અમદાવાદ: ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં સામેલ ગુજરાતના બેટ્સમેન ઉર્વિલ પટેલે લખનઉ સામેની મેચમાં 13 બોલમાં અડધી સદી પુરી કરવાની સાથે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદીના જયસ્વાલના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. ઉર્વિલે ચેન્નાઈની જીતનો પાયો નાંખતા 8 છગ્ગા અને બે ચોગ્ગા સાથે 23 બોલમાં 65 રનની ઈનિંગ 282.60ના સ્ટ્રાઈકરેટથી નોંધાવી હતી. તેણે આ ઈનિંગ પિતા મુકેશભાઈને અર્પણ કરી હતી.
ઉર્વિલ અગાઉ જયસ્વાલે રાજસ્થાન તરફથી રમતાં કોલકાતા સામે 2023માં 13 બોલમાં અડધી સદી ફટકારી હતી. ઉર્વિલની 13 બોલમાં અડધી સદીને ટી-20માં ભારતીય બેટ્સમેનોની ફાસ્ટેસ્ટ અડધી સદીમાં સંયુક્તપણે ત્રીજું સ્થાન મળ્યું છે.
પિતાને વિસ્ફોટક ઈનિંગ અર્પણ કરી
ઉર્વિલ પટેલે તેની વિસ્ફોટક ઈનિંગ તેના પિતા મુકેશભાઈને અર્પણ કરી હતી. તેણે અડધી સદી ફટકાર્યા બાદ ઉજવણી દરમિયાન ખીસ્સામાંથી એક હાથથી લખેલી ચિઠ્ઠી બહાર કાઢી હતી. જેમાં લખ્યું હતુ કે, ‘ધીસ ઈઝ ફોર યૂ પાપા’. તેની નીચે તેણે ગુજરાતીમાં ‘સધી... જોગણી... ચેહર... ગોગા... સિકોતર માના આશીર્વાદથી’ એમ પણ લખ્યું હતું. ઉર્વિલનું બાળપણ મહેસાણામાં પસાર થયું છે.
હરાજીમાં અનસોલ્ડ રહ્યાો હતો
ગુજરાતના બેટસમેન 27 વર્ષના જમણેરી બેટસમેન ઉર્વિલ પટેલ ઘરઆંગણાના ક્રિકેટમાં વિસ્ફોટક બેટિંગ કરી હોવા છતાં આઇપીએલની 2025ની હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. આ પછી ચેન્નાઈ સુપર કિંગ્સે ઈજાગ્રસ્ત ખેલાડી વંશ બેદીના રિપ્લેસમેન્ટ તરીકે તેને રૂ. 30 લાખની બેઝપ્રાઈઝ સાથે ટીમમાં સમાવ્યો હતો. તેને 2023ની આઈપીએલ અગાઉ ગુજરાત ટાઈટન્સે રૂ. 20 લાખની બેઝ પ્રાઈઝ સાથે ટીમમાં સમાવ્યો
હતો. જોકે, તેને એક પણ મેચમાં તક મળી ન હતી અને તેને 2024ની હરાજી પહેલા રિલિઝ કરવામાં આવ્યો હતો.

