રાજકોટના પડધરી તાલુકાના રામપર ગામે ૩૦ એકરમાં તૈયાર થયેલ "સદભાવના વૃધ્ધાશ્રમ"નું ગયા સોમવારે પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજે ૪૦૦ થી ૪૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા એશિયાના આ સૌથી વિશાળ વૃધ્ધાશ્રમ "સદભાવના' માટે ઇસ્ટ લંડનસ્થિત ઉદારમના વિનુભાઇ તથા હસુભાઇ નાગરેચા પરિવારે £૧૦ મિલિયન (રૂા.૧૦૮ કરોડ)નું વિપુલ દાન અર્પણ કર્યું છે. આ માવતર સેવા યજ્ઞ "સદભાવના" વૃધ્ધાશ્રમના લોકાર્પણ વિધિમાં નાગરેચા પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો.
વિનુભાઇ તથા હસુભાઇ નાગરેચાના બહેન ઉમીબહેન રાડિઆએ "ગુજરાત સમાચાર"ને જણાવ્યું કે અમારી આ સખાવત નિરાધાર, અશક્ત, બિમાર વૃધ્ધ વડીલોના જતન માટે તેમજ માવતરની ધરતી પર હરિયાળી લાવે એવા વૃક્ષોના વાવેતર અને જતન માટે વપરાશે.
આ અદ્યતન વૃધ્ધાશ્રમમાં અંદાજે ૫, ૪૦૦ નિરાધાર વૃધ્ધ, અશક્ત, બિમાર વડીલો એક છત હેઠળ માનભેર રહી શકશે. આ વૃધ્ધાશ્રમમાં રહેવા સાથે અત્યાધુનિક હોસ્પિટલની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે. આ લોકાર્પણ પ્રસંગે પૂજ્ય મોરારીબાપુએ નાગરેચા પરિવારની આ ઉદારતાને બિરદાવતાં હ્દયપૂર્વક આશીર્વાદ પાઠવ્યા હતા. "માતા પિતાની સેવા એ જ પરમેશ્વરની સેવા" અને સેવા, સંસ્કાર અને સમર્પણ"ના ઉમદા ભાવને જોઇ પ્રેમવશ પૂ. મોરારીબાપુએ હસુભાઇ નાગરેચા પરિવારને લંડનમાં રામકથા કરવાનું જાહેર કર્યું હતું.

