ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર હાલમાં ‘એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાઈ’ જેવી સ્થિતિમાં છે. માર્ચ 2025માં શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર તરફથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારને ક્રિપ્ટો કરન્સીના બિઝનેસ માટે આમંત્રણ અપાયું હતું. આ પછી પાક ક્રિપ્ટો કાઉન્સિલ પણ બનાવી દેવાઈ હતી, પરંતુ હવે પાકના મૌલાનાઓએ ક્રિપ્ટોના કારોબારને હરામ જાહેર કરી ફતવો બહાર પાડ્યો છે. આ સ્થિતિમાં ટ્રમ્પના પરિવારના અંદાજે રૂ. 13 હજાર કરોડ ક્રિપ્ટોના બિઝનેસમાં ફસાઈ ગયા છે.
પાકિસ્તાન જ્યારે ગ્લોબલ ક્રિપ્ટો હબ બનવા ઈચ્છી રહ્યું છે, તે જ સમયે તેના સૌથી મોટા ધાર્મિક વિદ્વાને આખી રમત પર સવાલ સર્જી દીધા છે. દારુલ ઉલૂમ કરાચીના સિનિયર સ્કોલર અને વફાકુલ મદારિસ અલ-અરબિયાના ચીફ મુફ્તી મુહમ્મદ તકી ઉસ્માનીએ એક ફતવો જાહેર કરી બિટકોઇન, એથેરિયમ અને યુએસડીટી જેવા સ્ટેબલ કોઇનને હરામ જાહેર કરી દીધા છે.

