત આજે અલગ પ્રકારની રાજદ્વારી સ્થિતિમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ભાર મૂકતા રહ્યા છે કે યુદ્ધ સમાધાન નથી અને પેલેસ્ટાઇનનો મુદ્દો મંત્રણા દ્વારા ઉકેલવો જોઇએ. સંતુલન અને કૂટનીતિ માટેનું આ પ્રકારનું આહવાન વિશેષ મહત્વ ધરાવે છે. સંભવિત છે કે આ પ્રકારના વિચારોને વ્યાપક સ્વીકૃતિ મળે કારણ કે દેશોને શાંતિ અને સ્થિરતાની તલાશ છે.
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેની જટિલતાની સમજણ
ઇરાનમાં રહેલી જટિલ વાસ્તવિકતાઓને પણ જાણવી મહત્વની છે. આ દેશ વિવિધ ઓળખ અને ઇતિહાસ ધરાવતા ઘણા વંશીય જૂથો અને સમુદાયોનું વતન છે પરંતુ સમયની સાથે એક શક્તિશાળી સરકારે તેમને એકજૂથ રાખ્યાં છે. મીડલ ઇસ્ટમાં ઇરાન લાંબાસમયથી ઇઝરાયેલને માન્યતા આપવાનો ઇનકાર કરી રહ્યો છે તે મોટા પડકારો પૈકીનો એક છે. આ તણાવના કારણે સમગ્ર પ્રદેશમાં અવિશ્વાસનું વાતાવરણ ઘેરું બન્યું છે.
તે જ સમયે આજની વાસ્તવિકતા એ છે કે યહૂદી લોકોએ ઇઝરાયલમાં પોતાનું વતન સ્થાપિત કર્યું છે અને ત્યાં વસવાટ કરી રહ્યાં છે. હવે મુખ્ય પ્રશ્ન ઇતિહાસને ઉલટાવી દેવાનો નથી પરંતુ આગળ વધવા માટે વ્યવહારુ અને શાંતિપૂર્ણ માર્ગ શોધવાનો છે. બેન્જામિન નેતન્યાહૂ સહિત ઇઝરાયલી નેતાઓએ પણ ક્યારેક સ્વીકાર્યું છે કે આ વિવાદનો કાયમી ઉકેલ પેલેસ્ટાઇન અને પેલેસ્ટિનિયન લોકોની અપેક્ષાઓને પણ પૂર્ણ કરશે. આખરે તો બધા પક્ષો એકબીજાના અસ્તિત્વને સ્વીકારે અને ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન બંને માટે સંતુલિત અને ન્યાયી ઉકેલ લાવવા કામ કરે તેના પર જ કાયમી શાંતિની સ્થાપનાનો આધાર રહેશે.
આ ક્ષણે દુનિયા ખરેખર અનિશ્ચિતતા અનુભવી રહી છે ત્યારે આપણો ભારતીય ઇતિહાસ આપણને યાદ અપાવે છે કે સહયોગ અને સહિયારા હિતો ઘણીવાર વિભાજન પર વિજય મેળવે છે. હિંદ મહાસાગર એક સમયે ખંડો, સંસ્કૃતિઓ અને ધર્મોને જોડતા સેતૂ તરીકે સેવા આપતો હતો. કદાચ જોડાણ અને પરસ્પર આદરની એ જ ભાવના ફરીથી વિશ્વને વધુ સ્થિર અને શાંતિપૂર્ણ ભવિષ્ય તરફ દોરી શકે છે. આનાથી સારો વિકલ્પ કોઈ નથી.


comments powered by Disqus