અમદાવાદ: વિદેશમાં વસતા ભારતીય દ્વારા હાલમાં પ્રતિ વર્ષ જે કુલ નાણાં મોકલાય છે તેમાંથી આશરે 31.2 ટકા જેટલો હિસ્સો હાલમાં યુદ્ધને કારણે જોખમ અનુભવતા પશ્ચિમ એશિયામાં રહેતા આશરે 90 લાખ જેટલા ભારતીય દ્વારા મોકલાય છે. વર્ષ 2024-25માં વિદેશમાં વસતા ભારતીયો દ્વારા કુલ 136 બિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 12.24 લાખ કરોડ મોકલવામાં આવ્યા હતા, જેના 31.2 ટકા આશરે રૂ. 3.91 લાખ કરોડ થાય છે.
હવે જો યુએસ-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ જો લાંબું ખેંચાય તો આ રેમિટન્સ પર તેની ગંભીર વિપરીત અસર થઇ શકે છે એવું નિષ્ણાતો માને છે. હાલમાં યુદ્ધના કારણે જોખમ અનુભવી રહ્યા છે એવા યુએઈ, કુવૈત, કતાર, ઓમાન અને બહેરીનમાંથી ભારતમાં આવતા રેમિટન્સનો હિસ્સો પ્રમાણમાં મોટો છે. આ દેશો કુલ રેમિટન્સમાં અનુક્રમે 19.2 ટકા, 5.1 ટકા, 3.9 ટકા, 4.1 ટકા, 2.5 ટકા અને 1.5 ટકા હિસ્સો ધરાવે છે. આ રેમિટન્સમાં યુએઇ 19.2 ટકા હિસ્સા સાથે બીજા ક્રમે આવે છે, જ્યારે યુએસ 27.7 ટકાના હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે.

