પંદર ઓગસ્ટના શનિવારના રોજ ભારત 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવા જઇ રહ્યો છે ત્યારે તે આઠ દાયકાના ગૌરવશાળી ઇતિહાસ અને મહત્વાકાંક્ષી ભવિષ્યના એક નિર્ણાયક વળાંક પર આવીને ઊભો છે. વર્ષ 1947માં બ્રિટિશ ગુલામીમાંથી આઝાદ થયો ત્યારે વિભાજનની પીડા અને દારૂણ ગરીબીથી ઘેરાયેલો ભારત આઠ દાયકાની મજલ બાદ મજબૂત લોકતાંત્રિક દેશ તરીકે ઉભરી આવ્યો છે. પ્રારંભની એ પીડાદાયક સફર આજે એક ગતિશીલ વાસ્તવિકતામાં તબદિલ થઇ ચૂકી છે. આજે ભારત વૈશ્વિક આર્થિક મહાસત્તાઓમાં સામેલ થઇ ચૂક્યો છે અને ઝડપથી બદલાતી વૈશ્વિક ભૂરાજકીય વ્યવસ્થામાં મજબૂત સ્થાન હાંસલ કર્યું છે.
આઝાદીના 80 વર્ષની ઉજવણી ફક્ત ભૂતકાળના ગૌરવને યાદ કરવાનો વિષય નથી પરંતુ રાષ્ટ્રીય આત્મચિંતન માટેની અત્યંત મહત્વની ક્ષણ છે. આઝાદી પછીની આઠ દાયકાની ભારતની સફર આધુનિક ઇતિહાસની સૌથી અસાધારણ સિદ્ધીઓમાં સામેલ છે. લોકશાહીના પતનની પ્રારંભિક આશંકાઓને ખોટી પૂરવાર કરીને ભારતીય પ્રજાસત્તાકે એક સ્થિર બંધારણીય ઓળખ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી છે. હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિથી માંડીને વિશ્વસ્તરીય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીની મજલ ભારતની પ્રગતિ અને સંકલ્પ શક્તિ દર્શાવે છે. જે દેશમાં એક સોયનું પણ ઉત્પાદન થતું નહોતું તે આજે આંતરખંડીય મિસાઇલોના નિર્માણ સુધી પહોંચી ગયો છે. એકસમયે અન્નના સાંસા પડતા હતા પરંતુ હવે ભારતીય ખેડૂતો વિશ્વને અનાજ પુરું પાડે છે. સર્વિસ સેક્ટરમાં ભારતીય આઇટી ઇજનેરોએ દબદબો કાયમ કર્યો છે. સ્પેસ સેક્ટરમાં જે કોઇ કરી ન શક્યું તે ઇસરોએ કરી બતાવ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને ઇનોવેશન સુધીના ક્ષેત્રોમાં ભારતે એક મુકામ હાંસલ કરી લીધો છે. આજે વૈશ્વિક મંચ પર ભારતનો પ્રભાવ વર્તાઇ રહ્યો છે.
તેમ છતાં હજુ કંઇક ખૂટી રહ્યું છે. આઠ દાયકા પછી પણ આજે ભારતની ગણના વિકાસશીલ દેશોમાં થઇ રહી છે તે એક દુર્ભાગ્ય છે. આઠ દાયકામાં મેળવેલી સિદ્ધીઓની સાથે સાથે હવે વિષમતાઓની ઓળખ કરી તેનો સામનો કરવાનો સમય પાકી ગયો છે. કોઇપણ દેશની સમૃદ્ધિ તેની માથાદીઠ આવક પરથી મપાય છે. આજે પણ ભારત વધતી આર્થિક અસમાનતાનો સામનો કરી રહ્યો છે. વર્તમાન અને આગામી શાસકોએ હવે ઝડપી આર્થિક વિકાસ અને સામાજિક-આર્થિક સમાનતા વચ્ચે સંતુલન જાળવવા મહત્વના પગલાં લેવા પડશે. આર્થિક વિકાસ ફક્ત એક તબકો પૂરતો મર્યાદિત રહેવો જોઇએ નહીં. દેશના દરેક સમુદાય અને છેવાડાના નાગરિક સુધી તેના લાભ પહોંચવા જોઇએ.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે. વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં તેમની સરકાર દ્વારા નીતિઓ ઘડવામાં આવી રહી છે. પરંતુ આ નીતિઓના લાભ સમાજના તમામ તબકા સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે. દેશનો આમ નાગરિક જેટલો સશક્ત અને સમૃદ્ધ બનશે તેટલો જ દેશ સશક્ત અને સમૃદ્ધ બનશે.
