નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરને એક વર્ષ વીતી ચૂક્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે આ દરમિયાન કોઈ સત્તાવાર સંપર્ક ન થયો હોય પણ વાતચીતનો રસ્તો ખોલવાની કોશિશ થઈ રહી છે. જેની જવાબદારી સેનાના નિવૃત્ત જનરલો અને નિવૃત્ત રાજદ્વારીઓએ સંભાળી છે. તેમણે છેલ્લા ત્રણ મહિનામાં ઓછામાં ઓછી બે વખત ગુપ્ત બેઠકો કરી છે. એક અખબારી અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર આ બેઠકો કતર અને એશિયાના અન્ય એક દેશની રાજધાનીમાં આયોજિત થઈ હતી. જો કે મુલાકાતો ઔપચારિક નહોતી પણ ઓપરેશન સિંદૂર બાદ આ રીતની પહેલી કોશિશ છે. સરકારમાં એવી સહમતી બની છે કે ઈસ્લામાબાદ અને રાવલપિંડી સાથે વાતચીતનો એક ગુપ્ત રસ્તો ખુલ્લો રહેવો જોઈએ.
અહેવાલમાં એવો દાવો કરાયો કે, વાતચીતની જરૂરિયાત અંગે એનએસએ અજિત ડોવાલના કાર્યાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયને અવગત કરાવાયું છે. સૂત્રો અનુસાર પાકિસ્તાન તરફથી આવી વાતચીત માટેની ઇચ્છા વ્યક્ત કરાઈ હતી. જેનો મુખ્ય હેતુ ભવિષ્યમાં આતંકી હુમલાની સ્થિતિમાં તણાવને રોકવાનો છે. વર્તમાન સમયે બંનેે દેશ વચ્ચે માત્ર ડીજીએમઓ સ્તરે મંગળવારે થનારી સાપ્તાહિક હોટલાઇન એકમાત્ર સંચાર માધ્યમ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુપ્ત વાતચીતનો ઈતિહાસ લાંબો રહ્યો છે. 2015થી 2018 વચ્ચે એનએસએ અજિત ડોવાલે બેંગકોકમાં તત્કાલીન પાકિસ્તાની સમકક્ષો સાથે બેઠકો કરી હતી. 30 એપ્રિલ 2025એ લેફ્ટનન્ટ જનરલ મોહંમદ આસિમ મલિકને પાકિસ્તાનના નવા એનએસએ બનાવવામાં આવ્યા હતા. જેઓ આઈએસઆઈ પ્રમુખ અને એનએસએ પદ બંને સંભાળી રહ્યા છે.

