નવી દિલ્હીઃ કોલંબિયામાં સોમવારે 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. આ ભયાવહ ભૂકંપથી ચાર શહેર કાલી, પરેરા, ક્વિબડો અને મનિઝાલેસમાં 1600 ઈમારતોને નુકસાન થયું છે, જ્યારે 60 જેટલી ઇમારતો પૂરી રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા પ્રમાણે મંગળવાર રાત સુધીમાં 60નાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અંદાજે 2 હજાર લોકો લાપતા થયા છે અને 570 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. શોધ અભિયાન અને બચાવ અભિયાન ચાલુ હોવાથી મોતનો આંકડો વધવાની પૂરી શક્યતા દર્શાવાઈ છે. ભૂકંપનો આંચકો 2 હજાર કિ.મી. દૂર ઇક્વાડોર સુધી અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ચોકો ક્ષેત્રમાં સેન જોસ ડેલ પાલ્મારમાં જમીનથી 107 કિ.મી.ની ઊંડાઈએ હતું.
જૂન મહિનાથી અત્યાર સુધી વિશ્વમાં આ ત્રીજો મોટો ભૂકંપ છે. જૂનમાં વેનેઝુએલામાં 7.2 અને 7.5 ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા, તેમાં 6125 લોકોનાં મોત થયાં હતાં. જુલાઈમાં જાપાનના કુમામોટોમાં 6.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

