ઉત્તરપ્રદેશમાં બે મંત્રીને પ્રમોશનઃ 6 નવા ચહેરા

Tuesday 12th May 2026 07:13 EDT
 
 

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારના બીજા મંત્રીમંડળ વિસ્તરણમાં રવિવારે 2 કેબિનેટ મંત્રી અને 4 રાજ્યમંત્રીનો સમાવેશ કરાયો હતો. ઉપરાંત 2 રાજ્યમંત્રીને બઢતી આપીને તેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો હતો.
શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી અને મનોજ પાંડે, જેમણે સપા સામે બળવો કર્યો હતો, તેમને કેબિનેટમંત્રી બનાવાયા હતા. રાજ્યમંત્રીઓ અજિતપાલ સિંહ અને સોમેન્દ્ર તોમરને રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા હતા. કૃષ્ણ પાસવાન, સુરેન્દ્ર દિલેર, હંસરાજ વિશ્વકર્મા અને કૈલાસ રાજપૂતે 4 નવા રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ વિસ્તરણ બાદ, યોગી સરકારમાં હવે OBC સમુદાયના 25 મંત્રી છે, જ્યારે ઉચ્ચ જાતિના 22 મંત્રીનો સમાવેશ થાય છે. વધુમાં દલિત સમુદાયના 11 મંત્રી છે.
આનંદીબહેને ગુપ્તતાના શપથ અપાવ્યા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું. નવા મંત્રીઓના શપથ પ્રસંગે રાજ્યના ગવર્નર આનંદીબહેન પટેલે નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ હાજર રહ્યા હતા.


comments powered by Disqus