યુકે અને અમેરિકાના સંબંધો ડામાડોળ થઇ રહ્યાં છે?

Wednesday 11th March 2026 06:11 EDT
 

બ્રિટનના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ઇરાન સામેની અમેરિકા અને ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહીમાં સામેલ થવાનો ઇનકાર કરી દેતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ધૂંઆપૂંઆ થઇ ગયાં છે. વડાપ્રધાન સ્ટાર્મરના આ નિર્ણય પછી યુનાઇટેડ કિંગડમ (યુકે) અને યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) વચ્ચેની દાયકાઓ જૂની વિશેષ ભાગીદારી અને દ્વિપક્ષીય સંબંધો પર ફરી ચર્ચા શરૂ થઈ છે. ઈતિહાસમાં બંને દેશો રાજકારણ, સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં નજીકના સાથીદાર
રહ્યા છે પરંતુ ઇરાન મુદ્દે ઉભી થયેલી સ્થિતિએ બંને દેશોની વચ્ચેના તણાવને સપાટી પર લાવી દીધો છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન સર કેર સ્ટાર્મરના આ નિર્ણયની ખુલ્લેઆમ ટીકા કરી છે. ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆતથી જ બંને દેશો વચ્ચે કેટલીક બાબતોમાં મતભેદ જોવા મળ્યા હતાં. ટ્રમ્પની ટેરિફ નીતિ, ગ્રીનલૅન્ડ અને કેનેડા સંબંધિત વિદેશ નીતિ તેમજ રશિયા અને યુક્રેનના યુદ્ધ વિશેના જુદા અભિગમોને કારણે બંને દેશોના સંબંધોમાં કડવાશ વ્યાપી હતી. બ્રિટિશ સરકારને લાગે છે કે અમેરિકાની કેટલીક નીતિઓ વધુ એકતરફી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આપખુદ વલણ અપનાવી રહ્યાં છે તેના કારણે બંને દેશોની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અલગ પડી રહી છે.
તાજેતરનો ઘટનાક્રમ બતાવે છે કે યુકે અને અમેરિકાની વિદેશ નીતિમાં સ્પષ્ટ તફાવત છે. ખાસ કરીને મધ્યપૂર્વમાં સંકટ ઊભું થાય ત્યારે અમેરિકા ઝડપથી સૈન્ય પગલાં લેવાની તરફેણ કરે છે. જ્યારે વડાપ્રધાન સ્ટાર્મરની લેબર સરકાર કૂટનીતિ, આંતરરાષ્ટ્રીય સહકાર અને કાનૂની આધાર પર વધુ ભાર મૂકે છે. આ કારણે યુકેએ અમેરિકાની આગેવાની હેઠળના સૈન્ય પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપવાનું ટાળ્યું છે.
નીરિક્ષકો યુકેના આ વલણ માટે ઇરાક યુદ્ધમાં થયેલા અનુભવોને પણ જવાબદાર માની રહ્યાં છે. 2003માં ઇરાક પર હુમલો કરવા યુકે અમેરિકા સાથે સામેલ થયો હતો. તત્કાલિન બ્રિટિશ સરકારનો આ નિર્ણય ત્યારે બ્રિટનમાં ઘણો વિવાદાસ્પદ બની રહ્યો હતો. બ્રિટિશ રાજનેતાઓ અને જનતાનું માનવું હતું કે, સદ્દામ હુસેન સામે પુરતા પુરાવાનો અભાવ હતો અને કોઇપણ આયોજન વગર ઇરાક પર હુમલો કરાયો તેના કારણે સમગ્ર પ્રદેશ લાંબાગાળાની અસ્થિરતામાં ધકેલાઇ ગયો હતો. આ અનુભવને કારણે જ અમેરિકાના નેતૃત્વમાં લશ્કરી અભિયાનોમાં જોડાતા પહેલાં હવેની બ્રિટિશ સરકારો ભારે સાવધાની રાખી રહી છે. વડાપ્રધાન સ્ટાર્મર આ વલણને જારી રાખતાં જણાવી ચૂક્યાં છે કે અમે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન કરવા માગતા નથી.
તે ઉપરાંત બ્રિટિશ જનમતે પણ સ્ટાર્મરના નિર્ણયમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. બ્રિટિશ પ્રજા વિદેશી યુદ્ધોમાં સામેલ થવા ઇચ્છતી નથી તે સંખ્યાબંધ સરવેમાં સામે આવ્યું છે. બ્રિટિશ જનતાના મત વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીમાં સામેલ થઇને રાજકીય નેતાઓ જનસમર્થન ગુમાવવા પણ માગતા નથી. આમ પણ લેબર સરકારની લોકપ્રિયતા હાલ તળિયે બેઠી છે ત્યારે સ્ટાર્મર એવી કોઇ મુસીબત વહોરી લેવા માગતા નથી.
બીજીવાર સત્તામાં આવેલા ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવીને બ્રિટન સાથેના સંબંધો પણ દાવ પર મૂકી દીધા હતા. તેના પગલે સ્ટાર્મરે પણ બ્રિટિશ હિતોને પ્રાથમિકતા આપવાનું શરૂ કરતાં બંને વચ્ચે રાજકીય મતભેદોમાં પણ વધારો થયો હતો. આંતરરાષ્ટ્રીય સંગઠનો સહિત નાટો પ્રત્યેની ટ્રમ્પની નીતિઓએ પણ મતભેદોમાં વધારો જ કર્યો હતો. તેના કારણે જ વૈશ્વિક મુદ્દાઓ પર પણ બંને નેતા સામસામે આવી ગયાં છે. આમ એક રીતે જોવા જઇએ તો બ્રિટન અને અમેરિકા વચ્ચેના ખટરાગ માટે નીતિઓમાં પ્રવર્તતા મતભેદો જ જવાબદાર છે. ટ્રમ્પની આડોડાઇના કારણે જ બ્રિટને નિર્ણયો સ્વતંત્ર રીતે લેવાનું શરૂ કર્યું છે.
ક્યારેક દાદાગીરી સામે વિરોધ પણ ઊભો થાય છે. ઇરાનનો ઉલ્લેખ કરતાં કેટલાક લોકો કહે છે કે તે ઇઝરાઇલ સામેના આતંકવાદને સમર્થન આપે છે અને ટ્રમ્પ આ મુદ્દાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માંગે છે. પરંતુ અહીં એક કહેવત યાદ આવે છે, બીજાને ઉપદેશ આપતા પહેલા પોતે તેનું પાલન કરવું જોઈએ.


comments powered by Disqus