નવી દિલ્હીઃ દેશની ટોચની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)ના નાસિક યુનિટમાં હિન્દુ કર્મચારીઓને ઈસ્લામ ધર્મ અપનાવવા કરાતા દબાણ અને હિન્દુ યુવતીઓની જાતીય સતામણી અંગે રાષ્ટ્રીય મહિલા પંચ (એનસીડબલ્યુ) એ વિગતવાર અહેવાલ જારી કર્યો છે. અહેવાલ અનુસાર ટીસીએસમાં કામ કરતાં મુસ્લિમ યુવકો અને યુવતીઓ દ્વારા ખાસ કરીને યુવાન અને જરૂરિયાતવાળી હિન્દુ યુવતીઓ ટાર્ગેટ બનાવાતી હતી.
આરોપીઓ દ્વારા આવી યુવતીઓનું વારંવાર જાતીય અને ધાર્મિક શોષણ કરાતું હતું. આ ઉપરાંત ટીસીએસના નાસિક યુનિટમાં લગાવાયેલાં સીસીટીવી પણ કામ કરતાં નહોતાં. અહેવાલમાં જણાવ્યા અનુસાર, નાસિકસ્થિત ટીસીએસમાં કામકાજનો માહોલ અત્યંત વિચલિત કરનારો તથા દૂષિત હતો. જ્યાં હિન્દુ યુવતીઓનું સતત જાતીય શોષણ કરાતું હતું. આરોપીઓએ ટીસીએસ નાસિકનું વાસ્તવિક નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું હતું.
આ કેસની મુખ્ય આરોપી નિદા ખાનની નાસિક પોલીસે ગુરુવારે ધરપકડ કરી હતી. છેલ્લાં 25 દિવસથી પોલીસથી ભાગતી ફરતી 27 વર્ષીય નિદાને ઓઇલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીનના કોર્પોરેટરે પોતાને ત્યાં છુપાવી રાખી હતી. મહિલા પંચના અહેવાલ અનુસાર આરોપીઓ પીડિત હિન્દુ કર્મચારીઓનાં ધર્મ, માન્યતાઓ અને પરંપરાઓની મજાક ઉડાવતા અને તેમની નિંદા કરી તેમને એવું ઠસાવતા હતા કે હિન્દુ કરતાં મુસ્લિમ ધર્મ વધુ સારો છે.
ફરાર મુખ્ય આરોપી નિદા ખાનને પકડવા માટે પોલીસે અત્યંત ગુપ્ત અને સુનિયોજિત ઓપરેશન ચલાવ્યું હતું. ધરપકડથી બચવા માટે સતત ઠેકાણા બદલી રહેલી નિદા ખાન આખરે છત્રપતિ સંભાજીનગરના નરેગાંવ વિસ્તારથી પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. નાસિકમાં સામે આવેલા કથિત જબરદસ્તી ધર્માંતરણ કેસ બાદથી જ નિદા ખાન ફરાર હતી. પોલીસ સતત તેની શોધમાં હતી, પરંતુ તે દર વખતે બચી નીકળતી હતી.
કેસની તપાસ કરી રહેલી ટીમને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં મહત્ત્વની બાતમી મળી હતી કે નિદા ખાન છત્રપતિ સંભાજીનગરના નરેગાંવ સ્થિત કૈસર કોલોનીના એક ભાડાના ફ્લેટમાં છુપાયેલી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે નિદા ખાનને AIMIMના કોર્પોરેટર મતીન પટેલે શરણ આપી હતી.

