નવી દિલ્હીઃ ભારત અને જાપાને બુધવારે ઉભરતી ટેકનોલોજી અને આરોગ્ય સંશોધનમાં પોતાનો સહયોગ મજબૂત બનાવ્યો છે. બંને દેશોએ નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક દરમિયાન ક્વોન્ટમ સાયન્સ અને તબીબી ઉપકરણોનાં ક્ષેત્રોમાં કરાર કર્યો હતો.
જાપાનના વિજ્ઞાન અને ટેકનોલોજી નીતિ મંત્રી અને અવકાશ નીતિ રાજ્ય મંત્રી, ઓનોડા કિમીએ એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ક્વોન્ટમ સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આરોગ્ય સંશોધન અને અદ્યતન કમ્પ્યૂટિંગ સહિતની અગ્રણી ટેકનોલોજીમાં સહયોગ અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી હતી.
આ બેઠકમાં જાપાન એજન્સી ફોર મેડિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (AMED). ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST) વચ્ચે આરોગ્ય અને તબીબી ઉપકરણોના મુદ્દે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન (MoC)નું આદાન-પ્રદાન કરાયું હતું. જાપાનના કેબિનેટ ઓફિસ અને DST વચ્ચે ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સહયોગ અંગેના ઈરાદા પત્ર (Lol) પર પણ હસ્તાક્ષર કરાયા હતા. ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે, આ જોડાણનો ઉદ્દેશ્ય ‘વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન’માં વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનો છે, જેમાં ઉભરતી અને મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
ચર્ચાના મુખ્ય મુદ્દા
• ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ
• સેન્સિંગ અને સુરક્ષિત કોમ્યુનિકેશન નેટવર્ક
• સંશોધક ગતિશીલતા કાર્યક્રમો
• સંયુક્ત ઇનોવેશન પ્લેટફોર્મ
• ઉદ્યોગોમાં ઇન્ટર્નશિપ
• શૈક્ષણિક અને ઔદ્યોગિક ભાગીદારી

