અમદાવાદઃ શહેરનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હવે વૈશ્વિક ક્રિકેટ ફાઈનલ માટેનું એપિસેન્ટર બની ગયું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સત્તાવાર શેડ્યુલ મુજબ, આઇપીએલ 2026 ની ફાઈનલ 31મી મેના રોજ અમદાવાદમાં રમાશે. આ સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સળંગ બીજી વખત અને કુલ ચોથી વખત (2022, 2023, 2025, 2026) આઈપીએલ ફાઈનલની યજમાની કરવાનો રેકોર્ડ બનાવશે. છેલ્લા પાંચ વર્ષમાં આ મેદાને 2023ના વન-ડે વર્લ્ડકપ અને તાજેતરમાં 8 માર્ચના રોજ રમાયેલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ સહિત અનેક ઐતિહાસિક ખિતાબી જંગનું સાક્ષી બન્યું છે. આઇપીએલના ઇતિહાસમાં એવું જવલ્લે જ બને છે કે કોઈ એક મેદાનને સતત બે વર્ષ ફાઈનલની યજમાની મળે, પરંતુ 2025 બાદ 2026 માં પણ અમદાવાદને આ તક મળી છે. 1.32 લાખની ક્ષમતા ધરાવતું આ મેદાન હવે ફાઈનલ મેચો માટે બોર્ડની પ્રથમ પસંદગી બની ગયું છે.
ગત વર્ષે RCB વિજેતા બની હતી
અગાઉની ફાઈનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. તે મુકાબલામાં RCBએ પંજાબને હરાવીને ખિતાબ પર કબજો જમાવ્યો હતો. બે વર્ષથી વિજેતા ટીમના હોમ ગ્રાઉન્ડને ફાઈનલની યજમાની મળી રહી નથી. આઇપીએલ 2023ની ફાઈનલ અમદાવાદમાં રમાઈ હતી, કારણ કે 2022માં ગુજરાત ટાઈટન્સે ખિતાબ જીત્યો હતો. આઇપીએલ 2022ની ફાઈનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ગુજરાતે રાજસ્થાનને હરાવ્યું હતું. 2021ની ફાઈનલ દુબઈમાં રમાઈ હતી.
અચાનક અમદાવાદની પસંદગી કેમ?
આઈપીએલ 2026ની ફાઈનલ મેચની યજમાની બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસેથી કેમ છીનવાઈ ગઈ, તેનું સાચું કારણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પષ્ટ કર્યુ છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્ધારિત ક્વોટા કરતા ધારાસભ્યો અને નેતાઓ માટે આશરે 10,000 વધારાની કોમ્પ્લિમેન્ટરી (ફ્રી) ટિકિટો માંગવામાં આવતા બોર્ડે આ કડક નિર્ણય લીધો હતો. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આઈપીએલના નિયમો મુજબ યજમાન એસોસિએશનને સ્ટેડિયમની કુલ ક્ષમતાના માત્ર 15 ટકા કોમ્પ્લિમેન્ટરી ટિકિટો આપવાની જોગવાઈ છે. પરંતુ, કર્ણાટક એસોસિએશને બીજી મે ના રોજ એક ઈમેલ દ્વારા પોતાના સભ્યો, સંલગ્ન ક્લબો, સ્થાનિક ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો અને કર્ણાટક સરકાર માટે 700 પાસ સહિત કુલ 10,000 જેટલી વધારાની ટિકિટોની માંગણી કરી હતી. આ માંગણી અયોગ્ય હોવાથી બીસીસીઆઇએ બેંગલુરુના સ્ટેડિયમ ખાતેથી આઈપીએલની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખસેડવાનો નિર્ણય કર્યો છે.
કર્ણાટક ક્રિકેટ એસો. નિરાશ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આઇપીએલ 2026 ના પ્લેઓફ અને ફાઈનલ મુકાબલા બેંગલુરુથી અન્ય સ્થળોએ ખસેડવાના નિર્ણય બાદ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને ભારે નિરાશા વ્યક્ત કરી છે. એસોસિએશનના પ્રવક્તા વિનય મૃત્યુંજયે એક નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે, 'અમને એ વાતની ભારે નિરાશા છે કે આઈપીએલ પ્લેઓફ અને ફાઈનલની મેચો અન્ય કેન્દ્રોને ફાળવવામાં આવી છે.’

