પાકિસ્તાન હાથ ઘસતું રહી ગયું અને 70 ટકા બલુચિસ્તાન સરકી ગયું

Wednesday 12th August 2026 07:18 EDT
 
 

ક્વેટાઃ પાકિસ્તાનના સૌથી મોટા બલુચિસ્તાન પ્રાંત ઇરાન સરહદ સાથે જોડાયેલો છે, જ્યાં આજકાલ બળવાખોર વધુ તીવ્ર બન્યા છે. બલુચિસ્તાન લિબરેશન આર્મીના લડવૈયાઓ અલગ દેશની માગ કરી રહ્યા છે. સ્થિતિ એવી છે કે બલૂચ લડવૈયાઓ અને પશ્તુન વિદ્રોહીઓનો બલુચિસ્તાન પ્રાંતના 70 ટકા હિસ્સા પર કબજો છે. બલુચિસ્તાનના ઘણા વિસ્તારોમાં હથિયારબંધ લડવૈયાઓ ક્વેટા અને મસ્તુંગ જેવા શહેરોમાં સરકારી કચેરીઓ પર હુમલો કરે છે.
બલુચિસ્તાન પાકિસ્તાનની ખનિજોની ખાણ પણ કહેવાય છે. ખુજદાર શહેરના યુવક મોમીને ગુસ્સા સાથે કહ્યું કે, ગ્વાદર પોર્ટ - પર ચીનનો કબજો છે. ચીને સીપેકના નામે અહીં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
બલુચિસ્તાનનો 11મી ઓગસ્ટે સ્વતંત્રતાદિન
ભારતના ભાગલા પાડવાનો મનસુબો સેવનારા પાકિસ્તાનના આજકાલ ટુકડા થવાની ઘડીઓ ગણાઈ રહી છે. પીઓકેમાં પ્રજાનાં જોરદાર વિરોધ પ્રદર્શનો વચ્ચે બલુચિસ્તાને પાકિસ્તાન સાથેના સંબંધોનો અંત લાવી પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરવાનાં મૂડમાં છે. તે અંતર્ગત બલુચિસ્તાને 11 ઓગસ્ટે પોતાનો સ્વતંત્રતા દિવસ પણ મનાવ્યો. આ માટે બલોચ નેતા વિશ્વના અનેક દેશો પાસેથી સમર્થન માગી રહ્યા છે. બલોચ નેતા મીર યારે કહ્યું કે, સૌએ હવેથી દર વર્ષે 11મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઊજવવાનો રહેશે. વિદેશમાં રહેતા બલોચ લોકો પણ આ દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની નીતિઓએ આ વિસ્તારમાં ખરાબ અસરો જન્માવી છે.


comments powered by Disqus