હું ખુદ મારી જાતને મોદીભક્ત કહેવડાવતા શરમાતો નથી અને તેમાં પણ જેમના બોલવા ઉપર તેમના ખુદના જ ભરોસો ના કરતા હોય તેવા વિપક્ષી નેતાના વાક્યને દોહરાવતા દુઃખ થાય છે. પરંતુ આપણા ‘ગુજરાત સમાચાર’માં અગાઉ આવેલ ‘અમેરિકાના ભારતદ્વેષની ચરમસીમા’ શીર્ષકવાળા મારા લેખમાં મૈત્રીના અંચળા હેઠળ અમેરિકા સદાય ભારતવિરોધી જ રહ્યું હોવાનું મેં આધાર સહ જણાવેલ હતું. આ જ પરિપાટી પ્રમાણે ગરજ હતી ત્યાં સુધી મોદીજી અને ભારતના વખાણ કરતાં ના થાકતા ઉદંડ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ભારતના આત્મસન્માનને ઠેસ પહોંચાડે તેવો અસહ્ય વાણીવિલાસ સતત કરી રહ્યા છે. તેવા સમયે દેશના આત્મસન્માન માટે કોઈની પણ સાડાબારી ના રાખે તેવી છાપ ધરાવતા આપણા વડાપ્રધાન મોદીજીનું અકળ મૌન અસહ્ય છે જ.
કારણ ગમે તે હોય પરંતુ ‘ઓપરેશન સિંદૂર ભારત-પાકિસ્તાનને ધમકી આપી મેં અટકાવ્યું... મારા કહેવાથી ભારતે રશિયા પાસેથી તેલ ખરીદી ઘટાડી/બંધ કરી... ભારતે ટેરિફ મુદ્દે અમેરિકી શરતો સ્વીકારી લીધી...’ વગેરે ટ્રમ્પના વાણીવિલાસ સામે કોઈ પ્રતિભાવ મોદીજીએ ખુલીને ના આપ્યો. આ ઉપરાંત વેનેઝુએલાના પ્રમુખનું તેમની પત્ની સાથે એક શેરીના ગુંડાની જેમ અમેરિકા દ્વારા અપહરણ કરાયું, ભારતને ચાબહાર જેવું વ્યૂહાત્મક પોર્ટ આપનાર ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઇની સપરિવાર હત્યા કરાય, ભારતના મહેમાન બનીને આવેલ ઈરાનના યુદ્ધ જહાજને ભારત નજીકના જ દરિયામાં ડુબાડી દેવાય તો પણ પોતાને ‘વૈશ્વિક નેતા’ ગણાવતા મોદીજી ખેદ પણ વ્યક્ત ના કરે તે વાત હજમ થાય તેવી નથી. તેમાં પણ તાજેતરમાં ‘અમેરિકાએ એક મહિના માટે રશિયા પાસેથી તેલ ખરીદવા ભારતને મંજૂરી આપી!’ આટલું અપમાન ઓછું હોય તેમ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ ટીવી શોમાં એવું કહે કે, ‘ભારતીયો બહુ સારા એકટર છે. અમે રશિયન તેલ ખરીદવા બંધ કરવા કહ્યું અને તેમણે તેમ જ કર્યું. તેથી અમે ભારતને રશિયન તેલ ખરીદવા મંજૂરી આપી છે.’ આથી એ છાપ ઉપસે છે કે અમેરિકાએ ભારતને વગર યુદ્ધે જીતી લીધું હોય! આથી વધારે ‘સરેન્ડર’ શું હોય શકે? દાઝ એવી ચડે છે કે.. ખેર, કંઇ નથી કહેવું, રહેવા દો.
આ બધા છતાં ભારતીય વિદેશ વિભાગ ફક્ત એટલું કહે છે કે ‘ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવા કોઈની મંજૂરીની જરૂર નથી.’ બસ આટલું જ? જરાય ના ચાલે... અસંભવ લાગે છે, પરંતુ આવું સરેન્ડર થયું હોય તો કારણો અંગે પણ વિચારવું રહ્યું. આ પૈકી એક કે વધુ કારણો હોઈ શકે: • મધ્ય પૂર્વના દેશોમાં રહેતા એક કરોડ ભારતીયોનું હિત જોખમાય તેમ છે?
• અમેરિકામાં વસતા લાખો ભારતીયોનું હિત જોખમાય તેમ છે? • ઈરાને ભારતને સોંપેલા અને ભારતનું બહોળા મૂડીરોકાણવાળું ચાબહાર પોર્ટ જોખમમાં છે? • ‘એપસ્ટિન ફાઈલ’માં કાંઈ અજૂગતું છે? (જોકે ખાત્રી છે કે ના જ હોય...)
ઉપરના પૈકી કોઈપણ કે કોઈ અન્ય કારણ હોઈ શકે. મોદીજીનું મૌન તો ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘજીના મૌન કરતાંય વધુ અકળાવે તેવું છે. ગમેતેમ હોય પણ માન. મોદીજીની ધાર પહેલાં જેવી તિક્ષ્ણ નથી રહી તેવી નકારાત્મક છાપ ઉભી થાય તે પણ ના ચાલે. આવું લખતા ખુબ વ્યથા થાય છે, પણ શું કરવું? હવે તો લખ્યા વગર ચાલે તેમ જ નથી. પ્લીઝ, મોદીજી લાગ જોઈને એવી સોગઠી મારો કે તેને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય, ઉદંડ ટ્રમ્પનું ગર્વમર્દન તમે જ કરી શકશો. અમેરિકા ભારતને ક્યારેય મિત્ર ગણતું નથી, તેને ભારતમાં પોતાનો સમર્થ પ્રતિદ્વન્દી જ દેખાય છે. તમારા પ્રત્યે રાષ્ટ્રની શ્રદ્ધા અને વિશ્વાસમાં કોઈ કમી નથી તેની ખાતરી રાખજો.

