ગુજરાત કલ્ચરલ સોસાયટી અને ગુર્જર હિન્દુ યુનિયન દ્વારા ‘ભજન જામિંગ’

Wednesday 13th May 2026 08:25 EDT
 
 

3 મેએ ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS) બ્રાઇટન અને ગુર્જર હિન્દુ યુનિયન (GHU) ક્રોલી દ્વારા સાથે મળી એક સુંદર ભજન જામિંગના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત ભાવિક હરિયા અને તેમની ટીમ દ્વારા ભજનની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી. જીસીએસ દ્વારા લાંબા સમયથી આ કાર્યક્રમ કરવાની ઇચ્છા હતી, જો કે મોટું કાર્ય હોવાથી જીસીએસની સાથે જીએચયુ પણ આ કાર્યમાં જોડાયું હતું.
આ કાર્યક્રમનો ખર્ચ કાઢવા હેતુ 350 આમંત્રિતોના એકત્ર થવાની આશા હતી. જો કે તમામની મહેનતથી આ કાર્યક્રમમાં ક્રોલી, બ્રાઇટન, લંડન અને બર્મિંગહામથી અંદાજિત 600 જેટલા આમંત્રિતો પધાર્યા હતા અને ભજન જામિંગ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત ક્રોલી મંદિરથી થઈ, જ્યાં પૂજારીજીએ શ્લોકથી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન ધીરુભાઈ ગઢવીએ તેમની આગવી શૈલીમાં આમંત્રિતોનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે આ કાર્યક્રમનો વિચાર કેવી રીતે આવ્ય ો તેની પણ છણાવટ કરી હતી. ધીરુભાઈએ GCS પ્રમુખ મીરાં પટેલ વિશે પણ ઉષ્માભર્યું ભાષણ આપ્યું, ત્યારબાદ મીરાંબહેને સભાને સંબોધતાં કાર્યક્રમ પાછળના દૃષ્ટિકોણ વિશે વધુ સમજ આપી. આ સાથે ભજન જામિંગના આ કાર્યક્રમ પાછળ જીસીએસ કમિટી મેમ્બર્સ અને વાઇસ પ્રેસિડેન્ટની મહેનતને જ આ સફળ કાર્યક્રમનો શ્રેય આપ્યો હતો.
ધીરુભાઈ બાદ જીએચયુ તરફથી ભરતભાઈ લુકાએ જીએચયુ ક્રોલી મંદિર અને સંસ્થા અંગે સૌને માહિતગાર કર્યા હતા. આ સાથે ભરતભાઈએ કાર્યક્રમ અંગેની વિચારધારા પ્રગટ કરી સુંદર અને સફળ કાર્યક્રમ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમને આગળ વધારતાં ધીરુભાઈ ગઢવીએ ભાવિકભાઈ હરિયા અને તેમની ટીમના હાઇ પર્ફોર્મન્સ અંગે જણાવતાં કહ્યું હતું કે, ભાવિકભાઈએ સમાજને ભજન અને સત્સંગ તરફ વાળ્યા છે. આજના યુવાનો જો ભજન તરફ વળ્યા છે એનો શ્રેય ભાવિકભાઈને જાય છે, તેથી સમાજે એમનો આભાર માનવો જોઈએ. ભાવિકભાઈએ કાર્યક્રમની શરૂઆત સુંદર ભજન ‘કૌન કહેતા હૈ ભગવાન આતે નહીં’થી કરી. આ સાથે જ ગજાનન ગણપતિની આરાધના અને શિવને સમર્પિત ‘ઓમ શિવ શંકર ભોળા શંભુ’ ભજન લલકારી હાજર સૌને ડોલાવી દીધા હતા. ભાવિકભાઈએ ભગવાન મહાવીર અને સ્વામિનારાયણ ધૂનથી ભક્તિમય અને સંગીતમય વાતાવરણ બનાવ્યું, જેણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સુંદર વાતાવરણથી એવું લાગી રહ્યું હતું કે આ 600 શ્રોતાઓની મેદની વચ્ચે ભગવાન રામ અને કૃષ્ણ સાક્ષાત તેમાં હાજરી પુરાવી રહ્યા હોય.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પુજારીજીએ દરેક કલાકાર મિત્રોને તિલક કરી ચાંદલા કરી સનાતન ધર્મની સંસ્કૃતિનાં દર્શન કરાવ્યાં. જીએચયુ દ્વારા આ પ્રસંગે વિશિષ્ટ આરતીની વ્યવસ્થા કરાઈ હતી, સમગ્રતયા આ કાર્યક્રમનો રિસ્પોન્સ લોકો તરફથી ખૂબ સારો મળ્યો હતો. ધીરુભાઈએ આ અંગે જણાવ્યું કે, સમાજના ઉત્થાન હેતુ આવા કાર્યક્રમો થવા જ જોઈએ. ગુજરાત સમાચાર હંમેશાં આવા કાર્યક્રમોને સપોર્ટ કરે છે અને પોતાની સેવા પણ આવા કાર્યક્રમોને આગળ વધારવા માટે આપતું રહ્યું છે. ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહેમાનોમાં NCGOના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા પણ હતા, જેમણે કાર્યક્રમને સ્પોન્સર કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમ માટે ખુશી અને પ્રશંસા વ્યક્ત કરતાં તેમણે ભક્તિ અને સંગીત દ્વારા સમુદાયને એકત્ર કરવાના બંને સંગઠનના પ્રયાસોની પ્રશંસા કરી. સોના ટૂર્સના ચેતનભાઈ શાહ અને ચોટાઈ પરિવારના ભરતભાઈ ચોટાઈ દ્વારા ઉદારતાથી વધારાના પ્રાયોજક બનવા સાથે સમર્થન આપવામાં આવ્યું હતું. GCS અને GHU બંનેએ કાર્યક્રમની સફળતામાં તેમના મૂલ્યવાન યોગદાન બદલ તમામ પ્રાયોજકો અને સહાયક પરિવારોનો હૃદયપૂર્વક આભાર માન્યો.
ભજન પછી GHUએ તમામ ઉપસ્થિતો માટે મંદિરમાં સ્વાદિષ્ટ પ્રસાદનું આયોજન કર્યું હતું. જે બાદ આધ્યાત્મિકતા અને સમુદાયના મિલનથી ભરેલી સાંજની સુંદર યાદો લઈને બધા સ્મિત સાથે વિદાય થયા.


comments powered by Disqus